રાજકોટનો ભુમાફીયો જામીન પર મુકત થતાં જ પોલીસે દારૂના કેસમાં ઝડપી લીધો

પાસાના હુકમ વચ્ચે નવા ગુના નોંધાયા તો નવાઇ નહીં

રાજકોટ તા. 3
બળજબરીથી પૈસા પડાવવા, જમીન ઉપર કબજા સહિતના ગુનામાં જેલવાસ ભોગવી રહેલા નામચીન ભૂમાફિયા ભૂપત ભરવાડ ઉર્ફે ભૂપત વિરમભાઇ બાબુતરનો જમીન કૌભાંડમાં જામીન ઉપર છૂટકારો થયો છે. જામીન પર છૂટેલા ભૂપત ભરવાડને ક્રાઇમ બ્રાંચના અધિકારીએ દારૂના ગુનાની તપાસમાં અટકાયતમાં લઇ લીધો છે. ભૂપત સામે અન્ય અરજીઓની તપાસ ચાલુ હોવાથી નવો ગુનો નોંધાય તેવી શક્યતા છે.
ખાખી અને ખાદીની છત્રછાયામાં બેલગામ બનેલા ભૂપત ભરવાડે સામાકાંઠા વિસ્તારમાં અનેક લોકોની મિલકત પડાવી લીધાની તેમજ બળબજબરીથી પૈસા પડાવ્યાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. જોકે પોલીસ અધિકારીઓ, રાજકિય આકાઓની સાથે ઉઠક બેઠક ધરાવતા ભૂપત અને તેની ગેંગ સામે કોઇ ફરિયાદ નોંધાવવાની હિંમત કરતા ન હતા. પોલીસમિત્ર ગણાતા ઇન્દોરના મોસ્ટ વોન્ટેડ જીતુ સોનીની રાજકોટમાં પોતાના ફાર્મ હાઉસ ઉપર ભૂપતે મહિનાઓ સુધી આશરો આપ્યો અને જ્યારે મધ્યપ્રદેશ પોલીસ જીતુ સોનીને પકડવા આવી ત્યારે ક્રાઇમ બ્રાંચમાંથી ભૂપતને માહિતી મળી જતાં તેણે આરોપીને ભગાડી દીધો ત્યારથી ભૂપતના ઉપર કાયદાનો કોરડો વિંઝાવાનું શરૂ થયું. સામાકાંઠાના હોટલ સંચાલક ધવલભાઇ મીરાણી પાસેથી 70 લાખ પડાવવાનો પહેલો ગુનો નોંધાયો અને આ ગુનામાં ક્રાઇમ બ્રાંચના એસીપી ડી.વી.બસીયા, પીઆઇ વી.કે.ગઢવી, પીએસઆઇ વી.જે.જાડેજા સહિતના સ્ટાફે ભૂપતને લીમડાની કડવાણીનો સ્વાદ ચખાડ્યો હતો.
તેમજ ભૂપતને સામાકાંઠા વિસ્તારમાં હાથકડી પહેરાવીને તેની ઓફિસે લઇ જવાયો હતો. ભૂપત પ્રત્યે પોલીસના આકરા વલણ પછી ભૂપત ગેંગનો ભોગ બનેલા લોકો ફરિયાદ કરવા સામેથી પોલીસનો સંપર્ક કરવા લાગ્યા હતા.
હોટલ સંચાલક પાસેથી પૈસા પડાવવાના ગુનામાં પકડાયેલા ભૂપત ભરવાડની ઓફિસમાં પોલીસે તપાસ કરતા દારૂની અડધી ભરેલી બોટલ મળી આવતા પ્રોહિબિશનનો અલગ ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યાર બાદ ભૂપત અને તેના ભાગીદાર, સાગરીતો વિરૂધ્ધ બેડી જમીન કૌભાંડ, મોરબી રોડ પર અર્જુન પાર્ક સૂચિત સોસાયટીમાં કબજો કરવાનો ગુનો નોંધાયો હતો. તદુપરાંત જમીન કૌભાંડની અન્ય પાંચથી છ ફરિયાદ અરજી થઇ છે જેની તપાસ ચાલુ છે.
અર્જુન પાર્કના જમીન કૌભાંડમાં જેલવાસ ભોગવી રહેલા ભૂપત ભરવાડે જામીન ઉપર છૂટવા કરેલી અરજી અદાલતે મંજૂર કરી હતી. આજે જામીન ભરીને ભૂપત જેલમાંથી મુક્ત થયો એ સાથે ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.જે.જાડેજા, મદદનીશ ભરતસિંહ સહિતના સ્ટાફે ભૂપત ભરવાડને દારૂના ગુનામાં અટકાયતમાં લઇ લીધો હતો. કોવીડ ટેસ્ટ પછી તેની ધરપકડ કરી જરૂર જણાયે રિમાન્ડની માગણી કરવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ