રાજકોટમાં 37 લાખની ચોરીનો ભેદ ઉકેલાવાનો સંકેત: મહત્વની કડી મળી

રાજકોટ,તા.3
શહેરના એરપોર્ટ રોડ પર આવેલી પત્રકાર સોસાયટીમાં વેપારીના બંધ બંગલામાંથી 37 લાખની ચોરીના બનાવમાં પોલીસને મહત્વની કડી હાથ લાગતા ટુંક સમયમાંજ ભેદ ઉકેલાઈ જવાની આશા વ્યકત કરાઈ છે જયારે બીજી તરફ આજ તસ્કરો વેપારીના બંગલા ઉપરાંત આસપાસના અન્ય બે મકાનમાં પણ ચોરી કરવા ત્રાટકયા હતા જેમાંથી એક મકાનમાંથી પાંચ લાખની જયારે બીજા મકાનમાં માત્ર ચોરીનો પ્રયાસ કર્યાની વાત જોર પકયું છે.
જાણવા મળતી વિગત મુજબ પત્રકાર સોસાયટીમાં રહેતા કેમીકલના વેપારી મોહસીનભાઈ નજરઅલીભાઈ પટેલ (ઉ.વ.65) જન્માષ્ટ્રમી નિમિતે તેમના પરિવાર સાથે રાજસ્થાન ઉદયપુર ફરવા ગયા હતા દરમિયાન તસ્કરોએ તેમના બંધ બંગલાને નિશાન બનાવી રૂ. 23 લાખની રોકડ અને સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ.37 લાખની ચોરી કરી ગયા હતા જે અંગે ગાંધીગ્રામ પોલીસે ફરિયાદ નોંધી તપાસનો ધમધમાર હાથ ધર્યો
હતો બંગલાની બહાર લગાડેલા સીસીટીવી ફુટેજમાં ચારેક શખ્સો કેદ થઈ ગયા હતાં.
ગાંધીગ્રામ પી.આઈ કે.એ. વાળાએ જણાવ્યું હતું કે બંગલાના સીસીટીવી તપાસતા તેમા તા.27ના રાત્રે આઠ વાગ્યે તસ્કરો બંગલામાં પ્રવેશતા અને ત્યાર બાદ તા.28ના સવારે પાંચ વાગ્યે બહાર નીકળતા જોવા મળ્યા છે. આથી તસ્કરો સાડાઆઠ કલાક જેટલો સમય બંગલામાં રોકાઈને આરામથી હાથફેરો કર્યો હતો જયારે વધુમાં પીઆઈ વાળાના જણાવ્યા મુજબ ચોરીમાં મહત્વની કડી મળી ગઈ હોય જેથી ટુંક સમયમાં ચોરીનો ભેદ ઉકેલાઈ જવાની આશા વ્યકત કરી હતી.
જયારે બીજી તરફ તસ્કરો પત્રકાર સોસાયટીમાં વેપારીના બંગલા ઉપરાંત અન્ય બે સ્થળે પણ ચોરી માટે ત્રાટકયા હતા જેમાં એક સ્થળેથી પાંચ લાખની મતાની ચોરી કરી ગયાની જયારે બીજા સ્થળે પરિવાર જાગી જતા તસ્કરો નાશી ગયાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. જો આ બંને સ્થળો પર ચોરી થયાની કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

રિલેટેડ ન્યૂઝ