કપિલ દેવ માટે ક્રિકેટ જગતની પ્રાર્થના

નવી દિલ્હી, તા.23
ભારતીય ક્રિકેટ ફેન્સને એ સમયે મોટો ઝાટકો લાગ્યો જ્યારે દેશને પહેલીવાર વર્લ્ડ કપ જીતાડનારા પૂર્વ કેપ્ટન કપિલ દેવને હ્રદય રોગનો હુમલો થયો. શુક્રવારના મોડી રાત્રે કપિલ દેવે છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરી અને ત્યારબાદ તેમને દિલ્હી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા. હોસ્પિટલમાં તેમની એન્ઝિયોપ્લાસ્ટી કરવામાં આવી. કપિલ દેવ જલદીથી જલદી સ્વસ્થ થાય તે માટે આખી દુનિયામાં પ્રાર્થના કરવામાં આવી રહી છે.
ભારતીય ટીમના દિગ્ગજ ખેલાડીઓ પણ તેમના માટે પ્રાર્થના કરી રહ્યા છે. સચિન, વિરાટ, સુરેશ રૈના, શિખર ધવન જેવા ખેલાડીઓએ કપિલ દેવના સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે. મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે ટ્વિટર પર લખ્યું કે, ‘પોતાનું ધ્યાન રાખો. પાજી તમે જલદી સાજા થાઓ તેવી પ્રાર્થના કરું છું.’ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, ‘તમારા ત્વરિત સ્વાસ્થ્ય લાભની પ્રાર્થના કરી રહ્યો છું. જલદી ઠીક થઈ જાઓ પાજી.’
ભારતીય બેટ્સમેન શિખર ધવને ટ્વીટ કર્યું કે, ‘કપિલ દેવ સર તમે જલદી ઠીક થઈ જાઓ તેવી કામના કરું છું. હંમેશા મજબૂત રહો.’ આ મહાન ઑલરાઉન્ડરના પૂર્વ સાથી મદનલાલે ટ્વીટ કર્યું કે, ‘જેમણે પણ જાણવા માટે ફોન કર્યો, તમારી પ્રાર્થનાઓ પરિવાર સુધી પહોંચાડી દેવામાં આવી છે જેને આભાર સાથે લેવામાં આવી છે. કેપ્સ (કપિલ), સ્વસ્થ અને મજબૂત રહો.’

રિલેટેડ ન્યૂઝ