ઉત્તરપ્રદેશના ગોંડામાં ત્રણ મુસ્લિમ ફકીર સાથે ખરાબ વર્તન કરવાનો વીડિયો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક યુવકે આ બધા પાસે જબરદસ્તીથી શ્રીરામના નારા લગાવડાવ્યા છે. કાનપુર હિંસાનો ઉલ્લેખ કરતાં તેમને આતંકવાદી પણ કહ્યા. તેમની પાસે ઊઠકબેઠક પણ કરાવડાવી હતી.
હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. પોલીસનું કહેવું છે કે આ ફકીર નહિ, પરંતુ મુસ્લિમ યુવકો હતા, જેઓ ફકીરનાં કપડાં પહેરીને ગામમાં ફરી રહ્યા હતા.
આધાર કાર્ડ માગ્યું
આ મામલો ગોંડાના ખરગુપુર ડિંગુર ગામનો છે. અહીં બે યુવક અને એક વૃદ્ધ ભીખ માગવા માટે ફરી રહ્યા હતા. એક યુવક તેમને રોકે છે. તેમનું નામ અને એડ્રેસ પૂછે છે. નામ અને એડ્રેસ સાચું ન કહેવા પર તે તેમનું આધાર કાર્ડ માગે છે, જોકે ફકીર કાર્ડ બતાવવા તૈયાર ન થતાં યુવક તેમની પર ભડકે છે. પછી તે ફકીરોને કાન પકડાવીને ઊઠકબેઠક કરાવે છે.
યુવકે તેમની પાસે જય શ્રીરામના નારા પણ લગાવડાવ્યા હતા. ગામમાં ફરીથી ન ફરવાની ચેતવણી પણ આપી હતી. ગામમાં બીજા લોકો પણ યુવકને સપોર્ટ કરતા દેખાઈ રહ્યા છે. આ ઘટનાનો વીડિયો ગામની જ કોઈ વ્યક્તિએ બનાવ્યો અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.
લોકોએ ગામમાંથી બહાર કાઢ્યા
ગામમાં પહોંચેલા ફકીરો સાથે એક જ યુવકે અભદ્રતા કરી નથી. વીડિયોમાં ઘણા લોકો આ ફકીરો સાથે અભદ્રતા કરતા દેખાઈ રહ્યા છે. જ્યારે ઘણા લોકોનો અવાજ સ્પષ્ટ સંભળાય છે. એટલું જ નહિ, ફકીરોને ગામની બહાર કાઢવામાં આવ્યા છે.
UPમાં અગાઉ પણ આવી ઘટનાઓ બની છે
10 ઓગસ્ટ, 2021: કાનપુરના બર્રા વિસ્તારમાં મુસ્લિમ ઈ-રિક્ષા ચાલક પાસે જબરજસ્તીથી શ્રીરામના નારા લગાવડાવવામાં આવ્યા હતા. એવો આરોપ હતો કે પીડિત યુવકને ચાર બાઈક ચાલકોએ રોક્યો હતો અને ટોપી પહેરવાનો વિરોધ કર્યો હતો. આ કેસમાં બજરંગ દળનું નામ પણ પ્રકાશમાં આવ્યું હતું. બીજી તરફ પીડિત પરિવારે જબરજસ્તીપૂર્વક ધર્મપરિવર્તનનો પણ આરોપ લગાવ્યો હતો. ઘટના પછી આ વિસ્તારમાં લગભગ એક મહિના સુધી તણાવ રહ્યો હતો.
12 જુલાઈ, 2021: ઉન્નાવમાં મદરેસાના બાળકો પાસે જય શ્રી રામના નારા લગાવવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ મદરેસાના બાળકો નમાઝ અદા કર્યા પછી ક્રિકેટ રમવા ગયા હતા. આ દરમિયાન તેમને ચાર લોકોએ માર માર્યો હતો અને તેમને જય શ્રી રામ બોલવા માટેનું દબાણ કર્યું હતું. બાળકોના કપડાને ફાડી નાંખવામાં આવ્યા અને તેમની સાઈકલોને તોડવામાં આવી હતી.