અમિત શાહે ધરાર મંજુરી આપી હતી ?

(પ્રતિનિધિ દ્વારા)
નવી દિલ્હી તા. 27
દેશની રાજધાનીનવી દિલ્હીમાં 26 મી જાન્યુઆરીએ ખેડૂતોને ટ્રેક્ટર રેલી કાઢવાની પરવાનગી આપવા સામે દિલ્હી પોલીસ અને ઇન્ટેલિજન્સ બ્યૂરોએ સ્પષ્ટ વિરોધ નોંધાવ્યો હતો પરંતુ કેન્દ્ર સરકારે તેમની વાત સાંભળી નહોતી એવી ચોંકાવનારી માહિતી મળી હતી. જાણકાર સૂત્રોએ કહ્યું કે પરિસ્થિતિ વણસ્યા બાદ કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે તાકીદની બેઠક બોલાવી હતી. પ્રજાસત્તાક દિનની પહેલાં અમિત શાહે બોલાવેલી બેઠકમાં દિલ્હી પોલીસ અને ઇન્ટેલિજન્સ બ્યૂરો (કેન્દ્રીય ગુપ્તચર વિભાગ) બંનેએ સ્પષ્ટ શબ્દોમાં એવી દહેશત વ્યક્ત કરી હતી કે ખેડૂતોને ટ્રેક્ટર રેલી કાઢવાની પરવાનગી આપવાથી દિલ્હીમાં હિંસક દેખાવો થઇ શકે છે.
કેન્દ્રના ગૃહ ખાતાએ પોલીસ અને ગુપ્તચર શાખાની વાત કાને ધરી નહોતી. ટ્રેક્ટર રેલીના બહાને હિંસા ફેલાઇ અને પરિસ્થિતિ વણસી ત્યાર બાદ અમિત શાહે તાકીદની બેઠક બોલાવી હતી એવું જાણવા મળ્યું હતું. કદાચ કેન્દ્ર સરકારને એવો ડર હતો કે ટ્રેક્ટર રેલીની પરવાનગી નહીં આપવાથી સંજોગો વધુ કપરા બની શકે છે અને ખેડૂતો અંતિમવાદી પગલું ભરી શકે છે. વાસ્તવમાં ટ્રેક્ટર રેલીની પરવાનગી ખેડૂતોને હિંસા આચરવા માટે મળી ગયેલો એક પ્રકારનો પરવાનો હતો. છેક લાલ કિલ્લા સુધી તોફાનીઓ પહોંચી ગયા હતા અને લાલ કિલ્લા પર એક ધાર્મિક ધ્વજ ફરકાવી દઇને દેશનું અપમાન કર્યું હતું.

રિલેટેડ ન્યૂઝ