કે.કે.વી., જડુશ, નાનામવા અને રામાપીર સર્કલ ઓવરબ્રીજના ટેન્ડર અંતે મંજુર

રૂા. 239 કરોડનો થશે ખર્ચ, ટુંક સમયમાં મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત

(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ, તા. 12
સ્માર્ટસીટી રાજકોટ બનવા જઇ રહ્યું છે સુંદર અને રળીયામણું શહેર બનાવવા તેમજ ટ્રાફિક ભારણ ઓછુ કરવા માટે 150 ફૂટ રીંગરોડ ઉપર કેકેવી સર્કલ, નાનામવા સર્કલ અને રામાપીર સર્કલ ઉપર ઓવરબ્રીજ બનાવવા માટે મનપાએ ટેન્ડર પ્રસિધ્ધ કરેલ. રીટેન્ડર કરવા છતાં કોઇ એજન્સીઓએ બ્રીજ બનાવવા માટે તૈયારી ન બતાવતા અંતે આખરી ટેન્ડર બાદ એજન્સીઓએ ટેન્ડર ભર્યું હતું. 40 ટકા ઓનથી તમામ ટેન્ડર આવ્યા બાદ નેગોશીએશનના અંતે ચારેય બ્રીજના ટેન્ડર મંજુર કરી દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે જે શુક્રવારે સ્ટેન્ડીંગ કમીટીમાં મંજુર કરવામાં આવશે.
મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવેલ કે 150 ફુટ રીંગરોડ ઉપર ટ્રાફિકનું ભારણ ઓછુ કરવા માટે રામાપીર સર્કલ, નાનામવા સર્કલ પર ઓવરબ્રીજ બનાવવા તેમજ કેકેવી ચોક ખાતે હાઈલેવલ ઓવરબ્રીજ બનાવવાનું આયોજન કરવામાં આવેલ. તેમજ કાલાવડ રોડ ઉપર જડુસ હોટલ વાળા સર્કલ ઉપર ઓવર બ્રીજ બનાવવાનું પણ આયોજન કરવામાં આવેલ. ચારેય બ્રીજ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી. પરંતુ સીંગલ ટેન્ડર આવતા રી-ટેન્ડર કરવામાં આવેલ. પરિણામે અનેક એજન્સીઓએ ટેન્ડર ભર્યા હતા. જૂના એસ્ટીમેન્ટ મુજબ ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવેલ. જેના કારણે કોન્ટ્રાક્ટરો દ્વારા 40 ટકા ઓનથી ટેન્ડર ભરતા કોકડું ગુંચવાયું હતું. પરંતુ કમિશનરે મકમતા દાખવી એજન્સીઓ સાથે મીટીંગ યોજી નેગોશીએશન કર્યા બાદ દોઢ ટકા ઓન બાદ કરી ટેન્ડરને મંજુરી આપી હતી. ચારેય બ્રીજના ટેન્ડર મંજુર કર્યા બાદ દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. જે શુક્રવારે સ્ટેન્ડીંગ કમીટીમાં મંજુર કર્યા બાદ વર્કઓર્ડર આપવામાં આવશે. સ્ટેન્ડીંગ કમીટીમાં ખર્ચ મંજુર થયા બાદ ચારેય બ્રીજનું ખાતમુહુર્ત મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ