સોનભદ્ર જઈ રહેલા પ્રિયંકા ગાંધીના કાફલાને પોલીસે રોક્યો, પ્રિયંકાએ કહ્યું-'ગમે તે કરો અમે ઝૂકીશું નહીં'

  • સોનભદ્ર જઈ રહેલા પ્રિયંકા ગાંધીના કાફલાને પોલીસે રોક્યો, પ્રિયંકાએ કહ્યું-'ગમે તે કરો અમે ઝૂકીશું નહીં'

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં થયેલા નરસંહાર બાદ પીડિતોના પરિવારોને મળવા જઈ રહેલા કોંગ્રેસના યુપી પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રાને ત્યાં જતા પોલીસે રોકી દીધા છે. તેમને મિર્ઝાપુર અને વારાણસીની સરહદ પર રોકવામાં આવ્યાં છે. નારાજ પ્રિયંકા  ગાંધી સમર્થકો સાથે નારાયણપુરમાં ધરણા પર બેસી ગયા છે. સમાચાર એજન્સી એએનઆઈ મુજબ પ્રિયંકા ગાંધીએ પોતાને અટકાયતમાં લીધા હોવાની વાત કરી છે. જો કે બીજી બાજુ ડીજીપી ઓપી સિંહે પ્રિયંકા ગાંધીને અટકાયતમાં લીધા હોવાની વાતનો ઈન્કાર કર્યો છે. તેમણે કહ્યું કે પ્રિયંકાને ફક્ત સોનભદ્ર જતા રોકવામાં આવ્યાં છે. અત્રે જણાવવાનું કે સોનભદ્રમાં જમીન વિવાદમાં 10 લોકોની હત્યા થઈ હતી.  પ્રિયંકા ગાંધીએ કહ્યું કે 'પોલીસ અમને ક્યાં લઈ જાય છે તે અમને ખબર નથી.' આ અગાઉ પણ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સોનભદ્ર ઘટનામાં ઘાયલ લોકોના હોસ્પિટલમાં જઈને હાલચાલ જાણવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અત્રે જણાવવાનું કે સોનભદ્રમાં જમીન વિવાદમાં 10 લોકોની હત્યા થઈ હતી. પ્રશાસનની તરફથી સોનભદ્રમાં કલમ 144 લગાવવામાં આવી છે. જો કે કોંગ્રેસ કાર્યકરો હજુ પણ નારાયણપુરમાં ધરણા પર બેઠા છે.  પ્રિયંકા ગાંધીએ કહ્યું કે પ્રશાસન મને પીડીતોને મળતા રોકી રહ્યું છે. યોગી સરકાર ગમે તે કરે પરંતુ અમે ઝૂકીશું નહીં. તેમણે કહ્યું કે અમે ફક્ત સોનભદ્ર જઈને ત્યાં ઘટનાના પીડિતોના પરિવારોને મળવા માંગતા હતાં. મેં ફક્ત 4 લોકોને મારી સાથે લઈ જવાની વાત કરી હતી. પરંતુ પ્રશાસન અમને ત્યાં જતા રોકી રહ્યું છે. તેમણે અમને જણાવવું પડશે કે આખરે તેઓ અમને સોનભદ્ર જતા કેમ રોકી રહ્યાં છે.