ખાતર કૌભાંડ: ખેડૂતોએ ખરીદેલા ઓછા વજનવાળા ખાતરને બદલી આપવાના આદેશ

  • ખાતર કૌભાંડ: ખેડૂતોએ ખરીદેલા ઓછા વજનવાળા ખાતરને બદલી આપવાના આદેશ

અમદાવાદ : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસ થી ખાતર કૌભાંડ મામલે ઉઠેલી ફરિયાદો બાદ આજે DAP ખાતરનું ઉત્પાદન કરતી GSFC કંપની દ્વારા તપાસની ખાતરી આપવામાં આવી. GSFCના એમડી સુજીત ગુલાટીએ દાવો કર્યો કે, ખાતરની થેલીઓમાં ઘટએ કોઈ કૌભાંડ નથી પરંતુ પ્રોડક્શન એરર છે.

ઉત્પાદન દરમિયાન માનવ અને મશીન ભૂલ છે જેને લઈને સ્વતંત્ર તપાસ સોંપાઈ છે. GSFCના નિવૃત અધિકારી આ મામલે સપ્તાહના અંત સુધીમાં તપાસ કરીને રિપોર્ટ સોંપશે જેના આધારે જવાબદાર લોકો સામે ઠપકાથી લઈને બરતરફી સુધીના પગલાં ભરાશે. પ્રાથમિક તપાસ દરમિયાન 80000 મેટ્રિક ટન ઉત્પાદનમાં સરેરાશ 300 ગ્રામ જેટલી ઘટ આવી છે. જેના કારણે કુલ 16 લાખ રૂપિયા જેટલા નુકસાનનું અનુમાન છે. 

આ ભૂલ નિવારવા હવે વજન કરવામાં ધ્યાન રખાશે અને સાથે જ હવેનું ઉત્પાદન 50 કિલોથી વધુનું હશે. જે પણ જુની ખરીદી હશે તેને બદલી આપવામાં આવશે. હાલ પૂરતું ખાતરનું વેચાણ બંધ રહેશે અને એક સપ્તાહની અંદર ફરી શરૂ થશે. અત્યાર સુધી ઉત્પાદન તારીખ લખવામાં નહોતી આવતી જે હવે સુધારશે. જો કે આ મામલે કોઇ કૌભાંડ નથી તેવો દાવો GSFC કરી રહ્યું છે