પર્યુષણ પર્વના પાંચ કર્તવ્યો

બીજો દિવસ
પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી યશોવિજયસૂરીશ્ર્વરજી મહારાજા

(2) સાધર્મિક ભક્તિ : સમાન ધર્મ હોય એને સાધર્મિક કહેવાય. શાસ્ત્રમાં સાધર્મિકનું મહત્વ ગાતા લખ્યું છે… ‘સાધર્મિક સગપણ સમું, અવર ન સગપણ હોય.’ જીવે અનંતકાળમાં અનંતીવાર મા/બાપ/ભાઈ/બહેન/પત્ની/પુત્રી વગેરેના સબંધો બાંધ્યા છે પણ આ સબંધનાં કેન્દ્રમાં સ્વાર્થ અને મમત્વભાવ હતો જ્યારે સાધર્મિકનાં સગપણમાં કેન્દ્રમાં ધર્મ અને ધર્મની આરાધના હોય છે એટલે જ સાધર્મિક સાથેની સગાઈ ચડિયાતી છે.
સ્વ.પૂ.ગચ્છાધિપતિશ્રી જયઘોષસૂરી મહારાજ સાધર્મિક વાત્સલ્યનું મહત્વ જણાવતા લખે છે.. ‘એક બાજુ બધા ધર્મ અને બીજી બાજુ સાધર્મિક વાત્સલ્ય… તો સાધર્મિકભક્તિનું પલ્લું ચડી જાય. આનું કારણ શું ?’ જવાબ આપતા પૂજ્યશ્રી જણાવે છે… ‘જીવ જાતે પરાકાષ્ઠા વગર બધા ગુણો પામતો નથી. કોઈ જીવ બધી શુભ ક્રિયા સાધી શકતો નથી. આની સામે જો સાધર્મિક ભક્તિ કરે તો એના ગુણો, એની આરાધના પોતાનામાં આત્મસાત્ થાય છે. શ્રીસંઘ રત્નની ખાણ છે. સિદ્ધપણાંનું મૂળ છે. અરિહંતપણાંનું ઉત્પતિસ્થાન છે. સંઘમાં બધા જ ગુણો છે માટે પોતાની આરાધના ગૌણ કરીને શ્રીસંઘની ભક્તિ કરવી જોઈએ.
વર્તમાન સંજોગોમાં સહુથી વધુ ફટકો પડ્યો હોય તો સાધર્મિકને પડ્યો હશે. નોકરી છૂટી ગઈ હશે. ઈન-કમિંગ બંધ. આઉટગોઈંગ (ખર્ચા) ચાલુ. 4-5 જણાનો પરિવાર હોય.. પાસે જોઈએ તેવી મૂડી ન હોય ત્યારે એ સાધર્મિકનું શું થતું હશે ? યાદ રાખજો, એક સાધર્મિકને બેઠો કરવાથી એક સાધર્મિક જ બેઠો નથી થતો, સાથે ધર્મ બેઠો થતો હોય છે કારણ કે ધર્મનો આધાર સંઘ છે. સંઘ જ નહીં હોય તો ધર્મ કયાંથી બચશે?
આવો, પર્યુષણપર્વના નિમિતને પામીને શકય તેટલી સહાય આપણા સાધર્મિકોને કરીએ. લગ્ન, બર્થ-ડે પાર્ટી, રિસેપ્શન વગેરેમાં લાખો રૂપિયાનો વ્યય કરનારા શ્રીમંતો માત્ર 9 ટકા જેટલી રકમ વર્ષે સાધર્મિક બંધુઓ માટે ફાળવે તો મારું માનવું છે.. દુનિયામાં સાધર્મિક શોધ્યો નહી જડે.
3) ક્ષમાપના : ક્ષમાપના બે ચીજ માંગે છે : 1-વિસ્મરણ, 2-વિસર્જન. યાદ રહે, આપણે કોઈની ભૂલનું વિસ્મરણ જ નથી કરવાનું, સાથે વિસર્જન કરવાનું છે કારણ કે વિસ્મરણમાં હજી અંતરના કમ્પ્યુટરમાં ઋયયમ છે જ્યારે વિસર્જનમાં તો ડિલિટ જ થઈ ગયું છે.
મિચ્છામિ દુકકડં માંગ્યા પછી પણ જો કોઈનો અપરાધ આપણા સ્મરણપથમાં છે.. તો સમજજો, હજી સુધી સાચી ક્ષમાપના થઈ જ નથી. સાપ દરમાં ગમે તેટલો ઊંડે જાય… પણ મોરલી વાગી નથી ને એ બહાર આવ્યો નથી એમ આપણને નિમિત મળ્યું નથી ને બીજાના અપરાધ સ્મરણમાં આવ્યા નથી.
એક સરસ કહેવત છે.. સારી યાદદાસ્ત એ બહુ મોટી તાકાત છે, પણ ભૂલી જવું એ ઈશ્ર્વરીય વરદાન છે.
આપણને ગઈકાલની ગાથા યાદ નથી રહેતી પણ 10 વર્ષ પહેલા કોઈએ ગાળ દીધી હોય તો એ યાદ રહી જાય છે.
કોઈની ભૂલ જો મનમાં સંઘરી રાખીએ તો મનમાં એકલો કચરો જમા થાય છે. શરીર જો કચરો પકડી રાખે તો મોત નજીક આવે અને મન જો કચરો પકડી રાખે તો દુર્ગતિ નજીક આવે.
એક દિવસ માટે ઘરમાં ઝાડું મારવાનું રહી જાય તો ઘર ગંધાય, કપડાંમાં પાણી રહી જાય તો કપડાં કોહવાય.. તેમ મનમાં ક્રોધ રહી જાય તો વેરમાં ક્ધવર્ટ થયા વગર ન રહે.
પ્રશ્ર્ન : ક્રોધ ચડે કે વેર ચડે ?
જવાબ : એક દિવસ સુધી મનમાં રહે તે ક્રોધ. વર્ષો સુધી મનમાં રહે તે વેર. ક્રોધ શાક જેવો છે. વેર મુરબ્બા જેવો છે. આજનું શાક વધે તો બહુ બહુ સાંજ સુધી રખાય. ભિખારી કે ગાયને આપીને પૂરું કરી દેવાય. પણ બીજા દિવસ માટે ન રખાય. જ્યારે મુરબ્બો વર્ષ સુધી ચાલે. આ અપેક્ષાએ ક્રોધ કરતાં વેર ચડે છે. કમઠ અને અગ્નિશર્માના જીવનમાં ભવોભવ સુધી ચાલતા વેરના કરુણ અંજામ જોવા મળે છે.
એક મહત્વની વાત સમજવા જેવી છે. વેરના મૂળમાં જો ક્રોધ છે તો ક્રોધના મૂળમાં છે અહંકાર. માનવીનો અહં ઘવાય છે ત્યારે ક્રોધ આવે છે. ચંડકૌશિકનો આત્મા આગલા ભવમાં જ્યારે સાધુ હતો ત્યારે સાધુપણું લેતા પૂર્વે ગરીબ બ્રાહ્મણ હતો. ગર્ભવતી પત્નીને મૂકીને પરદેશ કમાવા નીકળ્યો. રસ્તામાં વિદ્યાસિધ્ધ પુરૂષ મળ્યો. એણે આ બ્રાહ્મણને પરસ્ત્રી સાથે ભોગ ભોગવવાની વ્યવસ્થા કરી આપી પણ આ બ્રાહ્મણે એ સ્ત્રીને સમજાવીને પાછી વાળી. એને પોતાની બેન બનાવી આગળ જતા એણે દીક્ષા લીધી. બાલમુનિએ એમના પગ નીચે કચડાયેલી દેડકી બતાવીને સાંજે એનું પ્રાયશ્ર્ચિત કરવા કહ્યું… મુનિ છંછેડાઈ ગયા. ગુસ્સામાં ને ગુસ્સામાં ન કરવાનું કામ કરી બેઠા. કંદર્પની સામે જીતી જનારા દર્પની સામે હારી ગયા. નાના મહાત્માએ કીધું એમાં એમનો અહં ઘવાયો. જે ક્રોધમાં પરિણમ્યો.. અંતે સર્પની યોનિમાં અવતાર લેવો પડ્યો.
અંતમાં, એક અતિ મહત્વની વાત…
પેટમાંથી મળ નીકળે તો આનંદ થાય..
પગમાંથી કાંટો નીકળે તો આનંદ થાય..
આંખમાંથી કણિયો નીકળે
તો આનંદ થાય..
ગળામાંથી કફ નીકળે
તો આનંદ થાય..
શરીર પરથી કચરો નીકળે
તો આનંદ થાય..
તેમ હૃદયમાંથી ક્રોધ અને વેર નીકળી જાય તો કેટલો આનંદ થાય.!
આવો, આ વર્ષનું સંવત્સરી પ્રતિક્રમણ કરતા પૂર્વે અંતરને કષાયોથી શુધ્ધ કરીએ અને સાચા અર્થમાં સંવત્સરી પ્રતિક્રમણની આરાધના કરીએ.
4) અઠ્ઠમ તપ : અનાદિકાળથી આત્માને કર્મનો સંયોગ છે. એને તોડવા માટેનો શ્રેષ્ઠ ઉપાય એટલે તપ. તત્વાર્થસૂત્ર કહે છે : તપસા નિર્જરા ॥ તપથી કર્મનિર્જરા થાય છે. સર્વ કર્મનો ક્ષય થાય એટલે આત્માનો મોક્ષ થાય છે.
મેલા થયેલા શરીરને શુધ્ધ કરવા માટે જેમ સ્નાન છે. તેમ કર્મથી મલિન થયેલા આત્માનું શુધ્ધિકરણ તપથી થાય છે. સંવત્સરી પ્રસંગે શક્તિ હોય તો અઠ્ઠમ, નહી તો આયંબિલ આદિ જે રીતે વાળી શકાય તે રીતે અઠ્ઠમ વાળી આપવો. આ ભગવાનની આજ્ઞા છે.
5) ચૈત્ય પરિપાટી : ચૈત્ય એટલે જિનાલય. પરિપાટી એટલે ક્રમશ: ગામમાં રહેલા તમામ ચૈત્યોને આ દિવસોમાં એકવાર જુહારવા જોઈએ એથી સમ્યગ્દર્શન નિર્મળ થાય છે.
લાખો/કરોડો રૂપિયાના ખર્ચે ભાવુકો જિનમંદિર બનાવી શકે તો કમ સે કમ આપણે એ જિનમંદિરોના દર્શન તો કરી શકીએ ને ?
પર્યુષણ પર્વના આ દિવસોમાં પાંચેય કર્તવ્યોનું પાલન કરીને સાચા અર્થમાં પર્યુષણને ઉજવીએ.. એવી શુભેચ્છા..
સાધર્મિક વર્તમાન
‘તમે શું કામ કરો છો ? જવાબ મળ્યો :
મકાનો પર થતી રોશની વખતે વપરાતી લાઈટની સીરિઝમાં રહેતા નાના-નાના બલ્બ પર પ્લાસ્ટિક કેપ બેસાડવાનું કામ ઘરે બેસીને કરું છું ત્યારે 3000 કેપ ફિટ થાય છે. (તેમના કહેવા પ્રમાણે અમારી સાથે થતી વાતચીત વખતે પણ તેમના હાથ કાર્યરત હતા.)
મિત્રો ! સૂર્ય તો આપણા માટે જ ઉગે છે. આવા પરિવારો માટે તો આપણે જ ઉગવું પડશે.

રિલેટેડ ન્યૂઝ