રાહુલને બદલે કોંગ્રેસને ‘સમ્રાટ’ અશોક ચાલશે ?

(પ્રતિનિધિ દ્વારા)
નવી દિલ્હી તા.21
કોંગ્રેસ પક્ષમાં કાયમી પ્રમુખપદના મુદ્દે નવી વાત બહાર આવી હતી. હાલ સોનિયા ગાંધી કાર્યકારી અધ્યક્ષ તરીકે કામ સંભાળે છે. તેમની ઇચ્છા રાહુલને ફરી અધ્યક્ષ બનાવવાની છે. પરંતુ રાહુલ નામુકરર જાય તો રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતને પક્ષ પ્રમુખ બનાવાય એવી શક્યતા હોવાની જાણકારી મળી હતી.
રાહુલે હજુ સુધી પોતે પક્ષ પ્રમુખ બનવા તૈયાર છે એવો પરોક્ષ અણસાર પણ આપ્યો નથી. અશોક ગેહલોત ગાંધી પરિવારના સૌથી વફાદાર ગણાતા કોંગ્રેસીઓમાં એક છે અને ગાંધી પરિવારના વિશ્વાસપાત્ર માણસ છે. એક જૂથ માને છે કે ગાંધી પરિવાર પક્ષનું સુકાન પોતાના હાથમાંથી સરકવા દેવા તૈયાર નથી એટલે રાહુલ કે પ્રિયંકા પક્ષ પ્રમુખ ન બની શકે તો એવા કોઇ માણસને જવાબદારી સોંપશે જે ગાંધી પરિવાર કહે એટલું જ પાણી પીએ. સ્વતંત્ર નિર્ણય લે નહીં. આમ પરોક્ષ રીતે ગાંધી પરિવારજ કોંગ્રેસ પર પોતાનો કાબુ જાળવી રાખે.
સોનિયા ગાંધીના ઇશારે કેટલાક લોકો સતત રાહુલને સમજાવી રહ્યા છે કે તેણે પક્ષપ્રમુખની જવાબદારી સ્વીકારી લેવી જોઇએ. આવા સભ્યો દ્રઢપણે માને છે કે કોંગ્રેસનું રાજકીય અસ્ત્તિત્વ ટકાવી રાખવા ગાંધી પરિવારનો સાથ જરૂરી છે. એ સિવાય પક્ષમાં એવો બીજો કોઇ નેતા નથી જે પક્ષના અસ્તિત્વને ટકાવી રાખી શકે કે એકલે હાથે ચૂંટણી જીતાડી શકે.

રિલેટેડ ન્યૂઝ