રાજકોટ વિસ્તારની 170 સ્કૂલોને ઈન્કમ ટેક્ષની નોટીસ પાઠવાઈ

ટેકસ ભર્યા છતાં જમા નથી થઈ: આચાર્યસંઘ રજૂઆત કરશે

રાજકોટ તા,3
રાજકોટ જિલ્લાની 170 ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓને આવકવેરા વિભાગે નોટીસ ફટકારતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. આ નોટીસના લીધે આચાર્ય સંઘ આવકવેરા વિભાગના કમિશનરને મળી રજૂઆત કરશે.
વર્ષ 2009થી 2010નો બાકી રહેતો ટેક્સ ચૂકવવાને લઈને ઈન્કમટેક્સ વિભાગ ગ્રાન્ટેડ શાળાઓને ત્રીજી વખત નોટીસ ફટકારી છે પરંતુ જિલ્લા અને શહેરી 170 શાળાઓએ ટેક્સ ભર્યા હોવા છતાં ઈન્કમટેક્સ દ્વારા એસેસમેન્ટ કરી ત્રીજીવાર રિકવરીની નોટીસ ફટકારી છે. જેમાં રૂા.10 લાખથી લઈ એક કરોડ રૂપિયા સુધીની નોટીસ અપાઈ છે. આ બાબતે આચાર્ય સંઘે કહ્યું છે કે ઈનકમટેક્ષની ટેકનિકલ ક્ષતિના લીધે વારંવાર નોટીસ આવી અમને પરેશાન કરવામાં આવી રહ્યા છે. આ અંગે કમિશનરને રજૂઆત કરવામાં આવશે. ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ જ્યારે અધિકારીની બદલી કરે છે ત્યારે આ પ્રશ્ર્ન ફરીથી ઉભો થઈ રહ્યો છે. ગ્રાન્ટેડ માધ્યમીક શાળાઓ દ્વારા વર્ષ 2009 સુધી પગારમાંથી ટેક્સ કાપવામાં આવતો હતો. ત્યારબાદ નવા પરિપત્રને લઈને 2009 અને 2010ના વર્ષનો ઈન્કમટેક્ષ રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ટેક્સ કાપવામાં આવ્યો હતો. આ ટેક્સ ભરપાઈ કર્યા હોવાનો રેકર્ડ પણ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા જે તે શાળાઓને આપવામાં આવ્યો છે છતાં ઈન્કમટેક્સ દ્વારા આ બે વ્યક્તિ ટેક્ષની રકમ ભરપાઈ કરવામાં આવી ન હોવાનું અને તે અંગે રિકવરી નોટીસ ફટકારતા આચાર્ય સંઘ મેદાનમાં આવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ