ગુરૂવારની બેંક હડતાલમાં રાજકોટનાં કર્મીઓ પણ જોડાશે

યુનિયનએ કરેલી જાહેરાત

રાજકોટ,તા.24
સરકારે પ્રજા વિરોધી, કામદાર વિરોધી અને ખેડુત વિરોધી નિતી અખત્યાર કરીને શ્રમિક વર્ગ પરનાં આક્રમણની ગતિ અને વેધકતા વધારી છે. આ પશ્ર્વાદભૂમિમાં કેન્દ્રીય શ્રમિક સંગઠનોએ સરકારનાં આ આક્રમણ સામે સંઘર્ષના મંડાણ કરવાનું નકકી કરેલ છે.બેંક કર્મચારી/ કામદારો બેંકની ખાનગીકરણનો વિરોધ, ડૂબત લેણાંની કડક વસુલાત, વધારે ભરતી વગેરે પ્રશ્ર્નોને લઈને તા.26 નવેમ્બરના રોજ થનાર હડતાલમાં રાજકોટના કર્મચારીઓ જોડાશે. તેમ મહામંત્રી કે.પી.અંતાણીએ જણાવ્યું હતું. શ્રમિક સંગઠનોની માંગણી છે કે…
(1) કરપાત્ર આવક નહી ધરાવતાં પરિવારને માસિક રૂ.7500/-ની રોકડ સહાય
(2) જરૂરીયાતમંદ તમામ લોકોને માથાદીઠ 10 કિલો અનાજ પ્રતિમાસ.
(3)મનરેગાનું વેતન વધારવું અને ગ્રામ્ય વિસ્તારમાં 200 દિવસની રોજગારી આપવી.
(4) કામદાર વિરોધી/ખેડુત વિરોધી તમામ નિયમો રદ કરવા સહિતની માંગણીને લઈ આંદોલન કરવામાં આવશે.
કેન્દ્ર સરકાર એક તરફી સંસદમાં ચર્ચા કર્યા વગર કાનૂન પાસ કરે છે. ઈન્ટરનેશનલ લેબર કોન્ફરન્સનો આઠ કલાકનો ઠરાવ જેમાં સરકાર સામેલ છે તેનો પણ ભંગ કરે છે.આ સરકારે છેલ્લાં 7 વર્ષથી ઈન્ડીયન લેબર કોન્ફરન્સ બોલાવેલ નથી.કામદારો સાથેનાં પરામર્શ કર્યા વગર શ્રમિક કાનૂન પાસ કરેલ છે. સરકાર કામદારો માટે ઈમનજન્સી જેવી પરિસ્થિતિનું નિર્માણ કરી રહેલ છે. અને ઉધોગપતિઓને અને વિદેશી મૂડી માટે લાલ જાજમ પાથરે છે.
સરકાર કામદાર/કર્મચારી કે અન્ય વર્ગ જેને માટે કાયદા ઘડે છે. તેની સાથે પરામર્થ કર્યા વગર એક તરફી નિર્ણય લઈ કામદાર/કર્મચારીઓ પરનાં પ્રહારો વધારી રહેલ છે ત્યારે કર્મચારી સંગઠનો પાસે હડતાલ સિવાય કોઈ વિકલ્પ નથી તેમ અંતમાં જણાવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ