ફાર્મહાઉસમાં રમતી બાળાનું સ્વીમીંગ પુલમાં ડુબી જતાં મોત

રાજકોટ તા.24
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત અનુસાર રાજકોટમાં કુવાડવા રોડ ઉપર આવેલા કનૈયા ફાર્મ હાઉસમાં કવિતાબેન રમેશભાઈ વાસ્કલે નામની 3 વર્ષની માસુમ બાળકી રમતા રમતા અકસ્માતે સ્વીમુંગ પુલમાં પટકાઈ હતી. સ્વીમીંગ પુલના પાણીમાં ડુબી ગયેલી બાળાને બહાર કાઢી બેભાન હાલતમાં સારવાર માટે તાત્કાલીક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયાં માસુમ બાળાની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરીવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો છે. આ અંગે પ્રાથમિક પુછતાછમાં મૃતક બાળા તેના માતા પિતાની એકની એક લાડકવાયી પુત્રી હતી. દાહોદ પંથકના પરીવાર છેલ્લા એકાદ વર્ષથી કનૈયા ફાર્મ હાઉસમાં મજૂરી કામ અર્થે આવ્યો હતો. માતા પિતા ફાર્મ હાઉસમાં કામ કરતા હતા. ત્યારે માસુમ બાળા રમતા રમતા અકસ્માતે સ્વીમીંગ પુલમાં પડી જતા મોત નિપજયુ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ