રામકૃષ્ણનગરમાં વધુ ત્રણ પાણી ચોરો ઝડપાયા

  • રામકૃષ્ણનગરમાં વધુ ત્રણ પાણી ચોરો ઝડપાયા
    રામકૃષ્ણનગરમાં વધુ ત્રણ પાણી ચોરો ઝડપાયા

ઘનાઢ્ય વિસ્તારોમાં પાણી ચોરોનો હાહાકાર રાજકોટ તા,13
મનપાના વોટર વર્કસ વિભાગે વોર્ડ નં.7ના પોશ વિસ્તારોમાં થતી પાણી ચોરી રોકવા છેલ્લા ત્રણ દિવસથી ચેકિંગ ઝુંબેશ હાથ ધરી આજે વધુ ત્રણ આસામીઓને પાણી ચોરી કરતા ઝડપી પાડ્યા હતા.
રાજકોટ શહેરમાં પાણી ચોરીની પ્રવૃત્તિ અટકાવવા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરશ્રી બંછાનિધિ પાનીના આદેશ અનુસાર ગેરકાયદેસર નળ કનેક્શન અને ડાયરેક્ટ પમ્પીંગનાં કિસ્સાઓની તપાસ તથા પગલા ઉપરાંત પાણીનો બગાડ કરતા આસામીઓ સામે પણ પગલાં લેવામાં આવી રહયા છે. જેમાં 12-04-2019ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની વોર્ડ નં. 07ની ટીમ દ્વારા શહેરમાં હાથ ધરાયેલ ચેકિંગ દરમ્યાન ડાયરેક્ટ પમ્પીંગ કરતા 03 આસામીઓ પાસેથી બબ્બે હજાર રૂપિયા લેખે કુલ મળીને રૂ.06,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
વોર્ડ નં.7માં ડાયરેક્ટ પમ્પિંગ કરનાર, વિમળાબેન તેરૈયા, રામકૃષ્ણનગર-5, ઇસ્ટ, હરપાલસિંહ, શિવાલીક, રામકૃષ્ણનગર, પ્રફુલાબેન રાવલ, શિવાલીક, રામકૃષ્ણનગર સહિતનાને રંગેહાથે ઝડપી દંડ વસુલવામાં આવ્યો હતો.
ઉપરોક્ત કામગીરી મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીના આદેશ અન્વયે વોર્ડ નં.07 માં ટીમ લીડર કાશ્મીરાબેન વાઢેરના માર્ગદર્શન હેઠળ વોર્ડ ઓફિસર હેમાન્દ્રીબા ઝાલા તેમજ ડે. ઈજનેર વસાવા, એ.ટી.પી. વસાવા, કેતન ગોંડલીયા, તેમજ ઉમરાણીયા ડ્રેનેજ, રમેશભાઈ ઠાકર તેમજ ગગજીભાઈ ફીટર દ્વારા આ કામગીરી કરવામાં આવેલ હતી.