રાજકોટ જિલ્લામાં વરસાદી કહેરથી 100 કરોડનું નુકશાન

લોધિકા માટે 10 કરોડની ગ્રાન્ટ ફાળવવા સરકારમાં દરખાસ્ત
રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં સૌથી વધારે વરસાદ પડ્યો છે. તંત્રના આંકડા મુજબ લોધિકામાં બે દિવસમાં જ 22 ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. જેના કારણે લોધિકા તાલુકામાં જમીન ત્યાં જળની સ્થિતી સર્જાઈ હતી. ભારે વરસાદના કારણે લોધિકામાં મકાનો ધરાશાયી થયા હતા. ખેતી-વાડીમાં પણ એટલું નુકશાન થયું છે. પશુઓના પણ મોત થયા છે. રોડ-રસ્તાઓનું પણ ધોવાણ થતાં લોધિકા તાલુકાને ફરી બેઠુ કરવા અને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રૂા.10 કરોડની ગ્રાન્ટ લોધિકા તાલુકા માટે અલગથી ફાળવવા દરખાસ્ત કરવામાં આવી છે.

રાજકોટ તા.16
રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ તાંડવ સર્જતા પૂરની પરિસ્થિતી સર્જાઈ હતી. રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાઈ જતાં બેટમાં ફેરવાઈ ગયા હતા અને રસ્તાઓ ઉપર પણ પાણી પ્રવાહ વહેતો હોય જેના કારણે રસ્તાઓને અને જમીનનું ધોવાણ થયું હતું. વરસાદે વિરામ લેતા અને પાણી ઓસરતાં જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અનાવૃષ્ટિથી થયેલ નુકશાનીનો સર્વે અને સમિક્ષા કરવામાં આવી હતી. જેમાં જિલ્લામાં પ્રાથમિક રૂા.100 કરોડથી પણ વધુનું નુકશાન થયું હોવાનું અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. આ આંકડો હજુપણ વધી શકે છે જિલ્લામાં બાકી વિસ્તારોમાં પણ સર્વેની કામગીરી ચાલી રહી છે.
રાજકોટ કલેકટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ નુકશાનીની સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે અને સર્વે ટીમ દ્વારા સોંપવામાં આવેલા રિપોર્ટ મુજબ રાજકોટ જિલ્લામાં 100 કરોડથી પણ વધુનું નુકશાન થયું છે. જિલ્લામાં 15 જેટલા મકાનો ધરાશાયી થઈ ગયા છે. 3 માનવ મૃત્યુ થયા છે, બે લોકોની શોધખોળ શરૂ છે, 55 જેટલા પશુઓના મોત થયા છે. જિલ્લામાં કેટલાક સ્થળે પરિસ્થિતી વધુ ગંભીર હોવાથી લોકોએ પોતાની ઘરવખરી પણ ગૂમાવી દીધી હતી. આ અતિવૃષ્ટિથી બેહાલ થયેલા જિલ્લાના 1500 જેટલા લોકોને ત્રણ દિવસનું કેશડોલ્સ ચૂકવવામાં આવશે. તેમજ અન્ય જરૂરિયાતમંદોને પણ વહેલીતકે યોગ્ય મદદ મળી રહેશે.વધુમાં કલેકટરે જણાવ્યું હતું કે, જિલ્લામાં 40 કરોડથી પણ વધુનું રોડ રસ્તાઓને થયું છે. જેમાં જિલ્લાના 39 જેટલા મોટા રોડ ધોવાઈ ગયા છે અને 5 જેટલા પૂલને નુકશાન થયું છે. જેનો આંકડો અંદાજે 35 કરોડ જેટલો થાય છે. નાના મોટા પૂલીયા, નાળાઓને પણ નૂકશાન પહોંચ્યું છે. જેનો આંકડો પણ કરોડોમાં અંદાજવામાં આવી રહ્યો છે. 20 લાખ જેટલું નુકશાન નાના અને એપ્રોચ રોડનું ધોવાણ થતાં થયું છે. મકાન અને કમ્પાઉન્ડ વોલમાં 15 જેટલી નુકશાની થઈ છે. રોડ રસ્તાઓના ધોવાણ થતાં રસ્તાઓ પણ બંધ થઈ જતાં વાહન વ્યવહારને અસર પડી હતી. નગરપાલિકા વિસ્તારમાં 6 જેટલા રસ્તાઓ બંધ થયા હતા. જિલ્લામાં કૂલ 39 જેટલા રસ્તાઓ બંધ હતા તેમાંથી 33 રસ્તાઓ હાલ શરૂ કરી દેવામાં આવ્યા છે જેની ઉપર હાલ રાબેતા મુજબ વાહન વ્યવહાર શરૂ છે. ભારે વરસાદના કારણે સૌથી વધુ નુકશાની ખેતી-વાડીમાં થઈ હોવાનું જાણવા મળ્યું છે. કલેકટરે આ અંગે કહ્યું હતું કે, જિલ્લામાં કુલ 4400 હેકટરમાં જમીનનું ધોવાણ થઈ ગયું છે. જેમાં સૌથી વધુ લોધિકા તાલુકામાં 2300 હેકટરમાં પાણી ફરી વળતાં જમીન ધોવાઈ ગઈ હતી અને ખેતી-વાડીને પણ ભારે નુકશાની થઈ છે. ઉપલેટા પંથકમાં પણ 850 હેકટર તેમજ ધોરાજીમાં 180 હેકટર જમીન પાણીમાં ગરકાવ થતાં સંપૂર્ણ ધોવાઈ ગઈ છે. જે પાકને વરસાદની જરૂરીયાત હતી તે પાક ઉપર વધુ પડતાં વરસાદ વરસતાં તેને પણ નુકશાની થઈ છે. હાલ નુકશાનીનો સર્વે શરૂ હોય રૂા.100 કરોડથી પણ વધુ આંકડો નુકશાનીનો આવશે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.
કલેકટરે વધુમાં જણાવ્યું હતું કે, પરિસ્થિતી હજુ કાબુમાં આવવાને ઘણો સમય લાગશે. તેમજ જે વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે તે વિસ્તારો માટે અલંગથી પાંચ બોટો મંગાવવામાં આવી છે. તેમજ એસડીઆરએફની ત્રણ ટીમ અને એનડીઆરએફની બે ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. જે અસરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને મદદની કામગીરી કરશે. નેવીની ટીમને પરત મોકલી દેવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં કુલ 304 સેલ્ટર હોમ કાર્યરત છે. જેમાં અસરગ્રસ્તોને રાખવામાં આવશે. જિલ્લામાં 187 જેટલા વિજથાંભલાઓ પડી ગયા હતા અને 17 જેટલા ટીસીમાં ફોલ્ટ સર્જાતા 185 ગામોમાં વિજપૂરવઠો ખોરવાયો હતો. જેની કામગીરી હાલ શરૂ છે અને ટૂંક સમયમાં જ તમામ ગામમાં વિજ પૂરવઠો કાર્યરત કરવામાં આવશે. જિલ્લામાં 128 જેટલા ગામો ભારે વરસાદથી પ્રભાવિત થયા હતા અને 33 ટકા જેટલી નુકશાની અંદાજવામાં આવી રહી છે.

રિલેટેડ ન્યૂઝ