મહારાષ્ટ્રમાં જળ પ્રલય: ઇમારતો તૂટતાં-ભૂસ્ખલનથી 57નાં મોત

રાયગઢના તલઇ ગામનાં 35 મકાન પર પહાડ ધસી પડતાં 36નાં મોત, 70 ગુમ
મૌસમ વિભાગનું ત્રણ દિવસ રેડ એલર્ટ:PMમોદીCM ઠાકરેનાં સતત સંપર્કમાં

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ તા. 23
ભારે વરસાદને કારણે મહારાષ્ટ્રના કોલ્હાપુર, રાયગઢ, રત્નાગિરી, પાલઘર, થાણે અને નાગપુરના કેટલાંક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે. ભારે વરસાદ પછી શુક્રવારે થયેલી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 57 લોકોના મોત નિપજ્યા છે. રત્નાગિરી જિલ્લાના ચિપલૂણમાં એક હોસ્પિટલમાં વરસાદ દરમિયાન લાઈટ જતી રહેતા 8 દર્દીઓના મોત નિપજ્યા છે. આ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર ચાલી રહી છે. મૃત્યુ પામનારા તમામ લોકો ઓક્સિજન સપોર્ટ પર હતા. પૂરનું પાણી હોસ્પિટલમાં ઘુસી જતા પાવર સપ્લાઈ ઠપ થઈ ગઈ છે, જેને પગલે આ ઘટના ઘટી છે.
રાયગઢમાં તલઈ ગામમાં પહાડનો કેટલોક ભાગ રહેણાંક વિસ્તાર પર પડતા 35 ઘર દબાઈ ગયા છે. આ દુર્ઘટનામાં 36 લોકોના મૃત્યુ થયા છે, 70થી વધુ લોકો ગુમ છે. 32ના શબને બહાર કાઢવામાં આવ્યા છે. સતારાના અંબેઘર ગામમાં પણ લેન્ડ સ્લાઈડિંગ થયું. અહીં 8 લોકોના મૃત્યુ થયા છે. કાટમાળની નીચે લગભગ 20 લોકો દબાયેલા છે.
શુક્રવારે મુંબઈની નજીક આવેલા ગોવંડીમાં એક ઈમારત પડવાથી 4 લોકોના મૃત્યુ થયા છે. તમામ મૃતક એક જ પરિવારના છે. દુર્ઘટનામાં 6 લોકો ઘાયલ છે. ઘાયલોને મુંબઈની રાજવાડી અને સાયન હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે.
જિલ્લા કલેક્ટર નિધિ ચૌધરીએ જણાવ્યું હતું કે કલઈ ગામમાં ભૂસ્ખલન થયું છે. ગઉછઋની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. લોકોને રેસ્ક્યૂ કરવા માટે પાણીમાં ડૂબેલા રસ્તાઓ પર હોળીઓ ચલાવવામાં આવી રહી છે.
વરસાદી નદીઓનું પાણી શહેરો, તાલુકાઓ અને ગામડાંમાં ઘૂસી ગયાં છે. મોસમ વિભાગે આગામી ત્રણ દિવસ માટે કોંકણ, મુંબઈ અને એની આસપાસના જિલ્લાઓ માટે રેડ અલર્ટ જાહેર કર્યું છે. થાણે અને પાલઘરમાં ભારે વરસાદને કારણે લાઈન વિસ્તાર 24 કલાક પાણીમાં ડૂબ્યો છે. કોંકણ ડિવિઝનમાં અત્યારસુધી વરસાદ સાથે જોડાયેલી ઘટનામાં 8 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે લગભગ 700 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.
રાયગઢમાં 4 જગ્યાએ ભૂસ્ખલન થવાથી ઘણા લોકો ફસાઈ ગયા છે, 25 લોકોને કાઢવામાં આવ્યા છે અને 20 લોકો હાલ પણ ફસાયેલા છે. તલાઈ ગામને કનેક્ટ કરનારો રસ્તો પણ પાણીમાં વહી ગયો છે, આ કારણે ગામની અંદર લોકો ફસાયેલા છે. કોલ્હાપુરમાં ચીખલીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ગઉછઋએ બે ટીમ સતત પ્રયત્ન કરી રહી છે.
રત્નાગિરિ જિલ્લામાં જગબુડી નદી ખતરાના નિશાનથી 2 મીટર અને વશિષ્ઠ નદી ખતરાના નિશાનથી લગભગ એક મીટર ઉપર વહી રહી છે. કજલી, કોડાવલી, શાસ્ત્રી અને બાવંડી નંદીઓએ પણ ખતરાના નિશાનને પાર કરી લીધું છે. કુંડલિકા, અંબા, સાવિત્રી, પાતાલગંગા, ગઢી અને ઉલ્હાસ નદીઓ પણ ચેતવણીના સ્તર પર વહી રહી છે.

રિલેટેડ ન્યૂઝ