બહારથી આવતા મુસાફરોના કોરોના ટેસ્ટ શરૂ

રેલ્વે, બસ સ્ટેશન, એરપોર્ટ ખાતે તંત્ર દ્વારા ઝુંબેશ, ફેરિયાઓના પણ ચેકઅપ કરાયા

v

કાલે દુકાનદારો, ડિલિવરી બોયનો ટેસ્ટ
મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં કોરોના ટેસ્ટીંગ બુથ શરુ કરવામાં આવ્યા છે. રેલવે, બસ સ્ટેશન, એરપોર્ટ ખાતે મુસાફરોના સ્ક્રીનીંગ-ટેસ્ટીંગની કામગીરી આજથી શરુ કરવામાં આવી છે જ્યારે સંક્રમણ અટકાવવા માટે આવતીકાલે નાની મોટી દુકાનોના માલીકો તેમજ દુકાનમાં કામ કરતા માણસો અને સ્વીગી-ઝોમેટો તેમજ કુરિયરમાં કામ કરતા ડિલિવરી બોયનો ટેસ્ટ કરવામાં આવશે.

રાજકોટ તા,24
રાજકોટ શહેરમાં દિવાળીના તહેવારો બાદ કોરોના પોઝિટિવ કેસમાં અચાનક ઉછાળો આવતા મનપા દ્વારા તમામ પ્રકારની આરોગ્યલક્ષી ઝુંબેશ શરુ કરવામાં આવી છે જે પૈકી બહારથી આવતા પ્રવાસીઓનું ચેકઅપ થઈ શકે તે માટે રેલવે, બસ સ્ટેશન, એરપોર્ટ ખાતે આજથી મુસાફરોનું સ્ક્રીનીંગ અને ટેસ્ટીંગ કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે.રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કોરોના વાયરસના સંક્રમણનો પ્રસાર રોકવા શકય તમામ પ્રયાસો કરવામાં આવી રહયા છે. મહાનગરપાલિકા દ્વારા કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે શ્રેણીબધ્ધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે.
કોરોનાનો ચેપ ફેલાતો રોકવા સાવચેતીરૂપે આજે તા. 24-11-2020 ના રોજ અન્ય શહેરમાંથી અથવા અન્ય રાજ્યમાંથી રાજકોટ આવતા મુસાફરો માટે રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન અને એરપોર્ટ ખાતે સ્ક્રીનીંગ અને ટેસ્ટીંગની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે આ ઉપરાંત લક્ષ્મીનગર હોકર્સ ઝોન અને મંગળવારી બજાર ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
શહેરમાં જે વિસ્તારોમાં ફેરીયાઓ વધુ પ્રમાણમાં રહે છે તેવા વિસ્તારોમાં મહાનગરપાલિકા દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરી કોરોના સંક્રમણને અટકાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાની મેડિકલ ટીમ દ્વારા આવા કેમ્પમાં વ્યક્તિનું સ્વાસ્થ્ય કેવું છે તેની પ્રાથમિક તપાસ થર્મલ સ્ક્રિનિંગ અને પલ્સ ઓક્સિમીટર વડે ચકાસણી કરવામાં આવે છે. જો કોઇ વ્યક્તિને કોરોના સંદર્ભે કોઈપણ લક્ષણો જણાયે તેમનું સ્થળ પર જ ટેસ્ટીંગ કરવામાં આવે છે. અન્ય રાજ્ય કે અન્ય જિલ્લા માંથી રાજકોટ આવતા લોકો માટે મનપાની ટીમ દ્વારા રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન અને એરપોટ ખાતે જ હેલ્થ ચેકઅપ કરી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોનાને પ્રાથમિક તબક્કાથી જ હરાવવા માટે દરેક લોકોએ પોતાનું ટેસ્ટીંગ કરાવવું જરૂરી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટેસ્ટીંગ બુથ, ધનવંતરી રથ, સંજીવની રથ, 104 સેવા રથ, કોવીડ-19 ટેસ્ટીંગ વ્હીકલ તેમજ આરોગ્ય કેન્દ્ર ખાતે પણ વિનામુલ્યે કોરોના ચેકઅપ કરી આપવામાં આવે છે. વહેલું નિદાન કરી કોરોના સંક્રમણની ચેઈનને તોડવા સૌ સહયોગ આપે તેમજ પોતાનું તેમજ પોતાના પરિવારજનોની કાળજી રાખીએ.હાલ કોરોના સામે રક્ષણ મેળવવા માટે માસ્ક પહેરવું, વારંવાર હાથ સાફ કરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ખુબ જ જરૂરી છે. શક્ય તેટલું એકબીજાના સંપર્કમાં આવવાનું ટાળવું એ પણ ખુબ જરૂરી છે. તંત્રની કામગીરી સાથે લોકોનો પણ સહયોગ જરૂરી છે. કોરોનાના સામાન્ય લક્ષણો જેવાકે શરદી, ઉધરસ, તાવ કે શ્વાસ લેવામાં તકલીફ પડે તો તુર્ત જ રાજકોટ મહાનગરપાલિકાની સેવાનો લાભ લેવા તમામ શહેરીજનોને અપીલ કરવામાં આવે છે.

રિલેટેડ ન્યૂઝ