રાજકોટ સહિત સૌરાષ્ટ્રની વિવિધ જેલમાં સીઆઇડી ક્રાઇમના દરોડા

રેડ દરમિયાન એક પણ વાંધાજનક વસ્તુ નહી મળતા જેલ તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો

રાજકોટ તા.24
રાજકોટ સહિત સૌરાષ્ટ્રની વિવિધ જેલોમાં કેદીઓ પાસેથી મોબાઇલ, તંબાકુ,સિગારેટ જેવી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવવાના અનેક બનાવ નોંધાયા છે. દરમિયાન સીઆઇડી ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ દ્વારા રાજકોટ સેન્ટ્રલ જેલ સહિત સૌરાષ્ટ્રની વિવિધ જેલમાં જડતી કરવામાં આવી હતી પરંતુ એક પણ જેલમાંથી કંઇ વાંધાજનક નહીં મળ્યાનું જાણવા મળે છે. તાજેતરમાં ગોંડલ જેલમાં ગેંગસ્ટર નિખીલ દોંગો, રાજુ શેખવા સહિતના ખૂંખાર કેદીઓ જેલમાં બહારથી મિત્રો બોલાવીને જલસા કરતા પકડાયા હતા. રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગર સહિતની જેલોમાં પણ અવાર નવાર કેદીઓ પાસેથી મોબાઇલ, તંબાકુ, બીડી,સીગારેટ અને નશીલા પદાર્થો મળ્યાની અનેક ફરિયાદ નોંધાઇ ચૂકી છે. આવા બનાવ રોકવા અમદાવાદથી જડતી સ્કવોડ મોકલીને સરપ્રાઇઝ ચેકીંગ કરાવાયા છે. આમ છતાં કેદીઓ સુધી પ્રતિબંધિત વસ્તુઓ પહોંચી જતી હોય છે. જેલના અંદરના સ્ટાફની સાંઠગાંઠથી જ કેદીઓ સુધી આવી પ્રતિબંધિત વસ્તુઓ પહોંચતી હોવાના ભાંડાફોડ થયા છે. રાજકોટ પોલીસે આવા 11 ગુનાની તપાસ માટે રચેલી સીટની તપાસમાં પણ જેલના સ્ટાફની સંડોવણી ખુલી હતી. જેલમાં કેદીઓને ફૂટેલા સ્ટાફના કારણે મળી રહેતી સુવિધાઓ બંધ કરાવવા સીઆઇડી ક્રાઇમના વડાએ વિવિધ જેલમાં સરપ્રાઇઝ ચેકીંગ, જડતીના આદેશ કર્યા હતા. આ આદેશના પગલે સીઆઇડી ક્રાઇમના ડીવાયએસપી આર.એસ.પટેલ સહિતના સ્ટાફે રાજકોટ સેન્ટ્રલ જેલમાં જડતી કરવામાં આવી હતી. પરંતુ જડતીમાં કંઇ વાંધાજનક નહીં મળ્યાનું સૂત્રોએ જણાવ્યું હતું.
સીઆઇડી ક્રાઇમ, રાજકોટના રાજકોટ ઝોન હેઠળ આવતા જૂનાગઢ, જામનગર, ભાવનગર અને સુરેન્દ્રનગર ઉપરાંત અમરેલી જેલમાં પણ જડતી કરવામાં આવી હતી. જોકે એકણ પણ જેલમાંથી કેદીઓ પાસેથી કે કેદીઓએ અન્યત્ર છૂપાવેલી કોઇ પ્રકારની પ્રતિબંધિત વસ્તુઓ નહીં મળ્યાનું જાણવા મળે છે. સીઆઇડી ક્રાઇમ દ્વારા સમયાંતરે આ પ્રકારે જેલમાં જડતી કરવામાં આવશે તેમ સીઆઇડીના સૂત્રોએ જણાવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ