લોકસભાના ‘ત્રણ’ ઐતિહાસિક પરિણામ

  • લોકસભાના ‘ત્રણ’ ઐતિહાસિક પરિણામ

લોકસભાની ચૂંટણીનાં પરિણામો પછી ભાજપમાં જશ્નનો માહોલ છે ત્યારે બીજી તરફ કોંગ્રેસમાં સોપો પડી ગયો છે. કોંગ્રેસીઓએ કલ્પના પણ ના કરી હોય એ હદે તેમનું ધોવાણ થયું છે ને તેની કળ પરિણામ આવ્યાના 24 કલાક પછી પણ તેમને વળી નથી. કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી ગુરુવારે પરિણામ પછી ખરખરો કરવા મીડિયા સામે આવ્યા તો ખરા પણ સાત મિનિટમાં તો પોતાની પત્રકાર પરિષદનો સંકેલો કરીને તેમણે ચાલતી પકડી લીધી. એ પછી એવા અહેવાલ પણ આવ્યા કે રાહુલ ગાંધીએ કોંગ્રેસનું પ્રમુખપદ છોડવાની ઓફર પણ કરી નાંખી છે.
કોંગ્રેસ નેહરુ-ગાંધી ખાનદાનની બાપીકી પેઢી છે તેથી રાહુલ વાતો ભલે કરે પણ એ પ્રમુખપદ છોડે એ વાતમાં માલ નથી. માનો કે રાહુલ સાચે જ પ્રમુખપદ છોડવા માગતા હોય તો પણ તેમના ચમચા ને ભક્તજનો છોડવા દે એમ નથી એ જોતાં રાહુલ રાજીનામું ધરી દે એ વાતમાં માલ નથી. કોંગ્રેસના બીજા ત્રણ પ્રદેશ પ્રમુખોએ પણ રાજીનામાં ધરી દીધાં છે. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને સમ ખાવા પૂરતી રાયબરેલીની બેઠક મળી તેના પગલે રાજ બબ્બરે રાજીનામું ધરી દીધું છે તો કર્ણાટકમાં પોતાની સરકાર હોવા છતાં ભયંકર રીતે કોંગ્રેસ ધોવાઈ જતાં એચ.કે. પાટીલે પણ રાજીનામું મોકલી આપ્યું છે. ઓડિશામાં તો કોંગ્રેસ ખાતું પણ ના ખોલાવી શકી તેથી શરમથી પાણી પાણી થઈ ગયેલા નિરંજન પટનાઈકે પણ રાજીનામું ધરી દીધું છે. રાહુલ ગાંધીને બચાવવા માટે કોંગ્રેસ બલિના બકરા શોધી જ રહી છે એ જોતાં આ ત્રણેયનાં રાજીનામાં સ્વીકારી લેવાય તેવી પૂરી શક્યતા છે. હજુ બીજા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખોનાં રાજીનામાં પણ આવશે એવું લાગે છે.
ભાજપની ભવ્ય જીત અને કોંગ્રેસમાં ચાલી રહેલી આ ભવાઈના કારણે લોકસભાની ચૂંટણી સાથે જોડાયેલી ત્રણ મહત્ત્વની અન્ય ઘટનાઓ સાવ કોરાણે મુકાઈ ગઈ છે. આ ઘટનાઓ સાથે ભાજપ કે કોંગ્રેસને સીધો સંબંધ નથી એવું તો ના કહેવાય કેમકે વાત તો ચૂંટણીને લગતી જ છે છતાં તેમની નોંધ ચોક્કસ લેવી પડે. આ પૈકીની પહેલી ઘટના ઓડિશામાં સતત પાંચમી ટર્મ માટે નવીન પટનાઈકની જીત છે. બીજી ઘટના આંધ્ર પ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુનો સફાયો અને જગન મોહન રેડ્ડીનો ઉદય છે અને ત્રીજી ઘટના ડાબેરીઓનો સાવ સફાયો છે.
આ વખતની ચૂંટણીમાં ભાજપના વિજયરથને ઓડિશામાં નવીન પટનાઈકે અને પશ્ર્ચિમ બંગાળમાં મમતા બેનરજીએ રોક્યો છે. ઓડિશામાં લોકસભાની સાથે વિધાનસભાની પણ ચૂંટણી હતી અને નવીન પટનાઈકે પાંચમી વાર જીતીને ઈતિહાસ રચ્યો છે. પટનાઈક ઓડિશામાં સળંગ પાંચમી ટર્મ માટે મુખ્ય મંત્રીપદે ચૂંટાયા છે અને આ વખતે પણ તેમણે બે તૃતિયાંશ બહુમતીથી જીત મેળવી છે. નવીન પટનાઈક છેક માર્ચ, 2000થી મુખ્ય મંત્રીપદે છે ને તેમણે પોતાની ચોથી ટર્મ પૂરી કરી છે. હવે એ પાંચમી ટર્મ પૂરી કરશે. ભારતમાં પવન ચામલિંગ, જ્યોતિ બસુ ને માણિક સરકાર એ ત્રણ જ મુખ્ય મંત્રી એવા હતા કે જેમણે સળંગ ચાર ટર્મ પૂરી કરી હોય. નવીન પટનાઈક હવે તેમની કેટેગરીમાં આવી ગયા છે.
ચંદ્રાબાબુને કોઈ હરાવી નહીં શકે એવું કહેવાતું ત્યારે વાયએસઆર લુંગી કમરે બાંધીને આંધ્ર પ્રદેશનાં ગામડાંમાં પદયાત્રા લઈને નિકળી પડ્યા ને ગ્રામીણ વિસ્તારના મતદારોને પોતાની તરફ ખેંચીને ટીડીપીનાં સૂપડાં સાફ કરી નાખ્યાં. રેડ્ડીએ સળંગ બે વાર આંધ્રમાં કોંગ્રેસને જીતાડીને નાયડુને પતાવી જ દીધેલા. વિમાની દુર્ઘટનામાં તેમના આકસ્મિક મોત પછી જગન મોહન રેડ્ડી મુખ્ય મંત્રી બનવા થનગનતા હતા પણ કોંગ્રેસે તેમને ભાવ ના આપતાં તેમણે પોતાનો અલગ પક્ષ રચેલો. જગન મોહનને દબાવવા કોંગ્રેસ ને ભાજપ બંનેની સરકારે બહુ મથામણ કરેલી. તેને ઉઠાવીને જેલમાં નાંખવાથી માંડીને દરોડા પાડવા સુધીનું બધું જ કરી છૂટ્યા પણ જગને મચક ના જ આપી.
જગન પણ પોતાના બાપના રસ્તે ચાલ્યો ને દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશમાં ફરી વળ્યો. તેણે પણ લોકોની વચ્ચે જઈને તેમની તકલીફોને સમજી છે. એ જેલમાં હતો ત્યારે તેની માતા અને બહેને મોરચો સંભાળેલો. આખો પરિવાર તેની પડખે રહ્યો ને દસ વર્ષ લગી સંઘર્ષ કરતો રહ્યો. દસ વર્ષના સંઘર્ષ પછી જગને પોતાની તાકાત સાબિત કરી છે. તેને અવગણનારા કોંગ્રેસીઓ સત્તરના ભાવમાં પતી ગયા ને જગન મોહન ગાદી પર બેસવાનો છે. જગને ચંદ્રાબાબુને પણ ઘરભેગા કરી દીધા ને લોકસભાની 25માંથી 22 બેઠકો જીતીને સપાટો બોલાવી દીધો છે. વિધાનસભામાં તો જગને ત્રણ ચતુર્થાંશ બહુમતી મેળવીને સૌને સાફ કરી નાંખ્યા છે.
નવીન પટનાઈક ભાજપ સામે ઝીંક ઝીલી ગયા અને જગન મોહનનો ઉદય થયો એવી જ મહત્ત્વની ઘટના ડાબેરીઓનો સફાયો છે. આ વખતે ડાબેરીઓને ગણીને પાંચ બેઠકો મળી છે. એક જમાનામાં પશ્ર્ચિમ બંગાળ, કેરળ અને ત્રિપુરા એ ત્રણ રાજ્યોમાં ડાબેરીઓનું એકચક્રી શાસન હતું ને ત્યાં તેમને કોઈ હરાવી જ ના શકે તેવું મનાતું હતું. આ ત્રણ જ રાજ્યોના જોરે તો ડાબેરીઓ રાષ્ટ્રીય રાજકારણમાં પણ જોર કરતા હતા. કેન્દ્રમાં ડાબેરીઓ સત્તામાં ભાગીદાર પણ બન્યા હતા. 2004માં તો ડાબેરીઓને 61 બેઠકો મળેલી ને તેમના કારણે કોંગ્રેસ સરકાર રચી શકેલી ને મનમોહનસિંહ વડા પ્રધાન બની શક્યા હતા. મનમોહનસિંહ સરકારે અમેરિકા સાથે પરમાણુ કરાર કર્યો ત્યારે ડાબેરીઓ તેના વિરોધમાં અવિશ્ર્વાસની દરખાસ્ત લાવેલા.
આજે એ જ ડાબેરીઓ સાવ પાંચ બેઠકો પર સમેટાઈને રહી ગયા છે. પહેલો ફટકો તેમને મમતા બેનરજીએ બંગાળમાંથી ખદેડીને માર્યો, પછી ભાજપે ત્રિપુરામાંથી તેમને તગેડ્યા ને આ વખતે કેરળમાં કોંગ્રેસના મોરચાએ તેમને પતાવી દીધા.