નવજાતને જીવતું દાટવાનો પ્રયાસ

બાળકના રડવાનો અવાજ સાંભળી દોડી આવેલા ખેડૂતોએ બચાવ્યું

(પ્રતિનિધી દ્વારા) મુંબઇ તા. 29
પુણેમાં ગુરુવારે ખેડૂતોએ એક નવજાતને બચાવ્યું હતુ, જેને બે લોકો જીવતા જ જમીનમાં દાટવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આરોપીઓ બાળકને અડધું જમીનમાં દાટી પણ ચૂક્યા હતા, પણ બાળક રડવા લાગ્યું હતુ. બાળકના રડવાનો અવાજ સાંભળીને ખેડૂતો ત્યાં પહોંચ્યા હતા અને આરોપીઓને પકડી લીધા હતા. જો કે, પોલીસના ઘટના સ્થળે પહોચતા પહેલા જ આરોપીઓ ખેડૂતોને ધક્કો મારીને ત્યાથી ફરાર થઈ ગયા હતા.
નવજાત બાળકને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યું છે. ડોકટરોના જણાવ્યા મુજબ, તેની તબિયત સારી છે. આરોપીઓ બ્લાકને સદીમાં લપેટીને લાવ્યા હતા. ખેડૂતોએ કહ્યું હતુ કે, જો થોડો પણ વિલંબ થયો હોત તો આરોપીઓએ બાળક દફનાવી દીધું હોત.
ઘટના પુણેના પુરંદરના અંબોડી વિસ્તારની છે. પ્રકાશ પાંડુરંગ નામના એક ખેડૂતે જણાવ્યું હતું કે
બંને આરોપીઓએ બાળકને અડધું દફન કરી દીધું હતું અને જો તેમાં થોડી સેક્ધડનો વિલંબ થયો હોત તો તેઓ તેને સંપૂર્ણ દફનાવી દેત. તે જમીનમાં દટાઈ જવાને કારણે તે જોરથી અવાજમાં ચીસો પાડી રહ્યું હતુ.
સાસવડ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર ડી.એસ.હાકેએ જણાવ્યું કે- અમને ફોન દ્વારા ઘટનાની માહિતી મળી અને અમે એક ટીમ સ્થળ પર મોકલી હતી. બાળકની ઓળખ થઈ નથી. આરોપી બાઇક લઇને આવ્યા હતા. આસપાસના તમામ સીસીટીવી કેમેરા જપ્ત કરવામાં આવ્યા છે. તેના દ્વારા બાઇકનો નંબર ટ્રેસ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
એક દિવસ પહેલા, પુણેના વાખડ વિસ્તારમાંથી એક ચાર રસ્તા પાસે કચરાના ઢગલામાંથી એક દિવસની બાળકી મળી આવી હતી. કેટલાક સામાજિક કાર્યકરોએ તેને જોઈ અને પોલીસને આ બાબતે જાણ કરી હતી. હાલમાં બાળકીની પૂણેની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે.

રિલેટેડ ન્યૂઝ