શૌર્યચક્રથી સન્માનિત એક્ટિવિસ્ટની હત્યા

પંજાબમાં ખાલિસ્તાની આતંકીનો સતત
સામનો કરનારને
ઘરમાં જ ઠાર મરાયા

(પ્રતિનિધિ દ્વારા)
તરનતારન તા.16
પંજાબના તરનતારનમાં શૌર્ય ચક્રથી સન્માનિત એક્ટિવિસ્ટ બલવિંદર સિંહની હત્યા કરવામાં આવી છે.
બલવિંદર સિંહે પંજાબમાં ખાલિસ્તાની આતંકવાદના સમયે બહાદુરીથી આતંકીઓનો સામનો કર્યો હતો. તેમની પર 42 આતંકીઓએ હુમલો કર્યો હતો. તેના પગલે તેમને પરિવાર સહિત શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
બલવિંદરનું ઘર ભિખીવિંડ ગામમાં છે. શુક્રવાર સવારે લગભગ 7 વાગ્યે બલવિંદર સિંહ ઘરે હતા, ત્યારે અચાનક જ કેટલાક લોકો ઘરમાં ઘુસી ગયા અને ગોળીઓ ચલાવવાનું શરૂ કર્યું. તેના પગલે બલવિંદરનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
બલવિંદરના ભાઈ રણજીત સિંહે શંકા વ્યક્ત કરતા જણાવ્યું છે કે આ હુમલાની પાછળ આતંકીઓ હોઈ શકે છે. પોલીસ અધિકારી હાલ આ અંગે કઈ પણ કહી રહ્યાં નથી. પોલીસ પર નરમાશ દેખાડવાનો પણ આરોપ છે. પરિવારના જણાવ્યા મુજબ, હુમલાની માહિતી આપ્યાના અડધો કલાક પછી પોલીસ ઘટના સ્થળે પહોંચી, જ્યારે પીલીસ સ્ટેશન ઘરની નજીક જ છે.
થોડા મહિના પહેલા બલવિંદરની સુરક્ષાને પરત લેવામાં આવી હતી. તેમણે પંજાબ સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો, કારણ કે તેમની પર અગાઉ પણ હુમલો થઈ ચૂક્યો હતો. 2017માં કેટલાક અજ્ઞાત હુમલાખોરોએ તેમના ઘર પર ઘણા રાઉન્ડ ગોળીઓ ચલાવી હતી. તેમાં તેમનો પરિવાર બચી ગયો હતો.
કોણ હતા બલવિન્દરસિંહ
પંજાબમાં જ્યારે આતંકવાદ ચરમ સીમા પર પહોંચ્યો હતો, તો બલવિંદર સિંહ પર 42 વખત હેન્ડ ગ્રેનેડ અને રોકેટ લોન્ચરથી હુમલો થયો હતો. તેમણે ઘણા આતંકીઓને ત્યારે ઠાર કર્યા હતા.
તે પછી બલવિંદરને 1993માં રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્માએ શૌર્ય ચક્રથી સન્માનિત કર્યા હતા. તેમની સાથે પત્ની જગદીપ કૌર, ભાઈ રણજીત સિંહ અને ભૂપિંદર સિંહને પણ શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. બલવિંદરના જીવન પર દૂરદર્શન પર પ્રસારિત પંજાબ એક યાત્રા અને અન્ય ઘણી ટેલીફિલ્મ પણ બની હતી. તેઓ પોતાના ઘરની નજીક જ એક સ્કુલ ચલાવતા હતા.

રિલેટેડ ન્યૂઝ