આઈપીએલમાં કિંગ્સ ઈલેવન પંજાબે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ધોબી પછડાટ આપી

પંજાબના કે.એલ.રાહુલે શાનદાર 132 રન ફટકારી ટીમનો ર06 રનનો જુમલા સામે રોયલ ટીમ 109 રનમાં ઓલઆઉટ

(પ્રતિનિધિ દ્વારા) દુબઈ તા.ર4
દુબઈના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આઈપીએલના છઠ્ઠા મેચમાં આજે કિંગ્સ ઈલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાયેલા મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબનો 97 રને ધમાકેદાર વિજય થયો હતો. જેમાં કે.એલ.રાહુલના 69 દડામાં 132 રન અને મયંક અગ્રવાલના ર0 દડામાં ર6 રન મુખ્ય હતા.
ટોસ જીતીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે બોલીંગ પસંદ કરી પંજાબ ટીમને દાવમાં ઉતારી હતી. પંજાબ ટીમે 3 વિકેટના ભોગે ર0 ઓવરમાં ર06 રનનો જુમલો કર્યો હતો. જેમાં રાહુલે નોટ આઉટ રહીને 69 દડામાં 7 છગ્ગા અને 14 ચોગ્ગા સાથે 132 રન ફટકાર્યા હતા. તો મયંક અગ્રવાલે ર0 દડામાં 4 ચોગ્ગા સાથે ર6 રન, પુરને 18 દડામાં 17 રન અને નાયરે 8 દડે 15 રન કર્યા હતા જેમાં બે ચોગ્ગા સામેલ હતા.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમ ર07 રનના ટાર્ગેટ સાથે મેદાનમાં ઉતરી હતી. પરંતુ, તેના ખેલાડીઓ તું જા હું આવું છું, એમ રમત રમી હતી અને સસ્તામાં આખી ટીમ પેવેલીયન ભેગી થઈ ગઈ હતી. 17 ઓવરમાં માત્ર 109 રન કરીને તમામ ખેલાડીઓ આઉટ થઈ ગયા હતા.
રોયલ ચેલેન્જર્સ ટીમના વોશિંગ્ટન સુંદરે ર7 દડામાં 1 છગ્ગા અને બે ચોગ્ગા સાથે 30 રન કર્યા હતા. તો એ બીડીએ 18 દડામાં 1 છગ્ગા અને 4 ચોગ્ગા સાથે ર8 રન નોંધાવ્યા હતા. તો એરોન ફીંચે ર1 દડામાં ત્રણ ચોગ્ગા સાથે ર0 રન માર્યા હતા.
આમ ટીમ સાવ સસ્તામાં ઓલઆઉટ થઈ હતી અને વિજયનો તાજ પંજાબ ટીમે પહેરી લીધો હતો.

રિલેટેડ ન્યૂઝ