સૌરવ ગાંગુલીની તબિયત ફરી લથડી

(પ્રતિનિધિ દ્વારા)
નવી દિલ્હી તા. 27
ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીની તબિયત ફરી બગડી છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગાંગુલીએ ફરીથી છાતીમાં દુખાવાની ફરિયાદ કરી છે. તેમને તાત્કાલિક અપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અગાઉ 2 જાન્યુઆરીએ તેમને હાર્ટ-અટેક આવ્યા પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 7 જાન્યુઆરીએ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને 2 જાન્યુઆરીએ હાર્ટ-અટેક આવ્યો હતો. ત્યાર બાદ તેમને કોલકાતાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં તેમની એન્જિયોપ્લાસ્ટી સર્જરી થઈ હતી. તેમના હૃદયમાં 2 બ્લોકેજ હતા. ત્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ હોસ્પિટલ જઈ ગાંગુલીના ખબરઅંતર પૂછ્યા હતા.
ગઈ વખતે ગાંગુલીની તબિયત બગડી ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંગુલીની પત્ની ડોના સાથે વાત કરી હતી અને ગાંગુલીના સ્વાસ્થ્યની જાણકારી લીધી હતી. એ પહેલાં હોમ મિનિસ્ટર અમિત શાહે પણ ફોન કરીને ખબરઅંતર પૂછ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ