હિમાચલ પ્રદેશમાં વિશ્ર્વની સૌથી લાંબી સુરંગ તૈયાર

સમુદ્રથી 10 હજાર ફૂટ ઉપર, 9 કિ.મી. લાંબી રૂપિયા 3500 કરોડના ખર્ચે બનેલી ટનલનું વડાપ્રધાન મોદી કરશે લોકાર્પણ

લાહોલ-સ્પીતી તા. 21
હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પીતી જિલ્લામાં મનાલી-લેહ હાઇવે ખૂબ ઊંચાઈ પર સ્થિત, વિશ્વની સૌથી લાંબી ટનલ બની છે. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનના વરિષ્ઠ અધિકારીએ આ વિશે જણાવ્યું હતું.બીઆરઓ નાં ચીફ એન્જિનિયર બ્રિગેડિયર કે પી પુરુષોત્તમને જણાવ્યું હતું કે સમુદ્ર સપાટીથી 10,000 ફુટ ઉપર લાહૌલ સ્પિતીમાં રોહતાંગ ખાતે નવ કિલોમીટર લાંબી અટલ ટનલનું વિધિવત ઉદઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આગામી અઠવાડિયામાં કરાશે. અધિકારીએ જણાવ્યું હતું કે અમે 25 સપ્ટેમ્બર પછી ગમે ત્યારે તેને ખોલવા તૈયાર છીએ. વડા પ્રધાન કદાચ આ મહિનાના અંતિમ સપ્તાહમાં અથવા આવતા મહિનાના પહેલા અઠવાડિયામાં ઉદ્ઘાટન કરશે. અધિકારીએ જણાવ્યું હતું કે આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, તે આગામી કેટલાક દિવસોમાં મળી જશે. આ ક્ષણે તે સ્પષ્ટ નથી થયું કે કોરોના વાયરસ સંકટને કારણે તેનું ડિજિટલ ઉદ્ઘાટન કરવામાં આવશે કે કેમ. આશરે 3,500 કરોડના ખર્ચે બનાવવામાં આવેલી અટલ ટનલ સંરક્ષણની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. રાજ્ય સરકારના પ્રવક્તાએ કહ્યું કે આનાથી મનાલી અને લેહ વચ્ચેનું અંતર 46 કિલોમીટર ઘટાડશે. ઉપરાંત, લાહૌલ-સ્પીતીના રહેવાસીઓને શિયાળામાં તેનો મોટો ફાયદો થશે. તેમણે માહિતી આપી હતી કે આ ટનલ ખોલવાથી હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતી અને લેહ-લદાખ વચ્ચેનો ઓલ-વેધર રસ્તો મળશે. શિયાળામાં ભારે બરફવર્ષાને કારણે, દેશનો આ ભાગ છ મહિના સુધી બાકીના દેશ સાથેનો સંપર્ક ગુમાવે છે.

રિલેટેડ ન્યૂઝ