હૉસ્પિ.માં પાણી ઘૂસતાં વીજળી ગઇ, 11 દર્દીના શ્વાસ થંભી ગયા

(પ્રતિનિધિ દ્વારા)
મુંબઇ તા. 23
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ભારે વરસાદને કારણે પૂરથી સ્થિતિ સર્જાઈ છે. હવે ત્યાં હોસ્પિટલમાં દાખલ 11 દર્દીઓના મોતની વાત સામે આવી રહી છે. મળતી માહિતી મુજબ, રાયગઢની ચિપલુણ હોસ્પિટલમાં કુલ 21 દર્દીઓ દાખલ થયા હતા. તેમાંથી ઘણા વેન્ટિલેટર પર હતા. ભારે વરસાદ અને પૂરને કારણે આખા વિસ્તારમાં અનેક ફૂટ પાણી ભરાયા હતા. જેના કારણે હોસ્પિટલનો બહારની દુનિયા સાથે સંપર્ક તૂટી ગયો હતો.
કહેવામાં આવી રહ્યું છે કે, વિસ્તારના ચીફ મેડિકલ ઓફિસર દ્વારા ગુરુવારે બપોરે 3.30 વાગ્યે હોસ્પિટલ મેનેજમેન્ટનો સંપર્ક કરવામાં આવ્યો હતો. હવે વરસાદનો માર ઓછો થતાં આ વિસ્તારમાં પાણીની સપાટી ધીરે ધીરે ઓછી થઈ રહી છે. જે બાદ લોકોએ તેમના ઘર અને દુકાનની સફાઇ શરૂ કરી દીધી છે.
દરમિયાન સામે આવ્યું છે કે ચિપલુણ હોસ્પિટલમાં દાખલ 21 દર્દીઓમાંથી 11 લોકોનાં મોત નીપજ્યાં છે. ત્યારબાદ જિલ્લા વહીવટી તંત્રમાં હંગામો મચ્યો છે. જિલ્લા વહીવટી અધિકારીઓ હોસ્પિટલમાં દાખલ બાકીના દર્દીઓને બચાવવા યોજના બનાવવામાં વ્યસ્ત છે. હોસ્પિટલના વહીવટીતંત્રનો સંપર્ક કરી પરિસ્થિતિની વિગતો માંગવામાં આવી રહી છે.
બીજી તરફ, મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં આ વખતે વરસાદે વર્ષ 2019 નો રેકોર્ડ તોડ્યો છે. વરસાદને કારણે કાગલ-મુરગુડ રસ્તા પર સિદ્ધનેર્લી વિસ્તારમાં દુધ ગંગા નદી ઉપરનો પુલ રાતોરાત છલકાઇ ગયો હતો. સ્થિતિ એવી છે કે આખો વિસ્તાર પાણીથી ભરેલો છે.

રિલેટેડ ન્યૂઝ