ગુજરાતના યુવાનો રાષ્ટ્રના ઉતમ ચરીત્ર્યનું નિર્માણ કરશે : CM

અદ્યતન સ્પોર્ટસ – ઓપન એર થિયેટરનું ઇ-ખાતમુહૂર્ત ઇ-લાઇબ્રેરીનું લોકાર્પણ કરાયું

(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ, તા. 12
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ “રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 31 હજારથી વધુ વિદ્યાર્થીઓને વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પરથી સંબોધતા જણાવ્યું હતું કે યુવાઓના સામર્થ્ય થકી “નયા ભારતનું નિર્માણ થવાનું છે. મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ કહ્યું કે, “આત્મનિર્ભર ભારતના નિર્માણ અભિયાનમાં આત્મનિર્ભર ગુજરાત અગ્રેસર રહેશે અને તેના કેન્દ્રમાં ગુજરાતના યુવાનો, નવી ચેતના, નવી ઊર્જા અને સાહસિકતા હશે.
મુખ્યમંત્રીશ્રીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં રૂ.14.25 કરોડ ના વિકાસના નવા કામોની ભેટ આપી હતી જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે અભ્યાસ કરતા વિદેશના વિદ્યાર્થીઓના ઉપયોગ માટે અંદાજીત રૂપિયા 4 કરોડના ખર્ચે નવનિર્માણ પામેલ આધુનિક ન્યુ ઇન્ટરનેશનલ ટ્રાન્ઝીસ્ટ હાઉસ તથા કેમ્પસમાં આવેલી સરસ્વતી વિમેન્સ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીઓને વાંચનની સુવિધા મળી રહેતે માટે સ્વાધ્યાય પરિવારના પાંડુરંગ દાદાની ચેર દ્વારા લાયબ્રેરીનું ઈ- લોકાર્પણ કર્યું હતું. રૂ 6 કરોડના ખર્ચે તૈયાર થનાર અદ્યતન લાયબ્રેરીનું અને રૂ. 3 કરોડના ખર્ચે તૈયાર થનાર અધતન સ્પોર્ટસ હોસ્ટેલ તથા 1.25 કરોડના ખર્ચે તૈયાર થનાર ઓપન એર થિયેટરનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ન્યુ ઇન્ટરનેશનલ ટ્રાન્ઝીટ હાઉસ અંદાજિત 1706.23 ચોરસ મીટરમાં ફેલાયેલું છે. જેમાં વિદ્યાર્થીઓ માટે 36 રૂમ, એડમીન રૂમ લોન્ડ્રી રૂમ ,એન્ટરટેનમેન્ટ રૂમ, ઈલેક્ટ્રિક રૂમ, વોર્ડન રુમ, સ્ટોર રૂમ, સહિત કુલ 55 રૂમની સુવિધા સહિત મલ્ટીપર્પજ હોલ સોલાર વોટર હીટર, દરેક રૂમમાં લિવિંગ રૂમ, બાલ્કની, ડ્રેસિંગ રૂમ, અટેચ્ડ ટોયલેટ અને કિચનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. 88 વિદ્યાર્થીઓની કેપેસિટી ધરાવતા સ્પોર્ટ્સ હોસ્ટેલમાં સ્ટુડન્ટ્સ રૂમ, ડિસેબલ રૂમ, વોર્ડન રૂમ, ડાઇનિંગ હોલ, કિચન રૂમ, સ્ટોર રૂમ, ઈલેક્ટ્રિક રુમ સહિત 1195.15 ચોરસ મીટર જગ્યામાં બનશે. જ્યારે નવી લાઈબ્રેરી 3068 ચોરસ મીટર જગ્યામાં 360 વિદ્યાર્થીઓને સમાવી શકાય તથા 43 જેટલા વિદ્યાર્થીઓ માટે ઈ કોર્નર સુવિધા તેમજ 71712 જેટલા પુસ્તકો સમાવિષ્ટ કરી શકાય તેવી સુવિધાસભર લાઇબ્રેરીનું બાંધકામ કરવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિ. એન.એસ.એસ. યુનિટ દ્વારા કોવિડ-19માં સેવાકિય કામગીરીને આવરી લેતા પુસ્તકનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.
કુલપતિ ડો. નિતીનભાઈ પેથાણીએ સ્વામી વિવેકાનંદજીના જન્મદિને યુવાનોને પ્રેરણા આપતું વક્તવ્ય આપી વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદના વિચારોને આત્મસાત કરવા સંકલ્પ લેવા આહવાન કર્યું હતુ.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રો વાઈસ ચાન્સેલર ડો. વિજયભાઈ દેસાાણીએ કાર્યક્રમના પ્રારંભે રાષ્ટ્રીય યુવા દિવસની સૌને શુભેચ્છા આપીને શાબ્દિક સ્વાગત કર્યું હતું તેમજ યુનિ. ના નવા પ્રોજેક્ટોની રૂપરેખા આપી હતી.
કાર્યક્રમના અંતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડો. જતીન સોનીએ આભારવિધી કરી હતી. આ પ્રસંગે સિન્ડીકેટ મેમ્બર શ્રી મેહુલ રૂપાણી તેમજ વિવિધ વિદ્યાશાખાના અધ્યક્ષ સહિત અન્ય લોકો ઉપસ્થિત રહયા હતા.

રિલેટેડ ન્યૂઝ