માઁ ભારતીને પહેલો મેડલ દીકરીનો !

ફર્સ્ટ ડે ફર્સ્ટ
મેડલ:

ટોકિયો ઓલિમ્પિકમાં મીરાબાઈ ચાનૂએ 49 કિલોની વેઈટ કેટેગરીમાં 202 કિલો વજન ઉપાડી મેળવ્યો સ્લિવર મેડલ

વડાપ્રધાને મીરાબાઈ ચાનૂને પાઠવ્યા અભિનંદન

(પ્રતિનિધિ દ્વારા)
ટોકિયો,તા.24
ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે પહેલો મેડલ જીતી લીધો છે. વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનૂ મહિલાઓની 49 કિલોની વેઇટ કેટેગરીમાં કુલ 202 કિલો વજન ઉપાડીને સિલ્વર મેડલ જીતી છે. ચીનની હોઉ જિહૂઈએ 210 કિલોગ્રામ વજન ઉપાડીને ગોલ્ડ મેડલ જીત્યો છે. ઈન્ડોનેશિયાની કેન્ટિકા વિન્ડીએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ભારતના ઈતિહાસમાં પહેલીવાર ઓલિમ્પિકના પ્રથમ દિવસે જ ભારતે પ્રથમ મેડલ જીતી લીધો છે.
આ પહેલાં 1900ની સાલમાં ભારતમાં પોસ્ટેડ બ્રિટિશ અધિકારી નોર્મન પ્રિચાર્ડે 200 મીટર દોડ અને 200 મીટર વિઘ્નદોડમાં ડબલ સિલ્વર જીત્યા હતા,
જે ભારતનો 1લો ઓલિમ્પિક મેડલ હતો અને તે પણ પહેલા દિવસે તો નહોતો જ આવ્યો. તે પછીના 120 વર્ષમાં ભારત કદી ઓલિમ્પિક્સના 1લા દિવસે મેડલ નથી જીતી શક્યું. આ પહેલીવાર એવું થયું છે કે જ્યારે ઓલિમ્પિક્સના પહેલા દિવસે જ ભારતે કોઈ મેડલ જીત્યું હોય.ભારતનો આ ઈતિહાસ સર્જવા માટે મીરાબાઈ ચાનુને સમગ્ર દેશમાંથી શુભેચ્છાઓ મળી રહી છે.
વડાપ્રધાન મોદીએ પણ મીરાબાઈ ચાનૂને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે ભારત મીરાબાઈ ચાનૂના શાનદાર પ્રદર્શનથી ખૂબ જ ઉત્સાહિત છે. સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન. તેમની સફળતા દરેક ભારતીયને પ્રેરણા આપે છે.
શનિવારે ટોક્યો ઓલિમ્પિક્સમાં મેડલ માટે સ્પર્ધાઓ શરૂ થઈ હતી. ભારતીય ખેલાડીઓની શરૂઆત મિશ્ર પરિણામ સાથે થઈ છે. તીરંદાજીની મિશ્રિત ઇવેન્ટમાં દીપિકા કુમારી અને પ્રવીણ જાધવની જોડી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે, જ્યારે શૂટિંગમાં મહિલાઓની 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં ભારતની ઇલાવેનિલ વાલારિવન અને અપૂર્વી ચંદેલા ફાઇનલ માટે ક્વોલિફાઇ ન કરી શકી.
આ મેડલ મીરાબાઈ માટે એટલા માટે મહત્વનો છે કારણ કે 2016માં રિયો ઓલિમ્પિકમાં તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. ટોક્યો માટે ક્વોલિફાઇ કરનારી એકમાર્ત વેટલિફ્ટર મીરાબાઈનો રિયોમાં ક્લીન એન્ડ જર્કમાં ત્રણમાંથી એકપણ પ્રયાસ વેલિડ ન રહ્યો, જેમાં 48 કિલોમાં તેનું કુલ વજન નોંધાઈ શક્યું નહીં. પાંચ વર્ષ પહેલાના આ ખરાબ પ્રદર્શન બાદ તેણે વાપસી કરી અને 2017માં વર્લ્ડ ચેમ્પિયનસિપ અને પછી એક વર્ષ બાદ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી પોતાના આલોચકોને ચુપ કરી દીધા હતા.

રિલેટેડ ન્યૂઝ