CWC 2019 Semi Final: ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવી ઈંગ્લેન્ડ 1992 બાદ વિશ્વકપ ફાઇનલમાં

  • CWC 2019 Semi Final: ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવી ઈંગ્લેન્ડ 1992 બાદ વિશ્વકપ ફાઇનલમાં
    CWC 2019 Semi Final: ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવી ઈંગ્લેન્ડ 1992 બાદ વિશ્વકપ ફાઇનલમાં

બર્મિંઘમ: આઈસીસી વિશ્વકપ-2019ની બીજી સેમિફાઇનલ મેચમાં ટાઇટલની પ્રબળ દાવેદાર યજમાન ઈંગ્લેન્ડની ટીમ ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે પરાજય આપીને ફાઇનલમાં પહોંચી ગઈ છે. હવે 14 જુલાઈએ લોર્ડ્સમાં ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ જંગ રમાશે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાની ટીમ 49 ઓવરમાં 223 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ઈંગ્લેન્ડે 32.1 ઓવરમાં 2 વિકેટે 226 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. ઈંગ્લેન્ડ તરફથી જેસન રોયે સૌથી વધુ 85 રન બનાવ્યા હતા. આ સાથે ઈંગ્લેન્ડ 1992 બાદ આઈસીસી વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયાને પ્રથમવાર હરાવવામાં સફળ રહ્યું છે. તો ઈંગ્લેન્ડ 1992 બાદ વિશ્વકપ ફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યું છે. તો ટૂર્નામેન્ટમાંથી ટેબલ ટોપ બે ટીમો ભારત અને ઓસ્ટ્રેલિયા બહાર થઈ ગયા છે.  જેસન રોયની તોફાની બેટિંગ
ઈંગ્લેન્ડને ઓપનિંગ જોડી જેસન રોય તથા બેયરસ્ટોએ તોફાની શરૂઆત અપાવી હતી. બંન્નેએ પ્રથમ વિકેટ માટે 124 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારીને મિશેલ સ્ટાર્કે તોડી અને બેયરસ્ટોને 34 રન પર LBW આઉટ કર્યો હતો. જેસન રોય 85 રન બનાવી પેટ કમિન્સના બોલ પર આઉટ થયો હતો. તેણે 65 બોલનો સામનો કરતા 9 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. રોયનો નિર્ણય વિવાદાસ્પદ રહ્યો હતો કારણ કે કુમાર ધર્મસેનાએ કમિન્સને આઉટ આપ્યા બાદ ત્રીજા અમ્પાયરને નિર્ણય લેવા માટે ઇશારો કર્યો હતો. ઈંગ્લેન્ડ પાસે રિવ્યૂ નહતું અને તેથી તેને મદદ ન મળી શકી. જેસને અમ્પાયરના નિર્ણયનો વિરોધ કર્યો પરંતુ અંતે તેણે મેદાન છોડીને બહાર જવું પડ્યું હતું. ઇયોન મોર્ગન 45 અને જો રૂટ 49 રન બનાવી અણનમ રહ્યાં હતા.  વિશ્વકપની સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાનો પ્રથમવાર પરાજય
ઓસ્ટ્રેલિયાની ટીમ આ પહેલા 1975, 1987, 1996, 1999, 2003, 2007 અને 2015ના વિશ્વકપના સેમિફાઇનલમાં પહોંચી હતી અને દર વખતે તે ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી. તેનો સેમિફાઇનલમાં જીતનો રેકોર્ડ 100 ટકા હતો. પરંતુ આજે ઈંગ્લેન્ડે તેને પરાજય આપીને આ રેકોર્ડ પર બ્રેક લગાવી દીધી છે. આમ ઓસ્ટ્રેલિયા પ્રથમ વખત વિશ્વ કપની સેમિફાઇનલ મેચમાં હાર્યું છે.