કાલે ટીમ ઇન્ડિયાને ધોળકું ધોળું થતું અટકાવવાની અંતિમ તક

જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ન્યૂઝીલેન્ડે પોતાના ઘરઆંગણે ભારતનો 3-0થી વ્હાઇટવોશ કર્યો’તો

મેચનું જીવંત પ્રસારણ ભારતીય સમયાનુસાર સવારે 9:10 વાગે સોની સિક્સ પર થશે

ઓસ્ટ્રેલિયા સામે વનડે સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ બુધવારે કેનબરા ખાતે રમાશે. મનુકા ઓવલના મેદાન પર ભારતીય ટીમ વિદેશમાં સતત બીજી ક્લીન સ્વીપથી બચવા માટે મેદાને ઊતરશે. આ પહેલાં જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ન્યૂઝીલેન્ડે પોતાના ઘરઆંગણે ભારતનો 3-0થી વ્હાઇટવોશ કર્યો હતો. કેનબરાના મેદાનની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા અહીં રમેલી ચારેય મેચ જીત્યું છે, જ્યારે ભારત આ ગ્રાઉન્ડ પર રમેલી બંને મેચ હારી ગયું છે. આ સિરીઝમાં ભારતીય બોલર્સ ઝઝૂમી રહ્યા છે, તેવામાં જો ભારતે વ્હાઇટવોશથી બચવું હોય તો બોલર્સ લય મેળવે એ જરૂરી છે.
સિરીઝમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેને ભારતીય બોલર્સ પર હાવી રહ્યા છે. સ્ટીવ સ્મિથે પહેલી બંને વનડેમાં સદી મારી છે. જ્યારે કેપ્ટન આરોન ફિન્ચે પહેલી વનડેમાં સદી અને બીજી વનડેમાં ફિફટી મારી. ઇજાના કારણે સિરીઝની બહાર થયેલા ડેવિડ વોર્નરે પણ બંને મેચમાં ફિફટી મારી. સ્મિથ- ફિન્ચ સિવાય માર્નસ લબુશેન અને ગ્લેન મેક્સવેલ પણ સારા ફોર્મમાં છે.
ભારતીય બેટ્સમેનની વાત કરીએ તો તેમને શરૂઆત મળી, પરંતુ એને મોટા સ્કોરમાં ક્ધવર્ટ કરવામાં નિષ્ફ્ળ રહ્યા છે. શિખર ધવન અને હાર્દિક પંડ્યાએ પહેલી વનડેમાં ફિફટી મારી, પરંતુ ટીમને મેચ જિતાડી શક્યા નહીં. એ પછી બીજી વનડેમાં કપ્તાન વિરાટ કોહલી અને ઉપક્પ્તાન લોકેશ રાહુલે ફિફટીમારી, પરંતુ મોટો સ્કોર કરી શક્યા નહીં. તેવામાં ત્રીજી વનડેમાં મેચ જિતાડવા ભારતીય બેટ્સમેનોએ મોટો સ્કોર બનાવવો જરૂરી છે.
ટીમના બોલિંગ-અટેકની વાત કરીએ તો ભારતીય બોલર્સ શરૂઆતની 10 ઓવરમાં વિકેટ લેવામાં નિષ્ફ્ળ રહ્યા છે. એ ઉપરાંત તેઓ બહુ બધા રન પણ લૂંટાવી રહ્યા છે. મોહમ્મદ શમી- જસપ્રીત બુમરાહ જેવા પ્રીમિયર બોલર્સ પણ રન રોકવામાં નિષ્ફ્ળ રહ્યા છે. ફેન્સને આશા છે કે તેઓ ત્રીજી વનડેમાં ફોર્મમાં પરત ફરીને વિકેટ ઝડપશે અને ભારતને જીત અપાવશે.

વોર્નર-કમિન્સન નથી
ઇજાને કારણે વોર્નર ટીમનો ભાગ નથી. જ્યારે પેટ કમિન્સને ટેસ્ટ સિરીઝ માટે આરામ આપવામાં આવ્યો છે. તેમની ગેરહાજરીમાં ભારત પાસે સારું પ્રદર્શન કરવાની તક રહેશે. ટીમ પાવરપ્લેમાં વિકેટ્સ લઈને ઓસ્ટ્રેલિયાને દબાણમાં લાવવાનો પ્રયાસ કરશે.
કોહલી પાસે વધુ એક રેકોર્ડ બનાવવાની તક
ભલે ભારત સિરીઝ હારી ગયું હોય, પરંતુ ત્રીજી વનડેમાં કોહલી પાસે વધુ એક રેકોર્ડ બનાવવાની તક છે. કોહલી જો આ મેચમાં સદી મારે તો તે કેપ્ટન તરીકે સૌથી વધુ સેન્ચુરી મારનાર પ્લેયર બની જશે. અત્યારે કોહલી અને કાંગારૂના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે 41-41 સદી મારી છે

રિલેટેડ ન્યૂઝ