ખેતી કરવા જમીન ભાડાં પટ્ટે અપાશે: રૂપાણી

રાજ્યની ખેડવાણ જમીનમાં વધારો કરવા ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય
સરકાર પાસે 196 લાખ હેકટર ભૂમિ છે તે પૈકી 50 ટકા એટલે કે 98 લાખ હેકટરમાં ખેતી થઇ શકે તેમ છે

(પ્રતિનિધિ દ્વારા)
ગાંધીનગર તા.19
રાજ્યની ખેડવાણ જમીનમાં વધારો કરવાનો ઐતિહાસિક નિર્ણય કરીને કૃષિ અને બાગાયત ક્ષેત્રના સર્વગ્રાહી વિકાસથી બાગાયતી તેમજ ઔષધિય પાકોની ખેતીનો વ્યાપ વધારવાના નક્કર પરિણામલક્ષી આયોજન સાથે એક મહત્વપૂર્ણ કદમ રૂપે ‘મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન’ની જાહેરાત કરી છે.રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલી ખેડવાણની સરકારી પડતર જમીનોને લાંબાગાળાના લીઝ પર ફાળવી તેને ઉપજાઉ બનાવીને બાગાયતી અને ઔષધિય પાકોની ખેતીથી વધુ આવક મેળવવાનો અને આવા પાક ઉત્પાદનના વેલ્યુએડીશનથી એકસપોર્ટ-નિકાસનું પ્રમાણ વધારવા તથા રોજગારના નવા અવસરો સર્જવાનો આ ‘મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન’નો મુખ્ય ઉદેશ્ય છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ મિશનની જાહેરાત કરતાં વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં સુકા અને અર્ધસુકા તેમજ દરિયાકાંઠાના ખારાશવાળા વિસ્તારોને કારણે કૃષિ વિકાસ પડકાર રૂપ છે.આમ છતાં આફતને અવસરમાં પલટાવવાની આગવી ક્ષમતા સાથે સરકારે કૃષિ મહોત્સવ, સોઇલ હેલ્ડકાર્ડ, જળસંચય અભિયાન, ડ્રીપઇરીગેશન, સાત પગલાં ખેડૂત કલ્યાણના, કિસાન સૂર્યોદય યોજના મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના જેવા આયામોથી ગુજરાતને કૃષિ વિકાસ દરમાં દેશભરમાં અગ્રેસર રાખ્યું છે.તેમણે જણાવ્યું કે, રાજ્યની 196 લાખ હેકટર જમીન પૈકીની પ0 ટકા એટલે કે 98 લાખ હેકટર જમીન ખેતી હેઠળ આવેલ છે તેમજ પડતર અને બિન ઉપજાઉ જમીનોમાં બાગાયતી અને ઔષધિય પાકોના વાવેતરની વિપૂલ સંભાવનાઓ છે.ગુજરાતમાં ર019-ર0ના વર્ષમાં 4.46 લાખ હેકટરમાં ફળ પાક વાવેતર અને 9ર.61 લાખ મેટ્રિક ટન ઉત્પાદન સાથે દેશના ફળ-શાકભાજીના કુલ ઉત્પાદનમાં 9.ર0 ટકા જેટલું મહત્વનું પ્રદાન કરેલું છે.
મંત્રીએ ઉમેર્યુ કે, ગુજરાતમાં કુલ પાકોના વાવેતરમાં ઉત્તરોત્તર અંદાજે ર0 હજાર હેકટર જેટલો વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારો દાડમ, જામફળ, ખારેક, પપૈયા જેવા પાકના હબ તરીકે ઉભરી આવ્યા છે. રાજ્ય સરકારની કૃષિ ટેકનોલોજીને પ્રોત્સાહન, સિંચાઇ સુવિધા અને ખેડૂત હિતકારી નીતિઓના પરિણામે સૂકા, અર્ધસુકા કે ખારાશ ધરાવતા વિસ્તારો પણ કૃષિ ઉત્પાદનની હરિયાળીથી લહેરાતા થયા છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
આ મિશન અન્વયે બાગાયતી તથા ઔષધિય પાકો માટે રાજ્યમાં આવેલી બિન ઉપજાઉ સરકારી પડતર જમીનમાંથી રાજ્ય સરકાર દ્વારા નક્કી થયેલા વિસ્તારો અને સરવે નંબરની અંદાજે ર0 હજાર હેકટર જમીન ફકત આવા પાક વાવેતર માટે 30 વર્ષની લીઝ-ભાડાપટ્ટે ફાળવવામાં આવશે.આના પરિણામે, બિન ઉપજાઉ સરકારી પડતર જમીનોનો યોગ્ય ઉપયોગ કરીને ફળ-ફૂલ, શાકભાજી, મસાલા તેમજ ઔષધિય પાકોની ખેતીનો વ્યાપ વધારવા પ્રોત્સાહન મળશે.એટલું જ નહિ, રાજ્યનું કૃષિ ઉત્પાદન અને આવક વધારી નવી રોજગારીની તકો ઊભી થવાથી દેશના જી.ડી.પી.માં ગુજરાતના કૃષિ ક્ષેત્રનો ફાળો અગ્રેસર રહેશે.

શું રહેશે ભાડાં – ભથ્થા ?
લીઝ માટેની જમીનની સિક્યોરીટી ડિપોઝીટ અને વાર્ષિક લીઝ રેટ નજીવા દરે રાખવામાં આવ્યા છે તેમાં લીઝની જમીન માટે પ્રથમ 5 વર્ષ કોઇ બેઝીક ભાડુ લેવામાં આવશે નહી.
6 થી 10 વર્ષ માટે દર વર્ષે એકર દીઠ રૂ. 100
11 થી 20 વર્ષ માટે દર વર્ષે એકર દીઠ રૂ. 250
21 થી 30 વર્ષ માટે દર વર્ષે એકર દીઠ રૂ. 500 બેઝીક ભાડુ રહેશે.
સિકયુરિટી ડિપોઝીટ તરીકે એકર દીઠ રુ. 2500 જમીન ફાળવણી વખતે એક સાથે ભરવાની રહેશે. એટલું જ નહિ, પાંચ વર્ષમાં પ્રોજેક્ટમાં મંજુર થયા અનુસારનું ડેવલપમેન્ટ જમીન પર કરવાનુ રહેશે.

કચ્છ, સુરેન્દ્રનગર સહિત 5 જિલ્લાને પ્રથમ લાભ
વિજયભાઇ રૂપાણીએ ખાસ કરીને રાજ્યના કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં પિયત પાણી આપવાની યોજનાની સફળતાને પરિણામે આ વિસ્તારોની બિન ઉપજાઉ જમીનોને પણ આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ફળ-ઝાડની વાડીમાં પરિવર્તીત કરવામાં આવી છે તેનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો.તેમણે કહ્યું કે, હવે રાજ્ય સરકારે આ જિલ્લાઓમાં આવેલી બિન ઉપજાઉ ઉજ્જડ-બંજર પડતર સરકારી જમીનોમાં પણ અદ્યતન ટેકનોલોજીના સમન્વયથી બાગાયતી ઔષધિય પાક સમૃદ્ધિ દ્વારા નવઘડતર અને ખેડૂતોની આવક બમણી કરવા, રોજગારસર્જન વધારવા આ મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશનની પહેલ કરી છે.
મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશનનો પ્રથમ તબક્કે રાજ્યના પાંચ જિલ્લા કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં અમલ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.

અરજીઓની સ્ક્રુટીની સાત સભ્યોની ટેક્નિકલ કમિટી કરશે
બાદ આ ટેક્નિકલ સમિતિની દરખાસ્ત અને ભલામણોના આધારે આવી જમીન લીઝ પર ફાળવવાનો અંતિમ નિર્ણય મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રચાનારી 9 સભ્યોની હાઇપાવર કમિટી કરશે. આ કમિટીમાં નાયબ મુખ્યમંત્રી તેમજ કૃષિ, મહેસૂલ મંત્રીઓ, કૃષિ રાજ્યમંત્રી, મુખ્ય સચિવ તથા મહેસૂલ અને નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ સભ્ય તરીકે અને કૃષિ સચિવ સભ્ય સચિવ તરીકે ફરજ બજાવશે.
બાગાયતી તેમજ ઔષધિય પાકોના વાવેતર માટે લાંબાગાળાની લીઝ પર જમીન ફાળવવાની નીતિ અંતર્ગત બાગાયત નિયામક અમલીકરણ નોડલ અધિકારી રહેશે.

રિલેટેડ ન્યૂઝ