આખરે કોકડુ ઉકેલાયુ: બાંધકામ પરમિશન નહીં હોય તો પણ મળશે ફાયર એનઓસી

800 થી વધુ મીલકતો પાસે બી,યુ સર્ટીફિકેટ ના હોય દુર્ઘટના-જાનહાની રોકવા વચલો રસ્તો કઢાયો

રાજકોટ તા.15
રાજકોટ શહેરમાં તેમજ રાજ્યના અન્ય શહેરોમાં હોસ્પિટલોમાં આગની દૂર્ઘટના સર્જાયા બાદ રાજ્ય સરકાર દ્વારા ફાયર એનઓસી મુદ્દે કડક વલણ અપનાવી નવ નિયમો જાહેર કર્યા હતા. તેમજ ફાયર સેફ્ટી મુદ્દે હાઈકોર્ટ દ્વારા પણ દરેક મહાનગરપાલિકાઓએ કડક કાર્યવાહી કરવાના આદેશ જારી કરતા રાજકોટ મનપાના ફાયર વિભાગ દ્વારા શહેરની તમામ શાળા-કોલેજો, હોસ્પિટલો, હોટલ-રેસ્ટોરન્ટ તેમજ બહુમાળી ઈમારતો સહિતના સ્થળોએ ચેકીંગ હાથ ધરી ફાયર એનઓસી માટે કડક કામગીરી શરૂ કરી હતી. પરંતુ, બીયુ સર્ટીનો મુદ્દો વચ્ચે આવતાં કામગીરીમાં વિક્ષેપ સર્જાયો હતો. સરકારે બીયુ સર્ટી વગર ફાયર એનઓસી આપવાની પરવાનગી આપી જેની સામે કોર્ટે બીયુ સર્ટી મુદ્દે પણ કડક વલણ અપનાવતાં કોકડુ ગુંચવાયું હતું. અંતે લોકોના જાનમાલની તકેદારીના પગલારૂપે રાજકોટ મહાનગરપાલિકાએ બીયુ પરમીશન વગરની ઈમારતોમાં પણ ફાયર એનઓસી આપવાનો નિર્ણય લીધો છે. ફાયર વિભાગના સૂત્રોમાંથી જાણવા મળેલ વિગત મુજબ, રાજ્ય સરકારે થોડા સમય પહેલાં બીયુ સર્ટી ન હોય તે પ્રકારના એકમોને ફાયર એનઓસી આપવી તેવી સૂચના આપેલ જ્યારે કોર્ટે બીયુ સર્ટી હોય તો જ ફાયર એનઓસી આપવું તેમ જણાવેલ. આથી ટાઉન પ્લાનિંગ વિભાગના નિયમ મુજબ ફાયર એનઓસી હોય તો બીયુ સર્ટી મળે તેવું વલણ અપનાવતા રાજકોટની અંદાજે 800થી વધુ મિલકતોનું કોકડું ગુંચવાયું હતું. ફાયર વિભાગ રાજ્ય સરકારની સૂચના મુજબ કામગીરી કરી રહી હતી. પરંતુ, કોર્ટે પણ આદેશ કરતાં તંત્ર મુંઝવણમાં મૂકાઈ ગયું હતું. જ્યારે હોસ્પિટલો તેમજ કોમર્શિયલ બિલ્ડીંગ અને શાળાઓમાં ફાયર સેફ્ટી મુદ્દે બાંધછોડ કરવી પરવડે તેમ ન હોય અંતે તંત્ર દ્વારા રાજ્ય સરકારની સૂચના મુજબ બીયુ સર્ટી વગરના એકમોને ફાયર એનઓસી આપવાનો નિર્ણય લીધો હતો. જેના કારણે શહેરની મોટાભાગની હોસ્પિટલોએ સરળતાંથી ફાયર એનઓસી મેળવી લીધી છે. જ્યારે બાકી રહેલા કોમર્શિયલ બિલ્ડીંગો વિરુધ્ધ ફાયર વિભાગ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, હોસ્પિટલોનો તમામ ઈશ્યુ પૂર્ણ થઈ ગયેલ છે. જ્યારે શાળાઓની પણ 90 ટકા કામગીરી પૂર્ણ થઈ ગયેલ હોય હાલ રાજ્ય સરકારની સૂચના મુજબ ફાયર એનઓસી આપવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે. લોકોની જાનમાલની રક્ષા માટે વચલો રસ્તો કાઢી નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ ફાયર વિભાગ દ્વારા બાકી રહી ગયેલ રહેણાંક તેમજ કોમર્શિયલ બિલ્ડીંગોમાં સર્વેની કામગીરી વોર્ડવાઈઝ ચાલુ રાખવામાં આવી છે. જે પૂર્ણ થયા બાદ વર્કઓર્ડર ઉપર કામ શરૂ કરવામાં આવશે અને ત્યારબાદ બાકી રહી ગયેલ તમામ એકમોમાં ફાયર એનઓસી આપવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ