સૌરાષ્ટ્રમાં કોરોનાના નવા સાત કેસ મળ્યા

તહેવારોમાં આપેલી છુટછાટ અને લોકોની બેદરકારીના લીધે મહામારી વકરવા લાગી
ભાવનગરમાં 2, રાજકોટ- જામનગર- અમરેલી- ગીર સોમનાથ અને પોરબંદરમાં 1-1 કેસ નોંધાયા
(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ,તા.16
સૌરાષ્ટ્ર-કચ્છમાં હાહાકાર મચાવતા કાતિલ કોરોનાની બીજી લહેર ખતમ થતા લોકો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાથી એક પણ મૃત્યુ નોંધાયું નથી જયારે નવા કેસોનો આંકડો પણ સિંગલ ડિજીટમાં આવી ગયો હતો. જો કે તંત્ર દ્વારા તહેવારોમાં આપેલી છુટછાટ અને લોકોએ પણ કોરોના ખતમ થઇ ગયાનું માની દાખવેલી બેદરકારીના લીધે મહામારી ફરી વકરવા લાગી છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં નવા સાત કેસ નોંધાયા છે. જેમાં ભાવનગરમાં 2, રાજકોટ- જામનગર- અમરેલી- ગીર સોમનાથ અને પોરબંદરમાં એક-એક દર્દી સંક્રમિત થયા છે. જયારે કોરોનાની સારવાર લઇ રહેલો એક પણ દર્દી સાજો થયો નથી.
રાજકોટ
રાજકોટ શહેર જિલ્લામાં કોરોના ટાઠો પડતા લોકોેએ રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા ઘણા દિવસોથી રાજકોટમાં કોરોનાથી એક પણ દર્દીનું મોત નહી થયાનું તંત્ર દ્વારા જાહેર કરાયું છે. જયારે રાજકોટ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નવો એક કેસ નોંધાયો છે. જો કે એક પણ દર્દી સાજો ન થતા હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી નથી. રાજકોટમાં કોરોનાનું સંક્રમણ અને મૃત્યુઆંક ઘટવા લાગતા તંત્ર અને લોકોમાં રાહતની લાગણી ફેલાઇ છે.
જામનગર
જામનગર શહેર અને જિલ્લામાં કોરોના ની બીજી લહેર ની લગભગ સમાપ્તિ થઈ હતી, અને છેલ્લા દસેક દિવસ ના સમયગાળા પછી જામનગર શહેરમાં એક નવો પોઝિટિવ કેસ નોંધાયો હતો, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ એક નવો પોઝિટિવ કેસ નોંધાયો હતો. દરમિયાન જામનગર ગ્રામ્ય માં ગાઈકલે તો વધુ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી લોકોએ સાવધાન રહેવાની જરૂર છે.ત્યારે આજે પણ ગ્રામ્ય વિસ્તાર માં એક પોઝીટીવ કેસ નોંધાયો છે.
જામનગર મહાનગર પાલિકા અને જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા જામનગર શહેર અને જિલ્લામાં કોરોના ના ટેસ્ટ ની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી છે, અને અત્યાર સુધીમાં 8 લાખ 90 હજાર થી વધુ કોરોના ટેસ્ટ કરી લેવામાં આવ્યા છે.
થોડા દિવસ ના વિરામ પછી ફરી કોરોના એ માથું ઊંચક્યું છે અને છેલ્લા ચારેક દિવસ થી એકાદ બે કેસ નોંધાઇ રહ્યા છે.આજે પણ ગ્રામ્ય વિસ્તાર માં એક પોઝીટીવ કેસ નોંધાયો છે.
પોરબંદર
પોરબંદરમાં કોરોનાનો વધુ એક દર્દી ગ્રામ્યપંથકમાંથી મળી આવ્યો છે અને કુલ એકટીવ દર્દીઓની સંખ્યા બે થઇ છે.
પોરબંદરમાં આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 371 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી નાખડી સીમ વાડી વિસ્તારના 48 વર્ષીય પ્રૌઢનો રીપોર્ટ પોજીટીવ આવતા પોરબંદરની કોવિડ હોસ્પીટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા છે. કુલ કોરોના પોજીટીવ કેસ 3395 થયા છે અને કુલ એકટીવ દર્દીઓની સંખ્યા બે થઇ છે.

રિલેટેડ ન્યૂઝ