મંદિર મુદ્દે સંઘ હવે કોઈ આંદોલન નહીં કરે : ભાગવત

દરેક મસ્જિદમાં શિવલિંગ શોધવાની જરૂર નથી

હિન્દુ પક્ષકારો તરફથી જ્ઞાનવાપી મસ્જિદમાંથી ‘શિવલિંગ’ મળવાનો દાવો કરાયા પછી દેશમાં ફરી એક વખત મંદિર-મસ્જિદનું રાજકારણ ગરમાયું છે. એવા સમયમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે ગુરુવારે નાગપુરમાં કાર્યકરોને સંબોધન કરતા કહ્યું હતું કે હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) મંદિરો અંગે કોઈ આંદોલન નહીં કરે. તેમના જ્ઞાનવાપી જેવા વિવાદોનો પારસ્પરિક સમજૂતીના માધ્યમથી ઉકેલ લાવવા માટે આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું કે દેશમાં દરેક મસ્જિદમાં શિવલિંગ શોધવાની કોઈ જરૂર નથી.

સંઘ પ્રમુખ મોહન ભાગવતે ગુરુવારે નાગપુરમાં આરએસએસના તૃતિય વર્ષના સંઘ શિક્ષા વર્ગ સમાપન સમારંભમાં કાર્યકરોને સંબોધન કર્યું હતું. તેમણે જ્ઞાાનવાપી વિવાદનો ઉલ્લેખ કરતા  જણાવ્યું હતું કે, કેટલાક સ્થળો પ્રત્યે આપણી વિશેષ શ્રદ્ધા છે અને આપણે તે અંગે વાત કરી, પરંતુ આપણે દરરોજ નવો મુદ્દો લાવવાની જરૂર નથી. આપણે વિવાદ શા માટે વધારવો જોઈએ? જ્ઞાાનવાપી પ્રત્યે આપણી શ્રદ્ધા છે અને તે મુજબ કંઈક કરી રહ્યા છીએ, પરંતુ દરેક મસ્જિદમાં શિવલિંગ શોધવાની જરૂર નથી. 

તેમણે ઉમેર્યું હતું કે, ઈતિહાસ કોઈ બદલી શકે નહીં. જ્ઞાનવાપીનો એક મુદ્દો છે, તેને હિન્દુ-મુસ્લિમ સાથે જોડવો ખોટું છે. તે આજના હિન્દુઓ કે આજના મુસ્લિમોએ બનાવી નથી. ઈસ્લામ ધર્મ બહારથી આવ્યો, આક્રમણકારીઓ તો બહારથી આવ્યા હતા. તે સમયે જે લોકો ભારતની સ્વતંત્રતા ઈચ્છતા હતા, તેમનું મનોબળ તોડવા માટે મંદિરો તોડવામાં આવ્યા હતા. હિન્દુઓ મુસ્લિમોના વિરોધમાં વિચારતા નથી. આજના મુસ્લિમોના પૂર્વજ પણ હિન્દુ હતા. પારસ્પરિક સમજૂતીથી વિવાદનો ઉકેલ ન આવે તો ન્યાયતંત્રનો જે આદેશ આવે તે માનવો જોઈએ.

તેમણે અયોધ્યામાં રામમંદિર આંદોલનના સંદર્ભમાં કહ્યું હતું કે, આરએસએસે રામ મંદિર આંદોલનમાં જરૂર ભાગ લીધો હતો. કોઈ એ બાબતને નકારી રહ્યું નથી. ત્યારે સંઘે તેની મૂળ પ્રવૃત્તિથી વિરુદ્ધ જઈને આંદોલનમાં ભાગ લીધો હતો, પરંતુ હવે ભવિષ્યમાં સંઘ કોઈ મંદિર આંદોલનમાં જોડાશે નહીં. સંઘ પ્રમુખે તેમના સંબોધન દરમિયાન જ્ઞાાનવાપી વિવાદનો પણ ઉલ્લેખ કર્યો હતો.

તેમણે ઉમેર્યું કે સંઘ માત્ર પ્રેમનો પ્રસાર કરવા માગે છે, હિન્દુત્વના ભાવ સાથે આગળ વધવાનું છે. તેમણે એ બાબત પર ભાર મૂક્યો કે હવે દેશમાં કોઈપણ સમુદાય વચ્ચે લડાઈ ન થવી જોઈએ. ભારતે વિશ્વગુરુ બનવું જોઈએ અને આખી દુનિયાને શાંતિના પાઠ શીખવાડવા જોઈએ.

મોહન ભાવગતે સંબોધન દરમિયાન રશિયા-યુક્રેન યુદ્ધ અંગે પણ વાત કરી હતી. તેમણે એ તો સ્વીકાર્યું કે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો છે, પરંતુ ભારતે જે વલણ અપનાવ્યું છે, તે એકદમ સંતુલિત છે. તેઓ ભારત સરકારની આ નીતિને એકદમ યોગ્ય માને છે. તેમણે એ બાબતનો પણ ઉલ્લેખ કર્યો કે રશિયા-યુક્રેન યુદ્ધે ભારતને પણ બતાવી દીધું છે કે શક્તિ સંપન્ન રહેવું જરૂરી છે. સંઘ પ્રમુખે હિન્દુ ધર્મને મજબૂત બનાવવાની ભલામણ કરી હતી. હવે સ્પષ્ટ થઈ ગયું છે કે હિન્દુ ધર્મને વધુ શક્તિશાળી બનાવવાનો છે. પરંતુ પોતે ડરવાનું નથી અને કોઈને ડરાવવાના પણ નથી. બધાએ સાથે મળીને રહેવાનું છે અને વિશ્વગુરુ બનવા તરફ અગ્રેસર થવાનું છે. તેમણે ઉમેર્યું કે ભારતનો આશય વિશ્વવિજેતા બનવાનો નથી. આપણી આવી કોઈ આકાક્ષાં પણ નથી. તેનું લક્ષ્ય લોકોને જોડવાનું હોવું જોઈએ. ભારતનું અસ્તિત્વ જોડવા માટે છે, કોઈને જીતવા માટે નહીં.

રિલેટેડ ન્યૂઝ