ક્વિી સામે પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે ભારત 4/258

શ્રેયસ ઐય્યર 75 અને રવીન્દ્ર જાડેજા 50 રને રમતમાં

ગિલે 93 બોલમાં પાંચ ચોગ્ગા અને એક સિક્સર સાથે 52 રન ફટકાર્યા

ભારતના યુવા ઓપનરને ઝીરો રને અંપાયરે આપી દીધો આઉટ પણ ડીઆરએસએ બચાવ્યો

કાનપુર,તા.25
કાનપુરમાં રમાઈ રહેલી ન્યુઝીલેન્ડ સામેની પહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચમાં ભારતનો ઓપનર શુભમન ગિલ શૂન્ય રને આઉટ થતાં બચ્યો હતો. અંપાયરે તેને આઉટ આપી દીધો હતો પણ ડીઆરએસના કારણે ગિલ બચી ગયો હતો.
ટોસ જીત્યા પછી ઈન્ડિયન ટીમની શરૂઆત સાવચેતી ભરી રહી હતી પણ ટીમ સાઉથી તથા કાઈલ જેમિસને ભારતીય ઓપનરોને પરેશાન કર્યા હતા.ત્રીજી ઓવરના ત્રીજા બોલ પર ટિમ સાઉથીએ શુભમિન ગિલ વિરુદ્ધ એલબીડબલ્યુ આઉટની અપીલ કરી હતી. આ અપીલને માન્ય રાખીને અંપાયરે આઉટ આપી દેતાં ભારતીય ટીમની પહેલી વિકેટ પડી ગઈ હતી. જો કે શુભમન ગિલે ડીઆરએસનો ઉપયોગ કરીને આ નિર્ણયને પડકાર્યો હતો. રિવ્યુમાં સ્પષ્ટપણે જોવા મળ્યું હતું કે, ઈનસાઈડ એડ્જ વાગ્યા પછી ગિલના પેડ પર બોલ વાગ્યો હતો. આ કારણે અમ્પાયરે આ નિર્ણય બદલવો પડ્યો અને ગિલને જીવનદાન મળ્યું હતું. ગિલે એ પછી મક્કમતા સાથે આક્રમક બેટિંગ કરીને સ્કોરબોર્ડને ફરતું રાખ્યું હતું.

કાનપુર, તા.25
કારકિર્દીની પ્રથમ ટેસ્ટ રમી રહેલા શ્રેયસ ઐય્યર અને રવીન્દ્ર જાડેજાની શાનદાર અડધી સદીની મદદથી ભારતે આજથી શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચના પ્રથમ દિવસે ન્યૂઝીલેન્ડ સામે મક્કમ શરૂઆત કરી છે. પ્રથમ દિવસના અંતે ભારતે ચાર વિકેટે 258 રનનો સ્કોર નોંધાવ્યો છે. દિવસના અંતે શ્રેયસ ઐય્યર 75 અને રવીન્દ્ર જાડેજા 50 રને રમતમાં છે. આ બંને બેટ્સમેનોએ પાંચમી વિકેટ માટે અણનમ 113 રનની ભાગીદારી નોંધાવી છે.
કાનપુરમાં આજથી શરૂ થયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમમાં સુકાની વિરાટ કોહલી, રોહિત શર્મા, લોકેશ રાહુલ અને જસપ્રિત બુમરાહ જેવા સ્ટાર ખેલાડીઓની ગેરહાજરી છે. કોહલીની ગેરહાજરીમાં કાર્યકારી સુકાની અજિંક્ય રહાણે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. ઓપનિંગની જવાબદારી મયંક અગ્રવાલ અને શુભમન ગિલ પર હતી. જોકે, કાયલે જેમિસને મયંકને સસ્તામાં આઉટ કરીને ભારતને પ્રથમ ફટકો આપ્યો હતો. મયંક 13 રન નોંધાવીને આઉટ થયો હતો. જોકે, બાદમાં શુભમન ગિલે શાનદાર રમત દાખવી હતી અને અડધી સદી ફટકારી હતી. ગિલે 93 બોલમાં પાંચ ચોગ્ગા અને એક સિક્સર સાથે 52 રન ફટકાર્યા હતા.
મયંક આઉટ થયા બાદ ચેતેશ્ર્વર પૂજારા બેટિંગમાં આવ્યો હતો. તેણે પોતાના અંદાજમાં બેટિંગ કરી હતી અને ક્રિઝ પર સેટ થવા માટે સમય લીધો હતો. જોકે, સેટ થયા બાદ તે મોટી ઈનિંગ્સ રમી શક્યો ન હતો. આવી જ રીતે સુકાની અજિંક્ય રહાણે પણ મોટી ઈનિંગ્સ રમવામાં નિષ્ફળ રહૃાો હતો. છેલ્લા ઘણા સમયથી બંને બેટ્સમેનોના ફોર્મને લઈને ચર્ચા ચાલી રહી છે. પૂજારા 88 બોલમાં બે ચોગ્ગા સાથે 26 રન નોંધાવીને આઉટ થયો હતચો જ્યારે રહાણેએ છ ચોગ્ગા સાથે 63 બોલમાં 35 રન નોંધાવ્યા હતા.
કાયલે જેમિસને ભારતીય ટોપ ઓર્ડરને વધારે સફળ થવા દીધો ન હતો. તેણે મયંક અગ્રવાલ, શુભમન ગિલ અને અજિંક્ય રહાણેની મહત્વની વિકેટો ઝડપી હતી. ભારતે 145 રનમાં ટોચની ચાર વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, બાદમાં પ્રથમ ટેસ્ટ રમી રહેલા શ્રેયસ ઐય્યર અને રવીન્દ્ર જાડેજાએ બાજી સંભાળી હતી. આ જોડીએ અત્યંત ધીરજપૂર્વક બેટિંગ કરીને કિવિ બોલર્સને દિવસમાં વધુ સફળ થવા દીધા ન હતા.
લોકેશ રાહુલની ગેરહાજરીના કારણે શ્રેયસ ઐય્યરને ટેસ્ટ પદાર્પણની તક મળી અને તેણે આ તકનો ફાયદો ઉઠાવ્યો છે. તેણે કારકિર્દીની પ્રથમ ટેસ્ટની પ્રથમ ઈનિંગ્સમાં જ અડધી સદી
ફટકારી છે.
દિવસના અંતે ઐય્યર 136 બોલમાં સાત ચોગ્ગા અને બે સિક્સર સાથે 75 રન નોંધાવીને રમતમાં હતો. જ્યારે સામે છેડે અનુભવી જાડેજાએ પણ શાનદાર બેટિંગ કરી હતી. રવીન્દ્ર જાડેજાએ 100 બોલમાં છ ચોગ્ગા સાથે 50 રન નોંધાવીને રમતમાં છે. ન્યૂઝીલેન્ડ માટે જેમિસને ત્રણ અને ટિમ સાઉધીએ એક વિકેટ ઝડપી હતી.

રિલેટેડ ન્યૂઝ