આખરી વન-ડે જીતી ટીમ કોહલીએ ‘આબરૂ જાળવી’!

76 દડામાં 7 બાઉન્ડ્રી અને 1 સિક્સર સાથે અણનમ 92 રન ફટકારનારો હાર્દિક પંડ્યા મેન ઓફ ધ મેચ

(પ્રતિનિધિ દ્વારા) સિડની તા.2
ઓસ્ટ્રેલિયા ભારત સામે 3 વનડે સીરિઝની અંતિમ મેચમાં કેનબરા ખાતે 303 રનનો પીછો કરતા 49.3 ઓવરમાં 289 રનમાં ઓલઆઉટ થયું હતું. ઓસ્ટ્રેલિયા માટે કપ્તાન આરોન ફિન્ચ અને ગ્લેન મેક્સવેલે ફિફટી ફટકારતા અનુક્રમે 75 અને 59 રન કર્યા હતા. જ્યારે, ભારત માટે શાર્દુલ ઠાકુરે 3 વિકેટ, જ્યારે જસપ્રીત બુમરાહ અને ટી. નટરાજને 2 વિકેટ લીધી. આ મેચ જીતીને ભારતે ઓસ્ટ્રેલિયાને વ્હાઇટવોશ કરતા રોક્યું છે. કાંગારુંએ 3 વનડેની સીરિઝ 2-1થી જીતી.
ભારત વિદેશમાં સતત 7 મેચ હાર્યા પછી મેચ જીત્યું છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં ન્યૂઝીલેન્ડે પોતાના ઘરઆંગણે ભારતને 3 વનડે અને 2 ટેસ્ટમાં હરાવ્યું હતું. તે પછી ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બંને વનડેમાં ટીમ ઇન્ડિયાને માત આપી હતી. સતત 7 મેચમાં હારનો સામનો કર્યા પછી ભારતે વિદેશમાં મેચ જીતી છે.
પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 5 વિકેટે 302 રન કર્યા હતા. 152 રનમાં 5 વિકેટ ગુમાવ્યા પછી હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાએ 150 રનની ભાગીદારી કરી હતી. હાર્દિકે પોતાના કરિયરની છઠ્ઠી ફિફટી ફટકારતાં 76 બોલમાં 7 ફોર અને 1 સિક્સની મદદથી 92 રન કર્યા હતા, જ્યારે જાડેજાએ કરિયરની 13મી ફિફટી ફટકારતાં 50 બોલમાં 5 ફોર અને 3 સિક્સની મદદથી 66 રન કર્યા. હાર્દિકને તેની ઇનિંગ્સ બદલ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ