રાત્રે હોટલમાં મહિલાની છેડતીમાં સ્ટાર જેલમાં

(પ્રતિનિધી દ્વારા) મુંબઇ તા. 3
હાલમાં બોલિવૂડ સેલેબ્સની ધરપકડ ડ્રગ્સ કેસના લીધે વધારે થાય છે. પરંતુ એવામાં એક નવો જ કેસ સામે આવ્યો કે જ્યાં અભિનેતાની ધરપકડ ડ્રગ્સ નહીં પણ મહિલાની છેડતીના કારણે કરવામાં આવી છે. બોલિવૂડ અભિનેતા વિજય રાજની પોલીસે મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લામાંથી ધરપકડ કરી છે.
ફિલ્મના સેટ પર વિજય પર મહિલા કલાકારની છેડતીનો આરોપ છે. ગોંદિયાના એડિશનલ એસપી અતુલ કુલકર્ણીએ આ સમાચારની પુષ્ટિ પણ કરી છે. આ મામલે કુલકર્ણીએ કહ્યું કે વિજય રાજ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. ઉલ્લેખની છે કે અભિનેતા સામે આઈપીસીની કલમ 354 (મહિલાની ઈજ્જતનો ભંગ કરવો) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
વિજય રાજ ફિલ્મ શેરનીના શૂટિંગ માટે મધ્યપ્રદેશના બાલાઘાટમાં હાજર હતા. શૂટિંગ માટે આખી ટીમ વિદર્ભના ગોંદિયા વિસ્તારમાં આવી હતી અને તમામ કલાકારો હોટલ ‘ગેટવે’માં રોકાયા હતા. એવો આરોપ છે કે અભિનેતાએ ત્યાં હોટલમાં એક મહિલા કલાકારની છેડતી કરી છે. વિજય રાજની ધરપકડ બાદ ફિલ્મનું શૂટિંગ બંધ કરાયું હતું. મહિલાની ફરિયાદના આધારે સોમવારે મોડી રાત્રે રામનગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે મંગળવારે સવારે અભિનેતાની હોટલમાંથી ધરપકડ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા 2005માં વિજય રાજની દુબઈમાં ડ્રગ્સ રાખવાના આરોપમાં પણ ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેને જામીન પર છોડી દેવામાં આવ્યો હતો. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, વિજય બોલિવૂડની ફિલ્મ ‘રન’ માં ભજવેલા તેના રમુજી પાત્રથી ખૂબ લોકપ્રિય થયો હતો. લોકો તેને ‘કૌઆ બિરયાની’ વાળા સીનથી જ ઓળખવા લાગ્યા. આ પછી તેણે ‘ધમાલ’, ‘વેલકમ’, ‘દીવાના હુએ પાગલ’, ‘બોમ્બે ટૂ ગોવા’ જેવી ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું.

રિલેટેડ ન્યૂઝ