નર્મદા નહેરની મુખ્ય કેનાલનું પાણી બંધ કરવા જાય તે પહેલા જ 1000 જેટલા BTP કાર્યકર્તાઓની અટકાયત

  • નર્મદા નહેરની મુખ્ય કેનાલનું પાણી બંધ કરવા જાય તે પહેલા જ 1000 જેટલા BTP કાર્યકર્તાઓની અટકાયત

રાજપીપળા :આખા ગુજરાતને પાણી પુરૂ પાડતા સરદાર સરોવર નર્મદા ડેમ જે જિલ્લામાં આવેલ છે તે  નર્મદામાં આજે પાણી મુદ્દે આંદોલનની શરૂઆત થઇ છે છે. પાણી વિતરણ વ્યવસ્થા મુદ્દે આજે 13 મે સુધી સમગ્ર ગુજરાતમાં  પાણીની વ્યવસ્થા કે ટેન્કરથી વૈકલ્પિક વ્યવસ્થા નહિ થાય તો અમે મુખ્ય કેનાલના ગેટ બંધ કરી બહાર જતા પાણીને અટકાવીશું એવી ચીમકી ધારાસભ્ય મહેશ વસાવા અને બીટીપી (ભારતીય ટ્રાઈબલ પાર્ટી)ના કાર્યકરોએ આપી હતી. જેને લઈને મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ આજે નર્મદા જિલ્લામાં ખડકી દેવામાં આવ્યો હતો. પરંતુ આ કાર્યકરો અને ડેડીયાપાડાના ધારાસભ્ય અને ભારતીય ટ્રાઈબલ પાર્ટી અધ્યક્ષ મહેશભાઈ વસાવા નર્મદા બંધ સુધી પહોંચે તે પહેલા જ રાજપીપળાના જીતનગર પોલીસ હેડ ક્વાર્ટર પાસે ધારાસભ્ય મહેશ વસાવા અને તેમના 1000 જેટલા કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી. જોકે અટકાયત સમયે પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું, છતાં પોલીસે મક્કમપણે આ તમામની અટકાયત કરી આ આંદોલનને નિષ્ફળ બનાવ્યું હતું. જોકે મહેશ વસાવાનું કહેવું છે કે અમારું આંદોલન ચાલુ જ રહેશે.