રાજકોટ યાર્ડમાં મચ્છર પહોંચાડતી ગાંડી વેલ કાઢવા મશીન ખરીદાશે

રાજકોટ તા.26
આજે રજૂ થયેલા રાજ્ય અંદાજપત્રમાં મુખ્યમંત્રીની કર્મભુમિ રાજકોટનું ખાસ ધ્યાન આપતાં નાણામંત્રી નીતિનભાઇએ રાજકોટ યાર્ડ માટે માથાનો દુ:ખાવો અને ખોટનો ધંધો કરાવતી આજી નદીમાં પથરાયેલી ગાંડીવેલ સાફ કરવા રૂા.15 કરોડની ફાળવણી જાહેર કરી હતી.
નાણામંત્રીએ જાહેરાતોની હારમાળા સર્જતા જણાવ્યું હતું કે શહેરી વિસ્તારોમાં ખુબ લોકપ્રિય અને ઉપયોગી સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટે 4544 કરોડની જોગવાઇ. તે પૈકી ભૂગર્ભ ગટર તેમજ પાણી પુરવઠાની સુવિધાઓ ઉભી કરવા માટે 1169 કરોડની જોગવાઇ, જે નગરપાલીકાઓ પાસે પીવાના પાણીનો પૂરતો જથ્થો છે પરંતુ પાણી વિતરણ કરવાની વ્યવસ્થા અપુરતી છે. તે નગરપાલીકાને આવી સુવિધાઓ વિકસાવવા માટે સહાય આપવા 500 કરોડની જોગવાઇ.
ટ્રાફીકની સમસ્યાને હળવી કરવા તેમજ ઇંધણ અને સમયની બચતના હેતુથી મહાનગરપાલીકા અને નગરપાલીકા વિસ્તારોમાં ફલાય ઓવર બનાવવા 500 કરોડની જોગવાઇ, શહેરોના વધતા જતા વિસ્તારને કારણે શહેરની નજીકમાં આવેલ ગામડા તથા આઉટગ્રોથ વિસ્તારો પણ શહેરમાં સમાવેશ થઇ જાય તેવી સ્થિતિ ઉભી થયેલ છે. આ વિસ્તારોમાં જરૂરી માળખાકીય સુવિધાઓ વિકસાવવા 250 કરોડની જોગવાઇ અને શહેરો વચ્ચે જનલક્ષી સુવિધાઓ વિકસાવવા માટે સ્પર્ધાત્મક વાતાવરણનું નિર્માણ થાય તે માટે સ્માર્ટ ડાઉન મિશન હેઠળ અ અને બ વર્ગની નગરપાલીકામાંથી સ્પર્ધા દ્વારા પસંદ કરેલ. પાંચ નગરપાલીકાઓમાં વિકાસના કામો માટે પ્રતિ વર્ષ 20 કરોડ લેખે પાંચ વર્ષમાં 100 કરોડ ફાળવવામાં આવશે.
આ ઉપરાંત નદીઓ અને તળાવોમાંથી જલકુંભી કે વનસ્પતિ કચરો કાઢવા મહાનગરપાલીકાઓને સાધનો ખરીદવા માટે સહાય આપવા 15 કરોડની જોગવાઇ. અમૃત યોજના અંતર્ગત 8 મહાનગરપાલીકા અને 23 નગરપાલીકાઓમાં પાણી પુરવઠા, ગટર, વરસાદી પાણીનો નિકાલ, પરીવહન જેવી સુવિધાઓ માટે 800 કરોડની જોગવાઇ.
સ્માર્ટ સીટી મિશન અંતર્ગત 6 શહેરોમાં એરીયા બેઝ વિકાસના કામો જેવા કે એરીયા રીડેવલપમેન્ટ, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, ઇન્ટરમોડલ ટ્રાન્સપોર્ટ હબ સીસીટીવી, ઇન્ટરનેટ કનેકટીવીટી વગેરે માટે 597 કરોડની જોગવાઇ કરવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ