રાજકોટ: 5 મહિના પહેલાની ઘટનાનો ભેદ ખુલ્યો, સગા બનેવીએ જ મિલકત માટે સાળાને દારૂમાં ઝેર ભેળવી મારી નાખ્યો

રાજકોટ શહેરમા પાંચ મહિના પહેલા સાળો-બનેવી સાથે દારૂ પીવા બેઠા હતા. જેમાં સાળાએ વધુ દારૂ પી લેતા તેને બેભાન હાલતમાં બનેવી જ ઘરે મુકી ગયો હતો અને ઘરવાળાને કહ્યું હતું કે વધુ દારૂ પી લીધો છે સવારે સારૂ થઇ જશે. પરંતુ પાંચ મહિના પછી ફોરેન્સીક રિપોર્ટે ભાંડો ફોડી દીધો કે દારૂની અંદર ઝેર ભેળવવામાં આવ્યું હતું. મૃતક દેવુભાના પિતા પાસે ઘણી મિલકત હતી અને મૃતક એકનો એક વારસદાર હતો. આથી બનેવી અશ્વીન રાઘવજી ડોડિયાની મિલકતમાં દાનત બગડતા સાળાને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જેથી ભવિષ્યમાં મિલકતો તેને મળે તેવું પ્રાથમીક કારણ પોલીસને જાણવા મળ્યું હતું. સગા બનેવી સહિત તેના ચાર મિત્રો વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઘટનાની વિગતો જોઇએ તો સાતમ-આઠમના તહેવારો વખતે 24/8/19ના એટલે કે જન્માષ્ટમીની મોડી રાત્રે કિસાનપરામાં રહેતાં અને કિસાનપરાથી અન્ડરબ્રિજ તરફ જતાં રોડ પર ખોડિયાર વોટર સપ્લાય અને ઓમ પંજાબી-ચાઇનીઝ ફૂડ નામે ધંધો કરતાં કારડીયા યુવાન દેવુભા રમેશભાઇ સાકરીયા (ઉ.વ.26)નું ભેદી રીતે મોત નીપજ્યું હતું. જે તે સમયે બનાવ શંકાસ્પદ લાગતા પરિવારે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેનો રિપોર્ટ આવતાં તેમાં દારૂ સાથે ડાયોક્લોરવોસ નામના ઓર્ગેનો નોન-થાયો ફોસ્ફરસ નામના રાસાયણિક પ્રકારનું ઝેર હોવાનું સામે આવતાં આ બનાવ હત્યાનો હોવાનું ખુલ્યું હતું. સાળા-બનેવી સાથે દારૂ પીવા બેઠા હતા. જેમાં બનેવીએ જ સાળાની હત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. મૃતકના ખિસ્સામાંથી 90 હજાર રૂપિયા કાઢી લીધા હોવાની પણ ફરિયાદ નોંધવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ