ગુજરાતમાં 26 બેઠક જાળવવામાં ભાજપને કપરા ચઢાણ

  • ગુજરાતમાં 26 બેઠક જાળવવામાં ભાજપને કપરા ચઢાણ

26માંથી ભાજપને 21 અને કોંગ્રેસને 5 બેઠક મળી શકે : આઈબીનો રિપોર્ટ અમદાવાદ તા,13
લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષે વડાપ્રધાનના હોમસ્ટેટ ગુજરાતમાં જબરી તાકાત લગાડી છે પરંતુ હાલ મોદી મેજીક નહીં હોવાથી ભાજપ માટે ગુજરાતમાં 26માંથી 26 બેઠક જાળવી રાખવું કપરૂ મનાય છે અને પાંચેક બેઠકોનું નુકસાન જાય તેવો આઈ.બી.ના સર્વેમા ખૂલાસો થયાનું જાણવા મળી રહ્યું છે.
ગત ધારાસભાની ચૂંટણીમાં ભાજપને પડેલા ફટકાબાદ હવે લોકસભાની ચૂંટણીમાં પણ ગુજરાતમાં તમામ 26 બેઠકો જાળવી રાખવું મુશ્કેલ હોવાનો રીપોર્ટ છે.
ગુજરાત આઈબી દ્વારા સર્વે કરવામાં આવ્યો છે. જે અનુસાર લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 સીટોમાંથી ભાજપ 21 સીટો જીતી શકે છે. જ્યારે કોંગ્રેસને 5 સીટ મળી શકે છે. 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં સરસાઈના આંકડાઓને લોકસભાની સીટો પ્રમાણે વિભાજન કરી તારણ કાઢવામાં આવ્યુ છે.
લોકસભાની ચૂંટણીની ગુજરાતની 26 સીટોમાંથી 18 સીટો એવી છે કે જેના ઉપર ભાજપની જીત લગભગ નક્કી જેવી જ છે. જ્યારે 8 સીટો એવી છે કે જેમાં ભાજપ કરતાં કોંગ્રેસ વધારે આગળ છે. જેમાં જૂનાગઢ, આણંદ, અમરેલી, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠા સીટનો સમાવેશ થાય છે. તેમાં પણ મહેસાણા, સાબરકાંઠા અને બનાસકાંઠા સીટ ઉપર કટોકટીની પરિસ્થિતિ હોવાથી કદાચ આ ત્રણેય સીટ ઉપર ભાજપ આગળ નીકળી શકે તેમ છે.
જૂનાગઢ, આણંદ, અમરેલી, સુરેન્દ્રનગર અને પાટણ સીટ એવી છે કે આ પાંચેય સીટો ઉપર આ ચૂંટણીમાં પણ કોંગ્રેસ બાજી મારી જશે તેવી શકયતા છે. જો કે મહેસાણા, સાબરકાંઠા અને બનાસકાંઠા સીટ માંથી એકાદ બે સીટ કોંગ્રેસ જીતે તો પણ નવાઈ નહીં. હાર્દિક ચૂંટણી લડી રહ્યો નહીં હોવાથી ભાજપને ફાયદો જ્યારે કોંગ્રેસને નુકસાન ભોગવવું પડશે. અલ્પેશ સાથે મોટી સંખ્યામાં સમાજના મત હોવાથી કોંગ્રેસની વોટબેંક તુટશે, જેનો સીધો ફાયદો ભાજપને મળશે.