કોંગ્રેસનું ખેડૂતોના દેવામાફીનું બિન-સરકારી વિધેયક વિધાનસભામાં બહુમતિથી ફગાવાયું

  • કોંગ્રેસનું ખેડૂતોના દેવામાફીનું બિન-સરકારી વિધેયક વિધાનસભામાં બહુમતિથી ફગાવાયું
    કોંગ્રેસનું ખેડૂતોના દેવામાફીનું બિન-સરકારી વિધેયક વિધાનસભામાં બહુમતિથી ફગાવાયું

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયા દ્વારા ખેડૂતોની દેવામાફી માટે ગુરૂવારે એક બિન-સરકારી વિધયક રજૂ કર્યું હતું, જેને ચર્ચાને અંતે બહુમતિથી ફગાવી દેવાયું હતું. કોંગ્રેસે કહ્યું કે, દેશના 9 રાજ્યમાં ખેડૂતોના દેવા માફ થાય છે, પરંતુ ગુજરાત સરકારે કરવું નથી. આ બિલ પર રાજ્ય સરકાર તરફથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જવાબ આપ્યો હતો. નીતિન પટેલે જવાબ દરમિયાન 'ખેડૂત વિરોધી પાપી સરકાર' કહેતાં કોંગ્રેસના ધારાસભ્યો પોતાની બેન્ચ પર ઊભા થઈ ગયા હતા અને ગૃહમાં ભારે હોબાળો મચાવ્યો હતો. 

કોંગ્રેસના ધારાસભ્ય હર્ષધ રિબડીયાએ ખેડૂતોની દેવામાફી અંગે ગુરૂવારે રાજ્ય વિધાનસભામાં એક બિન-સરકારી વિધેયક રજૂ કર્યું હતું. આ વિધેયક રજૂ કરતાં હર્ષદ રિબડીયાએ જણાવ્યું કે, "રાજ્યમાં આજે ખેડૂત જગત માટે ઐતિહાસિક દિવસ છે. રાજ્યમાં કુલ 58 લાખ ખેડૂત પરિવાર છે અને 68 લાખ ખેતમજૂર છે. રાજ્યમાં અંદાજે 3.5 કરોડ લોકો ખેતી સાથે સંકળાયેલા છે. રાજ્ય કક્ષાની બેન્કિંગ કમિટીના આંકડા અનુસાર ગુજરાતનો કૃષિ વિકાસ દર 4.2 ટકા છે."

તેમણે વધુમાં કહ્યું કે, "સરકારના સામાજિક અને આર્થિક સર્વેમાં 47 લાખ હેકટરની ક્ષમતા સામે ફક્ત 30 લાખ હેકટરમાં જ સિંચાઇનું પાણી પહોંચ્યું છે. જેના કારણે ખેડૂતોને તકલીફ પડી રહી છે. 
સરકાર કહે છે કે, અમે ટેકાના ભાવે ખરીદી કરી છે, પરંતુ  માત્ર 15 ટકા ખેડૂતોનો જ માલ ખરીદાય છે, બાકીના 85 ટકા ખેડૂતો ખુલ્લા બજારમાં માલ વેચે છે. ખેત પેદાશો પર GST લાગી રહ્યો છે. ખેત ઉત્પાદન ખર્ચ દિવસે ને દિવસે વધી રહ્યો છે, જેના કારણે ખેડૂતો દેવાદાર થઈ રહ્યા છે. રાજ્યમાં 70 ટકાથી વધુ ધારાસભ્યો ખેડૂતોના મતોથી ચૂંટાઈને આવે છે. આજે આ બિલના સમર્થનમાં તમામ ધારાસભ્યોએ મત આપવો જોઈએ. દેશના 9 રાજ્યમાં ખેડૂતોના દેવા માફ થાય છે, ગુજરાતમાં પણ થાય તેમ છે, પરંતુ સરકારને કરવું નથી."