શહેરમાં 9 સ્થળેથી ચિકીના સેમ્પલ લેતું ફુડ વિભાગ

મોડે મોડે પણ તંત્ર જાગ્યુ ખરૂ

(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ, તા. 12
મકરસંક્રાંતિનો તહેવાર માથા ઉપર છે અને શિયાળાની શરૂઆતથી લોકો ચિક્કી ખાઈ રહ્યા છે. ત્યારે રહી રહીને મનપાના ફૂડ વિભાગ દ્વારા ચીકીના વેપારીઓને ત્યાં ચેકીંગ કામગીરી શરૂ કરવામાં આવી છે. ચોપડે બતાવવા માટે ફુડ વિભાગે અને અલગ અલગ 9 સ્થળોએથી ચીકીના સેમ્પલ લઈ પૃથ્કરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.
રાજકોટ મહાનગરપાલિકાની ફુડ વિભાગની ટીમ દ્વારા મકરસંક્રાતિના તહેવારને અનુલક્ષીને ચિક્કી, સાનીનું વેંચાણ બહોળા પ્રમાણમાં થતુ હોય, જાહેર જનતાને ભેળસેળરહિત આરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો મળી રહે તે હેતુથી ફુડ બિઝનેશ ઓપરેટરોની ચકાસણી કરી નમુના લેવાની કામગીરી કરવામાં આવેલ. જેમાં જે સ્થનળેથી નમૂના લેવામાં આવેલ છે તેમાં મોમાઇ ચિક્કી, કેસરી બ્રિજ ખાતેથી મનમોજી ચિક્કી (લૂઝ), સંજરી સિઝન સ્ટોર, કેસરી બ્રિજ ખાતેથી કાળા તલની સાની (લૂઝ), ગુરુજી ચિક્કી, રૈયા ચોકડી ખાતેથી ગોળ દાળીયાની ચિક્કી (લૂઝ), જય બજરંગ ચિક્કી, પારેવડી ચોક ખાતેથી ગોળ ટોપરાની ચિક્કી (લૂઝ), ઠક્કર ગૃહ ઉદ્યોગ, ગાંધીગ્રામ ખાતેથી ક્રશ ચિક્કી (લૂઝ), ભાવના ગૃહ ઉદ્યોગ, ચુનારાવાડ ચોક ખાતેથી કાળા તલની ચિક્કી (લૂઝ),શ્રી રામ ચિક્કી, પરસાણાનગર-5 ખાતેથી ખાંડ કોપરાની ચિક્કી (લૂઝ), મોનાલીસા એન્ટરપ્રાઇઝ, મોરબી રોડ ખાતેથી ગોળ સિંગની ચિક્કી (લૂઝ), સાત્વિક ફુડ પ્રોડક્ટ, ટાગોર માર્ગ ખાતેથી સફેદ તલની સાની (લૂઝ), કનેરીયા એન્જી નીયરીંગ વર્ક્સ, ભક્તિનગર રેલવે સ્ટેઝશન ચોક ખાતેથી નહાશથ બ્રાન્ડ ડ્રાયફ્રુટ ચીકી (500 ગ્રામ પેક્ડ) તથા કાળા તલ (લૂઝ) નો સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનિય છે કે શહેરમાં ખ્યાતનામ ચિકી સેન્ટરો સિવાયના અનેક ધંધાર્થીઓ દ્વારા ચીકીમાં ભેળસેળ કરાતી હોવાનું બહાર આવ્યું છે. ચીકી પાથરવા માટે શંખ જીરુનો ઉપયોગ થતો હોવાનું અનેક વખત ફુડ વિભાગના દરોડામાં ઝડપાયું છે. છતાં શિયાળાની શરૂઆતમાં ચીકીના ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ હાથ ધરવાના બદલે હવે રહી રહીને તંત્રએ આળસ ખંખેરી ફકત બતાવવા ખાતર ચેકીંગ કામગીરી હાથ ધરી હોય તેવું લાગી રહ્યું છે.

રિલેટેડ ન્યૂઝ