રાજ્યસભાની બેઠકો કબજે કરવા 2017 જેવી કટોકટી

ગાંધીનગર તા,25
અમિત શાહ અને સ્મૃતિ ઇરાની લોકસભા ચૂંટણી જીત્યા હોવાથી તેમની ખાલી પડતી રાજ્યસભાની બે બેઠક પર ટૂંક સમયમાં ચૂંટણી આવશે. ભાજપ બંને બેઠકો પર પોતાના ઉમેદવાર જીતાડી શકે તેવી સ્થિતિ હાલ જણાતી નથી. ભાજપને આ બંને બેઠકો જીતવી હોય તો કોંગ્રેસના મોટી સંખ્યામાં ધારાસભ્યોને ક્રોસ વોટિંગ કરાવવું પડે અથવા રાજીનામા અપાવવા પડે. જો આમ થશે તો વર્ષ 2017માં શાહ અને અહેમદ પટેલ જીત્યા તે રાજ્યસભા ચૂંટણી વખતે સર્જાયેલી સ્થિતિનુંં પુનરાવર્તન થશે.
રાજ્યસભાની ચૂંટણીનું ગણિત અટપટું છે. હાલની સ્થિતિએ વિધાનસભામાં ભાજપના 99, કોંગ્રેસના 71, 2 અપક્ષ, 2 બીટીપી, એક એનસીપી મળીને કુલ 175 ધારાસભ્યો છે. 7 જગ્યા ખાલી છે. જેમાંથી 4 નવા ચૂંટાઇને ભાજપમાં આવ્યા છે પરંતુ લોકસભામાં જીતેલા ભાજપના 4 ધારાસભ્યો રાજીનામા આપશે જેથી 175 સભ્ય સંખ્યા રાજ્યસભાની ચૂંટણી માટે હાલની સ્થિતિએ છે. જેથી હાલ રાજ્યસભામાં એક ઉમેદવારને 60 મત (ફસ્ર્ટ પ્રેફરન્સ) જરૂરી છે. બંને ઉમેદવારને જીતાડવા ભાજપ પાસે 120 ધારાસભ્યો હોવા જોઇએ અથવા ધારાસભ્યોની સંખ્યા ઘટાડવી પડે. કોંગ્રેસ પાસે એક ઉમેદવારને ચૂંટી શકે તેટલા 60 થી વધુ ધારાસભ્યો છે. અલ્પેશ ઠાકોર અને તેના અન્ય બે સાથી ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરે અથવા રાજીનામું આપે તો પણ ભાજપને ખાસ ફાયદો થાય તેમ નથી. જો કોંગ્રેસની સભ્યસંખ્યા 60થી નીચી જાય તો જ ભાજપ બે ઉમેદવારને ચૂંટી શકે છે જેથી આગામી દિવસોમાં રાજ્યસભાની ચૂંટણીને લઇને રાજકીય ગતિવિધિ તેજ બનશે.