કોંગ્રેસના નવા પ્રમુખની વરણીના નાટકનો બીજો ભાગ જાન્યુ.માં !

(પ્રતિનિધિ દ્વારા)
નવી દિલ્હી, તા 16
કોંગ્રેસના વિશ્વાસપાત્ર સૂત્રે જણાવ્યું હતું કે વર્ષ 2021ના જાન્યુઆરીમાં કોંગ્રેસ પક્ષને નવા અધ્યક્ષ મળી જશે. નોંધનીય છે કે આ સૂત્રે એવો દાવો પણ કર્યો હતો કે પક્ષની કારોબારી સમિતિની ચૂંટણી પણ કરવામાં આવશે જેથી કોઇને આ બાબતમાં ફરિયાદ ન રહે. ઉલ્લેખનીય છે કે અત્યારે જે રીતે તૈયારી ચાલી રહી હતી એ કાર્યક્રમ મુજબ બધું આગળ વધશે તો કારોબારી સમિતિની ચૂંટણી પણ એક મહિનામાં કરી લેવામાં આવશે.
નોંધનીય છે કે કોંગ્રેસ પક્ષમાં છેલ્લે 1997માં કારોબારી સમિતિની ચૂંટણી થઇ હતી જ્યારે સીતારામ કેસરી પક્ષ પ્રમુખ હતા. પક્ષના 1200 સભ્યો કારોબારી સમિતિના સભ્યોની ચૂંટણી કરશે. થોડા સમય પહેલાં શશી થરુર, કપિલ સિબલ, ગુલામ નબી આઝાદ વગેરે 23 નેતાઓએ સોનિયા ગાંધીને પત્ર લખીને જે ફરિયાદો કરી હતી તેમાં પક્ષને કાયમી પ્રમુખ અને ચૂંટાયેલી કારોબારી સમિતિ આપવાની માગણીનો પણ સમાવેશ થયો હતો.
આ પત્રમાં એવો પણ ઉલ્લેખ હતો કે 2014 પછી પક્ષ કોઇ મોટી ચૂંટણીમાં વિજેતા થયો નથી. ઊલટું પક્ષ દિવસે દિવસે શાખ ગુમાવી રહ્યો હતો. પક્ષને કાયમી પ્રમખની તાતી જરૂર હતી. પત્ર લેખકોમાં પાંચ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન, કોંગ્રેસ કારોબારીના કેટલાક સભ્યો, કેટલાક વર્તમાન સાંસદો અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાનોનો સમાવેશ થયો હતો. આ સૂત્રે જણાવ્યા મુજબ નવેંબરના અંત સુધીમાં ચૂંટણીના કાર્યક્રમની વિગત જાહેર કરી દેવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ