ટીમ ઇન્ડિયાની પણ નવી જર્સી

(પ્રતિનિધિ દ્વારા)
નવી દિલ્હી, તા.13
આઇપીએલ પૂરી થવાની સાથે જ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે પહોંચી ગઈ છે. કોરોના મહામારી બાદ ભારતીય ટીમ પહેલી વખત આંતરરાષ્ટ્રીય મેચ રમવા માટે ઓસ્ટ્રેલિયા પહોંચી છે. અહીંયા ભારતીય ટીમ ટેસ્ટ, વન-ડે અને ટી-20 સિરીઝ રમવાની છે.
જાણકારોના મતે ભારતીય ટીમ રેટ્રો જર્સીમાં જોવા મળી શકે છે. ઓસ્ટ્રેલિયાની ટીમ દ્વારા ટી-20 સિરીઝ માટે નવી ઈન્ડિજિનિયસ ટી-શર્ટ બનાવી હોવાની જાહેરાત થયા બાદ ભારતીય ટીમની પણ નવી ટી-શર્ટની વાત સામે આવી છે. બીસીસીઆઈ દ્વારા પણ ભારતીય ખેલાડીઓના ડ્રેસ માટે નવી યોજના બનાવાઈ હોવાની ચર્ચા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ખેલાડીઓ માટે રેટ્રો થીમની ટી-શર્ટ તૈયાર કરવામાં આવી છે. 70ના દાયકની ભારતીય ટીમ દ્વારા જેવો ડ્રેસ પહેરવામાં આવતો હતો તેને સમાંતર આ ડ્રેસ કીટ તૈયાર કરવામાં આવી છે.
હાલમાં ખેલાડીઓ સ્કાય બ્લૂ રંગનો ડ્રેસ પહેરે છે. ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે અને કદાચ ટી-20માં ખેલાડીઓ નેવી બ્લૂ રંગની ટી-શર્ટ અને ટ્રેકમાં જોવા મળે તેવી શક્યતા છે. મહત્ત્વની વાત એ છે કે ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા રવાના થયા ત્યારે પણ તેઓ નેવી બ્લૂ રંગના પીપીઈ ડ્રેસમાં જોવા મળ્યા હતા. તેના ઉપર ભારતીય ત્રિરંગો બનાવવામાં આવ્યો હતો. નવી ટી-શર્ટ પણ કંઈક આવી જ હશે.
ઓસ્ટ્રેલિયાએ પણ ટી-20 માટે નવો ડ્રેસ પસંદ કર્યો
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ દ્વારા ભારત સામેની ટી-20 સિરીઝ માટે વિશેષ આયોજન કરાયું છે. આ માટે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ દ્વારા ઇન્ડિજિનિયસ ટી-શર્ટ તૈયાર કરાવવામાં આવી છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટના 152 વર્ષના ઇતિહાસને આ ટી-શર્ટ સાથે સાંકળવામાં આવ્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયામાં ઇન્ડિજિનિયસ નિવાસીઓનું જે યોગદાન છે તેને માન આપવા માટે આ આયોજન કરવામાં આવ્યું છે. 1868માં ઈંગ્લેન્ડના પ્રવાસે જનારી ઓસ્ટ્રેલિયન ટીમ ત્રણ મહિનાની સફર ખેડીને ઈંગ્લેન્ડ પહોંચી હતી. અહીંયા દુનિયાના શ્રેષ્ઠ મેદાનો ઉપર આ ટીમ 47 મેચ રમી હતી. આ ઇતિહાસને ઉજાગર કરતી ટી-શર્ટ ઇન્ડિજિનિયસ મૂળના પૂર્વ, વર્તમાન અને ભાવિ ખેલાડીઓને સર્મિપત કરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ