કોરોનાનું કમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ: કેન્દ્રીય મંત્રી

રાજસ્થાન, છત્તીસગઢ સહિત પાંચ રાજ્યમાં કેસો વધી રહ્યા છે: શિયાળામાં કોરોનાની બીજી લહેરની સંભાવના: નીતિપંચ

નવીદિલ્હી તા.19
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને ગઇકાલે સોશિયલ મીડિયા પર સન્ડે સંવાદ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. અહીં એક પ્રશ્નના જવાબમાં તેમણે એ બાબત સ્વીકારી હતી કે દેશના કેટલાક ભાગોમાં કોરોના વાયરસ કમ્યુનિટી ટ્રાન્સમિશનના તબક્કામાં પહોંચી ગયો છે. ડો.હર્ષવર્ધને કહ્યું કે કેટલાક રાજ્યોના કેટલાક જિલ્લા સુધી તે મર્યાદિત છે. તેમા પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનજીર્એ ગયા સપ્તાહે દુર્ગા પૂજા સમયે લોકોને સાવધાની રાખવા કહ્યું હતું. તેમણે કહ્યું કે હું સૌને તહેવારો નિમિતે સંક્રમણથી બચવા માટે જાહેર કરવામાં આવેલા પ્રોટોકોલનું પાલન કરવા આગ્રહ કરું છું. રાજ્યમાં વાયરસના કમ્યુનિટી ટ્રાન્સમિશનના કેટલાક કિસ્સા ધ્યાનમાં આવ્યા છે.આ નિવેદનને ટાંકી એક વ્યક્તિએ ડો.હર્ષવર્ધનને કમ્યુનિટી ટ્રાન્સમિશન અંગે પ્રશ્ન કર્યો હતો.
દેશમાં કોરોના દર્દીનો આંકડો 74 લાખ 94 હજાર 746 થયો છે. રાહતની વાત એ છે કે
તેમા 65 લાખ 94 હજાર 399 લોકો સાજા થઈ ગયા છે. અત્યાર સુધી 1 લાખ 14 હજાર 87 દર્દીના મૃત્યુ થયા છે. જ્યારે 7 લાખ 85 હજાર 71 દર્દીની સારવાર ચાલી રહી છે.
નીતિ પંચના સભ્ય વીકે પોલે કહ્યું કે, છેલ્લા ત્રણ સપ્તાહમાં દેશના મોટાભાગના રાજ્યોમાં કોરોનાના કેસ અને મહામારીથી થતા મોતમા ઘટાડો નોંધાયો છે, પણ ઠંડીમાં કોરોનાની બીજી લહેર આવવાની પણ સંભાવનાઓ છે. પોલ દેશમાં મહામારી સામે પહોંચી વળવા માટે બનાવાયેલી કમિટિના ચીફ છે.
પોલે કહ્યું કે, મોટાભાગના રાજ્યોમાં મહામારી સ્થિર થઈ છે, પણ પાંચ રાજ્યો(રાજસ્થાન, છત્તીસગઢ,કેરળ, કર્ણાટક અને પશ્વિમ બંગાળ)અને તેની સાથે જ 3-4 કેન્દ્રશાશત પ્રદેશમાં પણ હાલ કેસ વધી રહ્યાં છે.પોલે એવું પણ કહ્યું કે, ભારત હાલ પણ દુનિયાના અન્ય દેશોની તુલનામાં ઘણી
સારી સ્થિતિમાં છે, પણ દેશને
હજુ ઘણો લાંબો રસ્તો પાર કરવાનો છે, કારણ કે 90% લોકો પણ કોરોના વાઈરસના સંક્રમણ માટે સંવેદનશીલ છે.

રિલેટેડ ન્યૂઝ