એઇમ્સની જમીનમાં ફેરબદલીથી લે-આઉટ પ્લાન પણ ફરી થશે

રાજકોટ તા.13
એઇમ્સ માટે જામનગર રોડ ઉપર આવેલ ખંઢેરી ગામના સરકારી ખરાબાની 200 એકર જ મીનની પસંદગી કરવામાં આવ્યા બાદ 39 એકર જમીનમાં કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમે વાંધા કાઢી પરત કલેકટર તંત્રને સોપી દીધી છે અને તેની જગ્યાએ બાજુની જમીન આપવા માંગણી કરતા જમીન ફાળવણીમાં કલેકટર તંત્ર દ્વારા નવેસરથી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમ જીલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું છે.
કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટને એઇમ્સ ફાળવવાની જાહેરાત કરાયા બાદ છેલ્લા દોઢ વર્ષથી જમીન ફાળવણી પ્રક્રિયા એઇમ્સ માટે હજુ પૂર્ણ થઇ નથી.
આથી એઇમ્સનો પ્રોજેકટ શરૂ થવામાં એક પછી એક અડચણ આવતા ઘોંચમાં પડી રહ્યો છે.
ખંઢેરીના સરકારી ખરાબાની 200 એકર જમીન એઇમ્સ માટે ફાળવી દેવામાં આવી હતી. જમીનનો કબ્જો પણ કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમનેે સુપત્ર કરી દેવામાં આવ્યો હતો અને એઇમ્સના નિર્માણ માટે લે-આઉટ, નકશા અને ડીઝાઇન પણ ફાઇનલ કરી લેવામાં આવી હતી. દરમ્યાન કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટેકનીકલ ટીમ દ્વારા એઇમ્સની ડીઝાઇન મુજબ સ્થળ નિરીક્ષણ માટે આવી હતી. જેમાં 39 એકર જમીન નીચી હોવાના કારણે પાણી ભરાવાની સમસ્યા થાય તે પહેલા 39 એકરનો કટકો બદલી નાખવા કલેકટર તંત્રને રીપોર્ટ કરવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગની માગણી મુજબ કલેકટર તંત્ર દ્વારા હવે 39 એકર જમીન એક દિશામાંથી બીજી દિશામાં તબદીલ કરવામાં આવી છે. નવેસરથી જમીન ફાળવણીના કારણે પ્રોજેકટનું કામ ધીમુ પડી ગયું છે.
આ અંગે ગઇકાલે રાજકોટ સીટી-1 પ્રાંત પીજીવીસીએલ, જેટકો, રૂડાના અધિકારીઓ દ્વારા સ્થળ વીઝીટ કરવામાં આવી હતી. અત્યારે એઇમ્સની જમીનનું કમ્પાઉન્ડ વોલ બનાવવાની કામગીરી ચાલી રહી છે. એઇમ્સની જમીન, ડીઝાઇન ફાયનલ થયા બાદ આગામી માર્ચ મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સંભવિત ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. આથી એઇમ્સ માટે રાજકોટ કલેકટર, આરોગ્ય વિભાગ દ્વારા તમામ કામગીરી ઝડપી કરવામાં આવી રહી છે.

રિલેટેડ ન્યૂઝ