ઓસ્ટ્રેલિયાની ટીમને હરાવતા ટીવી પર જોઈને ચેતેશ્ર્વરની પુત્રી ઝૂમી ઉઠી

જિંદગીભર યાદ રહી જાય તેવી શાનદાર ઈનિંગ ચેતેશ્ર્વરે રમી: પિતા અરવિંદભાઈ

(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ તા.20
ઓસ્ટ્રેલિયાના ગાબામાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝની ફાઇનલ મેચમાં ભારતે ઐતિહાસિક જીત મેળવી છે. આ જીત પાછળ સૌરાષ્ટ્રના સાવજ ચેતેશ્વર પૂજારાની મહત્ત્વની ભૂમિકા રહી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમને તેની જ ધરતી પર ધૂળ ચટાડનાર પિતાને રાજકોટસ્થિત ઘરે ટીવીમાં જોઇ ચેતેશ્વર પૂજારાની પુત્રી ઝૂમી ઊઠી હતી. ચેતેશ્વરના પિતા અરવિંદભાઇ પૂજારાએ જણાવ્યું હતું કે ચેતેશ્વરે જિંદગીભર યાદ રહી જાય એવી શાનદાર ઇનિંગ રમી હતી.
પિતા અરવિંદભાઈ પૂજારાએ જણાવ્યું હતું કે કપરા સંજોગામાં ભારતે જે જીત મેળવી છે એ એક ઐતિહાસિક સિદ્ધિ કહેવાય. તેમાંય ચેતેશ્વરે જરૂરિયાત હતી અને બેટિંગ કરી ભારતને જીત અપાવી એ ક્ષણ અમારા માટે ખૂબ જ આનંદની હતી. આ ઇનિંગ ચેતેશ્વરને જિંદગીભર યાદ રહી જાય તેવી શાનદાર ઇનિંગ હતી. યુવા ખેલાડીઓ ટીમમાં આવ્યા તો આપણે એમ કહી શકીએ કે તે લોકોમાં લડવાની ક્ષમતા છે.
ચેતેશ્ર્વરના પિતાએ મિડીયાને જણાવ્યું હતું કે, ભૂતકાળમાં ખેલાડીઓને એટલું બધું વળતર મળતું નહોતું. પહેલાંનું ક્રિકેટ પાર્ટ ટાઈમ ક્રિકેટ કહેવાતું. ખેલાડીઓને ક્રિકેટની સાથોસાથ પાર્ટ ટાઇમ નોકરી કરવી પડતી હતી, જ્યારે અત્યારે ખેલાડીઓ રણજી ટ્રોફી રમે, આઈપીએલ રમે તો ખેલાડીઓને આર્થિક ટેન્શન રહેતું નથી, કારણ કે ભરણપોષણ માટે ખેલાડીઓએ નોકરી કરવી પડતી નથી. આ પરિવર્તન મારા માટે ખૂબ જ મહત્ત્વનું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 2018 અને 19ના વર્ષમાં આપણે સિરીઝ જીત્યા ત્યારે ચેતેશ્વરે 500થી વધુ રન કર્યા હતા. એ સિરીઝમાં ચેતેશ્વરે બોલ એટલાબધા ફેસ કર્યા નહોતા, પરંતુ આ સિરીઝમાં ઓસ્ટ્રેલિયન ટીમના બોલરના કુલ બોલના 25થી 27 ટકા બોલ ચેતેશ્વરે એકલાએ ફેસ કર્યા છે.
આ પણ એક અમારા માટે ગર્વની વાત છે. ભારતીય ટીમે ટેસ્ટ સિરીઝની સાથોસાથ 32 વર્ષનો ગાબા સ્ટેડિયમનો રેકોર્ડ તોડ્યો છે.

રિલેટેડ ન્યૂઝ