વાણીના વેડફનારા પાણી બચાવો!

  • વાણીના વેડફનારા પાણી બચાવો!

સમગ્ર ભારતમાં એકતરફ ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે બીજા મહત્ત્વના અનેક મુદ્દાઓ બાજુ પર રહી જતા હોય છે. તાજેતરમાં જ ભારતના હવામાન વિભાગે આ વખતનું ચોમાસું સામાન્ય કરતાં પણ વધુ ખરાબ રહેશે તેવી આગાહી કરી છે. મુંબઈમાં પણ મહાનગર પાલિકાએ જાહેર કરેલા એક અહેવાલમાં જણાવ્યું છે કે હવે શહેરમાં માત્ર 25 ટકા જ પાણીનો જથ્થો બચ્યો છે જે ગયા વર્ષે આજ સમયગાળામાં લગભગ 40 ટકા જેટલો હતો. ગયા વર્ષે તો હવામાન વિભાગે સામાન્ય કરતાં સારા ચોમાસાની આગાહી કરી હતી એટલે ચિંતાની કોઈ વાત ન હતી, પરંતુ આ વખતની આગાહી મુંબઈગરા અને સમગ્ર ભારત માટે જોખમી છે. હજુ હમણાં જ ગુજરાત, મહારાષ્ટ્ર સહિતનાં કેટલાંક રાજ્યોએ પોતાના અમુક વિસ્તારોને અછતગ્રસ્ત જાહેર કર્યા છે. ગુજરાતના કચ્છમાં તો ચારા વિના પશુધન મરવા પડ્યું છે, અનેક નામી સંસ્થાઓ જીવદયાના કાર્યમાં જોડાઈ છે અને પોતાનાથી બનતું બધું કરી રહી છે, પરંતુ સવાલ એ છે કે આપણે ક્યારે સુધરશું? જો આ વખતે ગુજરાત કે મહારાષ્ટ્ર કે સમગ્ર ભારતમાં ચોમાસું સારું ના ગયું તો ચારો તો ઠીક પશુધન માટે પીવાના પાણીના પણ વાંધા થશે અને માત્ર પશુધન જ નહીં, માણસોને પણ પીવાના પાણીની અછત વર્તાશે એ નકકી છે. આવી આગાહી સામે સરકારે અત્યારથી જ કામ કરવું શરૂ કરી દેવું જોઈએ, શહેરના સમગ્ર સ્વિમિંગ પુલમાં રોજ હજારો લિટર પાણી વેડફાઈ જાય છે, ફાઈવસ્ટાર હોટેલો, રિસોર્ટ અને વોટર વર્લ્ડમાં વપરાતું પણ અલગ, આ સિવાય પણ અન્ય ક્લબોમાં આડેધડ પાણી વપરાતું હોય છે. આઈપીએલની મેચો ચાલુ છે ત્યારે મેદાન પર પણ લાખો લિટર પાણી વપરાઈ રહ્યું છે. સરકારે ત્વરીત કામે લાગી આ બધું હાલ પૂરતું બંધ કરાવવું જોઈએ. હજુ મહારાષ્ટ્રમાં કે ગુજરાતમાં વિધિવત્ ચોમાસું બેસવામાં લગભગ બેથી અઢી મહિના જેટલો સમય છે. આ સમય દરમિયાન પણ જો આપણે પાણી બચાવવાના પ્રયાસ શરૂ કરી શકીએ અને બને તેટલું પાણી બચાવી શકીએ તો આ સમસ્યાથી છુટકારો તો નહીં મળી શકે, પરંતુ સમસ્યા હળવી જરૂર થઈ શકે તેમ છે. બીજું માત્ર સ્વિમિંગ પુલ, વોટર પાર્ક કે રમતનાં મેદાનો પરથી પાણીની બચત કરવાથી જ આ સમસ્યા હલ થાય તેમ નથી, આપણે પોતે પણ પાણીનો બચાવ કરતાં શીખવું પડશે. આપણે રસ્તા પર વાહન ધોવા માટે પણ કેટલું પાણી વાપરીએ છીએ એના પર પણ નિયંત્રણ લાવવું જરૂરી છે. પાણીની પાઈપલાઈનોનું સમારકામ કરીને પાણીનો વેડફાટ થતો અટકાવવાની જવાબદારી ભલે પાલિકા કે પ્રશાસનની હોય, પરંતુ આવી ઘટનાની તુરંત સત્તાવાળાઓને જાણ કરવી, બગાડ અટકાવવાનો પ્રયાસ કરવો એ આપણા હાથની વાત છે. આપણે આવી ઘટનાઓની સામે આંખ આડા કાન ન કરી શકીએ. ઘણી વખત હોટેલમાં આપણે પાણી ભરેલા ગ્લાસ પીધા પછી અડધા ભરેલા ગ્લાસ એમને એમ મૂકીને ઊભા થઈએ છીએ, અનેક વખત મિનરલ બોટલમાં અડધોઅડધ બોટલ પાણી ભરેલું હોય તો પણ આપણે જવા દેતા હોઈએ છીએ, આ બધા ઉપર નિયંત્રણ લાવવું પડશે. આપણે આપણી આદતો બદલવી જ પડશે, જો આપણે આપણી આદત નહીં બદલીએ તો આવનાર સમય વધુ કપરો સાબિત થશે. યાદ રાખજો આપણે પાણી બચાવીશું તો જ પાણી આપણને બચાવશે કેમ કે જળ હી જીવન હૈ!