ગુરુવારે શાળાઓ, આંગણવાડી બંધ રાખવા મ્યુ. કમિશનરનો આદેશ

  • ગુરુવારે શાળાઓ, આંગણવાડી બંધ રાખવા મ્યુ. કમિશનરનો આદેશ
    ગુરુવારે શાળાઓ, આંગણવાડી બંધ રાખવા મ્યુ. કમિશનરનો આદેશ

તા.12 અને 13 ના રોજ 90 થી 135 કિમી. ઝડપે પવન ફૂંકાશે, 
ભારે વરસાદની સંભાવના
મોટા હોર્ડિંગ્સ બોર્ડ અને નબળા વૃક્ષો હટાવવાની કામગીરી શરૂ બપોર સુધીમાં 150 બોર્ડ દૂર કરાયા
કર્મચારીઓની રજા રદ, કમાન્ડ એન્ડ ક્ધટ્રોલ સેન્ટર ખાતેથી પરિસ્થિતિ ઉપર રખાશે નજર રાજકોટ તા.11
વાયુ વાવાઝોડુ ગુજરાતમાં ત્રાટકવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે રાજકોટ શહેરમાં વાવાઝોડાના પગલે થનાર નુકસાની અને લોકોની સાવચેતીમાં આગમચેતીના પગલાના ભાગરૂપે મ્યુનિ. કમિશ્નરે આજથી તા.13 સુધી એલર્ટ જાહેર કરી ગુરૂવારના રોજ શહેરની તમામ શાળાઓ બંધ રાખવા અને પ્રાથમિક જરૂરીયાત તથા રાહત કામગીરીની તમામ વ્યવસ્થા ઉભી કરવાના આદેશ આપ્યા છે.
અરબી સમુદ્રમાંથી સૌરાષ્ટ્ર ભણી આવી રહેલા વાયુ નામક વાવાઝોડાની રાજકોટ શહેરમાં થનારી સંભવિત અસરો સામે આવશ્યક પગલાંઓ લેવા રાજકોટ મહાનગરપાલિકાના તંત્રને એલર્ટ કરી કમિશનર બંછાનિધિ પાનીએ સંબંધિત શાખાઓએ હાથ ધરવાની થતી આગોતરી તૈયારી શરૂ કરાવી દીધી છે. આજથી રાજકોટ મહાનગરપાલિકાએ કંટ્રોલ રૂમ પણ કાર્યરત્ત કરી દીધા છે જેથી કરીને કોઇ પણ આપાતકાલીન પરિસ્થિતિમાં લોકો તુર્ત જ ફરિયાદ કે જરૂરી માહિતીની આપ-લે કરી શકે. મ્યુનિ. કમિશનરએ જ્યુબિલી ગાર્ડન ખાતે ( ફોન નં. 0281-2225707, અને 0281-2228741) અને ફાયર ઇમરજન્સી વિભાગમાં (ફોન નં. 0281-2227222) કંટ્રોલ રૂમ કાર્યરત્ત કરી દીધા છે અને ત્યાં નોંધાતી ફરિયાદોનો ત્વરિત નિકાલ લાવવા તમામ સંબંધિત અધિકારીઓને સતર્ક રહેવા તાકિદ કરી છે.
મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીના જણાવ્યા અનુસાર વાવાઝોડાની સંભવિત અસરો તા.12થી14 દરમ્યાન તેજ રફતાર સાથે પવન અને ભારે વરસાદ જોવા મળી શકે છે, અને ખાસ કરીને તા. 13મીએ વાવાઝોડાની અસર સૌથી તીવ્ર હોવાનું હવામાન ખાતું જણાવે છે ત્યારે મહાનગરપાલિકાએ શહેરમાં વાવાઝોડા પૂર્વે હાથ ધરવાની થતી કામગીરીમાં ભયજનક હોર્ડીંગ્ઝ, વ્રુક્ષો અને ઈમારતો સામે અસરકારક પગલાંઓ લેવાનું શરૂ કરી દેવાયું છે. અત્યાર સુધીમાં 22 હોર્ડીંગ્ઝ ઉતારી લેવાયા છે અને અન્ય જે કોઈ હોર્ડિંગ જરા પણ અસલામત જણાય તેને તાત્કાલિક ઉતારી લેવામાં આવી રહયા છે. તમામ સિનિયર અધિકારીઓને આજથી ફિલ્ડ વર્કમાં ઉતારી દેવામાં આવેલ છે. શહેરમાં અત્યારે જ્યાં ક્યાંય પણ ખાડાઓ જોવા મળે તે આજથી જ યુધ્ધના ધોરણે બુરી દેવા સિટી ઈજનેરોને સૂચના આપી દેવામાં આવી છે.
મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ વધુમાં એમ જણાવ્યું હતું કે, તા.13-મે નાં રોજ વાવાઝોડાની સૌથી વધુ અસર રહેવાની સંભાવના હોઈ આ દિવસે તમામ શાળાઓ અને આંગણવાડીઓ બંધ રહેશે. આ ઉપરાંત વ્રુક્ષોને કારણે કોઈ અકસ્માત નાં થાય તેવા આશયથી શહેરના તમામ બગીચાઓ પણ બંધ રાખવામાં આવશે. શહેરમાં જે શાળાઓ અને ટ્યુશન ક્લાસીસમાં છાપરા બનાવેલા હોય તેને આજથી જ સીલ કરી દેવા સૂચના આપવામાં આવી છે. સાથોસાથ આજથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફાયર બ્રિગેડ માટે ક્લીનર કમ જુનિયર ફાયરમેનની ભરતી અનુસંધાને તા.11થી15 દરમ્યાન ટેસ્ટ લેવાનું આયોજન હતું, જેમાં આજની તા.11-મે નાં દિવસના જે કોલ લેટર મોકલાયા હતાં, તે ઉમેદવારોની ટેસ્ટ લેવાની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવેલ છે પરંતુ, તા. 12 થી 15 - મે નાં દિવસોએ જે ટેસ્ટ લેવાની હતી તે વાવાઝોડાની પરિસ્થિતિને કારણે હાલતુર્ત મોકૂફ રાખવામાં આવેલ છે અને ટેસ્ટ માટેની નવી તારીખો હવે નક્કી થયે તેની જાહેરાત કરવામાં આવશે.
દરમ્યાન આજે સવારે મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીના અધ્યક્ષ સ્થાને સંબંધિત અધિકારીઓની એક તાકિદની બેઠક મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન ખાતે યોજવામાં આવી હતી, જેમાં ત્રણેય નાયબ કમિશનરઓ, તમામ સિટી એન્જીનીયરો, ફાયર ઈમરજન્સી ડીપાર્ટમેન્ટના અધિકારીઓ, સહાયક કમિશનરઓ, સુરક્ષા વિભાગના અધિકારીઓ તેમજ અન્ય અધિકારીઓ પણ હાજર હતાં. મહાનગરપાલિકા વાવાઝોડા અનુસંધાને પી.જી.વી.સી.એલ., તથા સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તેમજ અન્ય આનુસંગિક એજન્સીઓ સાથે મળીને આ કુદરતિ આપતીનો સામનો કરવા જરૂરી સંકલન કરવા સૂચના આપી હતી. મહાનગરપાલિકા દ્વારા લોકોની સુગમતા માટે એક કંટ્રોલ રૂમ જ્યુબિલી ગાર્ડન ખાતે ( ફોન નં. 2225707 ) અને બીજો કંટ્રોલ રૂમ ફાયર ઇમરજન્સી વિભાગમાં (ફોન નં. 2227222) કંટ્રોલ રૂમ શરૂ કરી દીધો છે. વાવાઝોડા દરમ્યાન ભારે વરસાદ કે ભારે તોફાની પવન દરમ્યાન ઉભી થનારી કોઇપણ વિકટ પરિસ્થિતિમાં પીવાના પાણી, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટ વગેરે જેવી આવશ્યક સેવાઓ ડીસ્ટર્બ ના થાય અને ભારે પવનને કારણે જો કોઈપણ અકસ્માત થાય તો તેવા સંજોગોમાં તાત્કાલિક આવશ્યક રાહત બચાવ કાર્ય સેવા ઉપલબ્ધ થઇ શકે તે માટે જરૂરી તમામ પગલાં લેવા અધિકારીઓને અત્યારથી જ સાબદા કરી દીધા હતાં. 
કમિશનરે વધુમાં એમ કહ્યું હતું કે, એસ્ટેટ, ગાર્ડન અને ટીપી શાખા દ્વારા ભયજનક હોર્ડીંગ્ઝ, વ્રુક્ષો અને ઈમારતો ધ્યાનમાં આવ્યે તુર્ત જ આવશ્યક પગલાંઓ લેવામાં આવી રહયા છે. અધિકારીઓને ફિલ્ડમાં રવાના કરી દેવાયા છે. વાવાઝોડાની સાથે ભારે વરસાદની સંભાવના પણ હોવાથી નીચાણવાળા વિસ્તારો તથા અન્ડર બ્રિજમાં પાણી ભરાય તો તેને તાત્કાલિક ડીવોટરિંગ કરવા માટે પંપ અને સ્ટાફ તૈયાર રખાયા છે. શહેરમાં પીવાનાં પાણીનું વિતરણ કોઈ પ્રકારે ડીસ્ટર્બ નાં થાય તે જોવા સિટી ઈજનેરોને સૂચના આપવામાં આવી છે, અને મહાનગરપાલિકાના તમામ વોટર પમ્પિંગ સ્ટેશનોએ ઈલેક્ટ્રીક સ્પલાય ડીસ્ટર્બ થાય તો તેવા કિસ્સામાં જનરેટરની મદદથી પમ્પિંગ ચાલુ રહે તેવી વ્યવસ્થા ગોઠવાયેલી છે. 
શહેરમાં રાહત બચાવની અસરકારક કામગીરી માટે ફાયર બ્રિગેડ સહિત મહાનગરપાલિકાના તમામ વાહનો ડીઝલનાં પુરતા જથ્થા સાથે જ તૈયાર રાખવામાં આવેલ છે. 
મહાનગરપાલિકાનાં તમામ અધિકારીઓ આઈ-વે પ્રોજેક્ટના ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (આઈસીસીસી)નો પુરેપુરો ઉપયોગ કરવા સલાહ આપવામાં આવી છે. 
મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ એમ પણ કહ્યું હતું કે, કંટ્રોલ રૂમની સાથોસાથ ક શહેરની તમામ વોર્ડ ઓફિસો અને ઝોન ઓફિસો ચોવીસે કલાક ખુલ્લી રાખવાની સૂચના આપી દેવામાં આવી છે જેથી કોઇપણ સંકટ સમયે મહાનગરપાલિકાનો સ્ટાફ શહેરીજનોની ત્વરિત મદદે આવી શકે. સંકટ સમયે નાગરિકોની મદદ માટે ત્રણેય ઝોનમાં નિશ્ચિત સંખ્યામાં સિટી બસો તૈનાત કરી દેવામાં આવશે જેથી કરીને જે તે ઝોનમાં ઓછામાં ઓછા સમયમાં સિટી બસ ઉપલબ્ધ બની શકે. આ ઉપરાંત વોટર વર્કસ શાખાને કલોરીનની ટેબ્લેટનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ રાખવા તથા આરોગ્ય શાખાએ આવશ્યક દવાઓ અને મેડિકલ તથા પેરામેડિકલ સ્ટાફને તૈયાર રાખવા સૂચના આપી દેવામાં આવેલ છે. વધુ વરસાદ થાય તો તેવા સંજોગોમાં જ્યાં ક્યાંયથી પણ ભૂગર્ભ ગટર ચોકઅપ થવાની ફરિયાદ આવે તો તેનો તાત્કાલિક નિકાલ લાવવા સ્ટાફ અને સાધનો તૈયાર રાખવા સુચના આપવામાં આવેલ છે. નાગરિકોનું સલામતરીતે અન્યત્ર સ્થળાંતર કરવાની આવશ્યકતાને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકાની શાળાઓ અને રેનબસેરા રહેવા અને જમવાની સુવિધાઓ સાથે તૈયાર રાખવા જે તે શાખાઓને જણાવી દેવામાં આવેલ છે. નીચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતરની વ્યવસ્થા વાયુ વાવાઝોડાના પગલે ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ત્યારે રાજકોટ શહેરના નદીકાંઠાના તેમજ નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદના પગલે પાણી ભરાવાની ઘટના બને તો ત્યાં રહેતા લોકોનું તાત્કાલીક સ્થળાંતર કરી શકાય તે માટે તમામ વિસ્તારોમાં સ્કુલો તેમજ અન્ય સ્થળોએ સ્થળાંતર કરી શકાય તે મુજબની વ્યવસ્થા ઉભી કરવાના આદેશ મ્યુ. કમિશ્નરે કર્યા છે. તેવી જ રીતે સ્થળાંતર થયેલ પરીવારો માટે પીવાના પાણી તેમજ ફુડ પેકેટની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવશે તેમ કમિશ્નરે જણાવ્યું હતું. સીસીટીવી કેમેરા દ્વારા પળેપળની માહિતી આવતીકાલથી બે દિવસ માટે વાયુ વાવાઝોડાની સંભાવનાના પગલે મહાનગરપાલીકા દ્વારા વાવાઝોડાની ઉદ્દભવેલ અસરની પળેપળની માહિતી માટે નાના મવા સર્કલ ખાતે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા માહિતી એકઠી કર્યા બાદ રાહતકાર્ય સરળતાથી કરવામાં આવશે. 
શહેરમાં ફીટ કરવામાં આવેલ 456 થી વધુ સીસીટીવી કેમેરા દ્વારા પળેપળની વિગત એકઠી કરી અધિકારીઓને સુચના આપવામાં આવશે અને સમયસર સ્થળ ઉપર પહોંચી રાહત કાર્ય કરવામાં આવશે. યુનિવર્સિટીનો નિર્ણય ગુરુવારે કોલેજોમાં રજા જાહેર આગામી 24 કલાકમાં વાવાઝોડુ ગુજરાતમાં ત્રાટકશે હવામાન વિભાગની આગાહીથી રાજ્ય સરકાર દ્વારાગુજરાતમાં એલર્ટ કરતા શાળાઓમાં રજા જાહેર કર્યા બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં પણ ગુરુવારે રજા જાહેર કરવાની જાહેરાત આજે યુનિવર્સિટીના કુલપતિ ડો.પ્રો.નીતિન પેથાણી દ્વારા કરવામાં આવી હતી.